આગ્રાઃ અત્યારે આપણે ત્યાં લગ્નની મૌસમ પુરબહારમાં ખીલી ઉઠી છે અને અવારનવાર લગ્નમાં થયેલાં અજીબોગરીબ બનાવ કે રીત-રસમ વિશેના અહેવાલો આપણે વાંચતા હોઈએ છીએ. આજે આપણે અહીં વાત કરવાના છે આવા જ એક લગ્ન વિશે. ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે યોજાયેલા એક લગ્નસમારંભમાં યુરોપિયન દંપતી બિન બુલાયે મહેમાનની જેમ પહોંચી ગયું હતું. ફિલિપ અને મોનિકા તેમનું નામ છે અને તે યુરોપના રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોનિકા અને ફિલિપ બંને જણ આગ્રા જોવા આવ્યા હતા પણ લગ્ન ચાલી રહેલાં જોઈને તેઓ પારંપારિક કપડાં પહેરીને પહોંચી ગયા. સૌથી પહેલાં તેમણે આ લગ્નમાં જઈને મહેમાનોને પોતાની ઓળખ આપી. મહેમાનોએ આ બંનેની ઓળખ નવવધુના પિતા સાથે કરાવી આપી.
આશ્ર્ચર્ય વચ્ચે તેમણે તેમની હાજરીને સહર્ષ સ્વીકારી લીધી. બસ અહીંથી લગ્નમાં હિલચાલ શરુ થઈ અને લોકો મોનિકા અને ફિલિપની કંપની એન્જોય કરવા લાગ્યા, ફોટા પાડવા લાગ્યા. સામે પક્ષે બંને જણ પણ અજાણ્યા મહેમાનોને ખૂબ જ આનંદથી મળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોનિકા અને ફિલિપ ભારતદર્શન માટે આવ્યા છે.ઓચિંતા લગ્નમાં પહોંચેલા બંને જણે નવદંપતિ સાથે પણ ફોટો ક્લિક કર્યા અને ભોજનની મજા પણ માણી. બાદમાં બંને જણે એક વીડિયો યુટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરીને પોતાનો અનુભવ શેયર કર્યો હતો. લોકો તેમના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.