યુરોપમાં કાળઝાળ ગરમીએ અનેક લોકોના ભોગ લીધા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

યુરોપ ખંડ હાલ કાળઝાળ ગરમીની ચપેટમાં છે. યુરોપના અનેક દેશ હાલમાં ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. હીટવેવને લીધે જંગલોમાં આગ લાગવાની અસંખ્યા ઘટના બની રહી છે. બ્રિટન ફ્રાંસ, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન અને ગ્રીસમાં ગરમી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે.
બ્રિટનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચી ગયો છે. યુકેના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે એકાદ-બે દિવસમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હજુ પણ પારો તેની ઉપર જઈ શકે છે. નિષ્ણાતોનો દાવો છે કે જો કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ખરાબ થશે. બ્રિટનમાં ગરમીના કારણે ત્યાંની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ બ્રિટનમાં ગરમીના કારણે રસ્તાઓ પર ડામર ઓગળવા લાગ્યો છે. રેલ્વે ટ્રેક પણ વધતા તાપમાનને સહન કરવામાં અસમર્થ છે. એરપોર્ટના રનવે ઓગળી રહ્યા છે. રેલ્વે ટ્રેક ફેલ થઈ ગયો છે. શાળાઓ બંધ કરવામાં આવી છે. બ્રિટનના રેલવે પ્રધાને જણાવ્યું હતું કે તેમના દેશનું રેલ નેટવર્ક આ ભયાનક ગરમીનો સામનો કરવા માટે અસમર્થ છે. તેને અપગ્રેડ કરવામાં વર્ષો લાગી શકે એમ છે. તાપમાનમાં વધારાને કારણે ટ્રેકનું તાપમાન 50 ડિગ્રી, 60 ડિગ્રી અને 70 ડિગ્રી સુધી પહોંચી જાય છે. જેના કારણે પાટા ઓગળી શકે છે અને ટ્રેન પાટા પરથી ઉતરી જવાનો ખતરો વધી જાય છે. આ જ કારણે યુકેમાં લોકોને ટ્રેનમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

“>

ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન, ગ્રીસમાં પણ ભારે ગરમી પડી રહી છે. અહીં મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. વધતી જતી ગરમીના કારણે જંગલમાં આગ લાગવાના બનાવો પણ વધ્યા છે. દક્ષિણ યુરોપના ભાગોમાં સેંકડો જંગલો સળગી રહ્યાં છે. સ્પેનમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સ્પેનમાં આ વર્ષે આગના કારણે 1.73 લાખ એકર જમીન બળીને ખાખ થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં 510 લોકોના મોત થયા છે. આશરે 13 હજાર લોકોને સુરક્ષિત સ્થાન પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
પેરિસમાં ગરમીથી બચવા લોકો આઇસ બારનો આશરો લઈ રહ્યા છે. આઇસ બારમાં તાપમાન 20 ° સે છે. અહીં લોકો 25 મિનિટ માટે લગભગ 2 હજાર રૂપિયા ચૂકવી રહ્યા છે. ફ્રાન્સના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. રેકોર્ડતોડ તાપમાનથી ફ્રાંસના 22 હજાર એકર જંગલમાં આગ લાગી છે, જેને બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે.
પોર્ટુગલમાં પણ સ્થિતિ ખાસ સારી નથી. અહીં પણ હીટવેવનો કહેર જોવા મળે છે. એને લીધે જંગલના અનેક વિસ્તારોમાં આગ લાગી છે. આશરે 160 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેંકડો લોકો ઘર છોડી ચૂક્યા છે. પોર્ટુગલમાં વર્ષ 2017 બાદ ગરમીની સૌથી ગંભીર અસર જોવા મળી રહી છે. પોર્ટુગલમાં તાપમાન વધવાને લીધે 7થી 18 જુલાઈ વચ્ચે 1 હજારથી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
અમેરિકામાં પણ પરિસ્થિતિ ગંભીર છે. અહીં પણ અનેક જંગલોમાં આગ લાગી છે. ટેક્સાસ, લૉસ એન્જેલસ, ઓકલાહોમ અને મિસિસિપી જેવાં અમેરિકાનાં અનેક શહેરોમાં તાપમાનનો પારો 40-50 ડીગ્રી સેલ્સિયસ પહોંચી ગયો છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ અમેરિકાના 25 ટકા એટલે કે 8 કરોડ લોકો ભીષણ ગરમીની ઝપેટમાં આવી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.