Homeઉત્સવએસકેપ ફ્રોમ હેલ: નર્કમાંથી કોઈ જીવતું પાછું આવી શકે!

એસકેપ ફ્રોમ હેલ: નર્કમાંથી કોઈ જીવતું પાછું આવી શકે!

કેન્વાસ -અભિમન્યુ મોદી

ધગધગતા રણમાં કેટલું ચાલવું ગમે? જો દોડવાની વાત આવે તો કેટલું દોડી શકાય? જમીન સપાટ હોય તો શરીરને ગતિ અને પવનનો સાથ મળે, વ્યક્તિ હવાની માફક ઝડપથી દોડવા માંડે છે. રેતાળ કે કાંપની જમીન હોય તો પગને દોડવામાં થોડો વધુ શ્રમ ન પડે, પરંતુ જ્યાં જમીન જ નહીં માત્ર રણ છે. સૂકુ ભટ્ટ રણ એ સ્થળે ખુલ્લા પગે જવાથી પગમાં પણ ગાબડાં પડી જાય એવા ગાબડાં જે ચામડીને ઊતેડી નાખે તેવા રણપ્રદેશ પર દોડવાનો મોકો મળે તો કેટલા તૈયાર થાય? જાણીને આશ્ર્ચર્ય થશે કે દર વર્ષે ૧૩૦૦ લોકો આવા સૂકા અને ભટ્ટ રણમાં દોડે છે. જેવી તેમની રેસ શરૂ થાય એ સાથે જ કુદરત નક્કી કરી લે છે કે આ દોડવીરોમાંથી કોના લલાટે જીત લખાયેલી છે. એ એકલવીર અને બાદ કરતાં કુદરત પવનનું તોફાન લઈને આવે છે. જેમાં ઘણા ઊડી જાય છે, ઘણા દટાઈ જાય છે, ઘણા ઇજાગ્રસ્ત થાય છે, ઘણા ગાયબ થઈ જાય છે, પરંતુ જેના ભાગ્યમાં જીતની લકીર લખાયેલી છે એ વ્યક્તિ ગંતવ્યવસ્થાને પહોંચે છે છતાં એવા પણ લોકો હોય છે જે દટાઈ ગયા બાદ પણ અંતિમ રેખા સુધી પહોંચી જાય છે. ઘણા તો એવા પણ છે કે જે ઇજાગ્રસ્ત અવસ્થામાં પણ રણમાં પ્રણ કરીને જીતને કબ્જે કરે છે.
૧૯૯૪માં આવી જ એક રેસ મોરક્કોમાં ફેલાયેલા દુનિયાના સૌથી ગરમ રણ સહારાના મરુસ્થળમાં યોજાઈ. ૬ ચરણમાં આયોજિત થતી આ રેસનો અંતિમ પડાવ સહારાના રણમાં આકાર પામે છે. ‘મેરેથોન દેસ સાબલેસ’ નામે ઓળખાતી આ રેસના અંતિમ પડાવમાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમીમાં ખેલાડીઓ દૌડની શરૂઆત કરે છે અને ૬ દિવસમાં ૧૫૬ માઈલનું અંતર પૂર્ણ કરીને જે સ્પર્ધક પ્રથમ વાર અંતિમ લાઈનને પાર કરે છે તે વિજેતા ઘોષિત તથ્ય છે. જેમાં હાર્ડ થીજવતી ઠંડી શરીરને જમાવી દે એમ વધુ પ્રમાણમાં ગરમી લોહીને ઓગાળી દે છે, તંતુઓ તાર તાર થઈ જાય છે, માથું ફાટફાટ થાય છે છતાં રેસ તો પૂરી કરવી જ પડે છે. આ રેસમાં ઈટલી માટે ઓલમ્પિક રમી ચૂકેલા પૂર્વ દોડવીર અને પોલીસ ઑફિસર મૌરો પ્રોસ્પેરી પણ જોડાય છે.
સ્પર્ધાના નિયમ અનુસાર પ્રત્યેક પ્રતિસ્પર્ધીને પર્યાપ્ત માત્રામાં ભોજન, દવા, રણમાં દૌડ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેવાં આવશ્યક સાધનો સાથે લઈ જવાની અનુમતિ મળે છે, પરંતુ પાણી લઈ જવાની મનાઈ છે. પાણી માત્ર ચેક પોસ્ટ પર જ મળે છે એ પણ ૨૫૦ એલએલ. આ આકરા નિયમો સાથે મૌરો ૬ દિવસમાં ૧૫૬ માઈલનું અંતર કાપીને સહારાના રણને પાર કરવાનો નિર્ધાર કરે છે.દર વર્ષે જે ઘટનાઓ ઘટે છે એ જ ઘટના પુનરાવર્તિત થાય છે. ખેલાડીઓ જેવા રણની મધ્યમાં પહોંચે છે એ સાથે જ રણનું ભયંકર તોફાન આવે છે. જીતની લાલસામાં મૌરો બધાની આગળ નીકળી જાય છે. એ વખતે જ તોફાન આવ્યું. સતત ૮ કલાક સુધી ચાલેલું આ તોફાન એટલું જોખમી હતું કે ઘણા એકબીજા સાથે અથડાયા તો ઘણા માઈલો દૂર ફંટાયા, કોઈનો હાથ ભાંગ્યો,કોઈનો પગ તૂટ્યો. તેમાંય મૌરો તો જોજનો દૂર પહોંચી ગયા હતા.
રણપ્રદેશ એટલે રેતીના ઝીણા કણોનો પ્રદેશ. પણ જો તેમાં ભૂલા પડ્યા તો ભયંકર ભયનો પ્રદેશ. એટલી હદે ભયંકર કે જીવન નર્ક બની જાય. જેલમાં રહેવું તો સહેલું છે. ચાર દીવાલમાં કેદ કેદીને જીવવા માટે પ્રત્યેક સુવિધા મળે છે પરંતુ રણમાં તો પાણી જ દરેક સમસ્યાનું ઓસડ છે. જયારે મૌરો પાસે એ બધું હતું જે તેનું પેટ ભરી શકે, પરંતુ જીવન અર્પી શકે તેવું પાણી તો તેની પાસે હતું જ નહીં. તોફાનમાં પછડાટ ખાધા બાદ મૌરો ભાનમાં આવે છે અને જાણે કશું થયું જ ન હોય તેમ દોડવા લાગે છે. તે એવું વિચારે છે કે આ એ જ સ્થાન છે જ્યાંથી તેને જીતનો મુકામ મળશે. સતત પાંચ કલાક સુધી દોડ્યા બાદ તેમને ખબર પડે છે કે તેઓ તો રેસની લાઈનથી ૧૮૦ માઈલ દૂર દોડી રહ્યા હતા. શરીરમાં રહેલો જુસ્સો શમી જાય છે. થાકેલા પાકેલા મૌરો થોડીવાર આરામ કરવાનો વિચાર કરે છે. અચાનક તેમની નજર સામે એક મોટું તળાવ દેખાય છે. એ તળાવને નિહાળીને લાગ્યું કે અહીં તો વિપુલ માત્રામાં નદીઓ આવેલી છે. એ વિચારીને મૌરો દોડીને તે જ્યારે પહેલા તળાવમાં કૂદકો મારે છે ત્યારે તેમનો ભ્રમ ભંગ થાય છે. અસલમાં તેમના મનમાં મૃગજળ આકાર પામ્યું હતું.
પેટનો ખાડો પૂરીને મૌરોએ રસ્તો શોધવાનું શરૂ કરી દીધું. ૬ દિવસમાં અંતિમ રેખા પાર કરવાની હતી તેના સ્થાને સતત ૯દિવસ સુધી મૌરો દોડ્યા જ કરે છે. ભોજન પૂર્ણ થઈ જાય છે, દવાઓ ખૂટી જાય છે. સ્થિતિ એટલે બદતર બને છે કે પોતાની પાણી તરફ પૂર્ણ કરવા પોતાના જ યુરિનને મૌરો ગટગટાવી જાય છે. પરંતુ રણ હજુ તેમની પરીક્ષા કરી રહ્યું હતું. મૌરોની જઠરાગ્નિ એ હદે આગ પેટાવે છે કે તેઓ કરોળિયા, માખી-મચ્છર અને ચામાચીડિયાને મારીને તેના રક્તથી પાણી અને માંસથી ભોજનની ક્ષુધાને તૃપ્ત કરે છે. એક તબ્બકે તો મૌરોનું મનોબળ ભાંગી જાય છે. પોતાના જીવન પર ફિટકાર વરસે છે કે કેમ સુંદર ગૃહસ્થી અને વ્હાલસોયાં બાળકોને એકલાં મૂકી પોતાના જીતના ઝનૂનને પૂર્ણ કરવા તે આવા નિર્જન નર્કમાં આવ્યા. આ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી તેઓ હાથની નસ કાપીને નાંખે છે. ચમત્કાર કહો કે શરીરનો ચિત્કાર, ડીહાઇડ્રેશન અને પોષક તત્ત્વોના અભાવને કારણે તેમના લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. શરીરની ચરબી માંસના લોચામાં પરિવર્તિત થઈ ગઈ હતી અને દેહ દૈત્ય જેવો બની ગયો હતો. આપઘાતનો પ્રયાસ કરવા છતાં પણ મૌરોની જીવ બચી જતા તેમની ઈશ્ર્વર અને જીવન પ્રત્યે આશા જન્મે છે. શરીરમાં હામ એકથી કરીને ફરી મૌરો ચાલવાનું શરૂ કરે છે. ચાલતા ચાલતા તેમને બકરીઓનું ટોળું દેખાય છે. આ ટોળું મૃગજળ તો નથી ને ! તેની ખાતરી કરવા મૌરો તેની દિશામાં આગળ વધે ત્યારે એક બાળકી તેને નિહાળીને ડઘાઈ જાય છે. મૌરો સમજી જાય છે કે નર્કનો અંત આવ્યો અને જીવનનો આરંભ થયો. આ વિચાર સાથે તેની આંખો મીંચાઈ જાય છે.
આંખ ખૂલે ત્યારે મૌરો અલ્જેરિયાની સરકારી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોય છે. તબીબ જણાવે છે કે તેનું લીવર સંપૂર્ણ પણે ડેમેજ થઈ ગયું છે છતાં પણ તે જીવિત છે એ ચમત્કાર છે. મૌરોનો પરિવાર અને ‘મેરેથોન દેસ સાબલેસ’ના સંચાલકો તો તેને મૃત માનતા હતા, પરંતુ જયારે તેમને મૌરોના સાહસ અને પ્રબળ ઈચ્છા
શક્તિની ખબર પડે ત્યારે સૌ તેનાથી ચક્તિ થઈ જાય છે. ઇટાલિયન સરકાર પણ મૌરોને મેડલ આપીને નવાજે છે અઢળક ટીવી ચેનલોમાં તેઓ ઇન્ટરવ્યૂ આપે છે ત્યારે પેલા આપઘાતના પ્રસંગને યાદ કરીને કહે છે કે જો પ્રબળ જીજીવિષા હશે તો જીવન પણ માનવીનો સાથ નથી છોડતું પણ જે વ્યક્તિ જીવનથી જ હારી જાય છે મૃત્ય આપોઆપ તેની સમીપ પહોંચી જાય છે. મૌરો આટલેથી જ ન અટક્યા. ૨૦૦૧માં ફરી ‘મેરેથોન દેસ સાબલેસ’માં ભાગ લીધો અને રણને પાર કરી વિજેતા થયા.
આજકાલ આપઘાત કરવાનો ટ્રેન્ડ બની ગયો છે, નાસીપાસ થવું તો સામાન્ય ઘટના બની છે, મૌરો આ વલણ બદલી નાખ્યું છે. આકરા સંજોગોમાં તેમણે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો પણ જયારે બચી ગયા ત્યારે જાત અને પરિસ્થિતિ સાથે લડી ગયા. તો શું દુર્ઘટના બાદ જ સમજણ આવવી જરૂરી છે? માનવીની આંખમાં આંસુ આવી જાય તેટલી તકલીફો સહન કરીને ઇશ્ર્વર અમૂલ્ય જિંદગી પ્રદાન કરે છે. માણસે તો જીવતા રહીને કંઇક નવું આપવાનો પુરુષાર્થ કરવાનો છે, પરંતુ પ્રારબ્ધમાં ગૂંચવાયેલી આજની પ્રજા માટે તો પીડા અભિશાપ બની ગઈ છે. આપત્તિને અવસરમાં પલટાવે તેનું નામ માનવી. પીડાથી સંકોચાઈ જવાની આદત ક્યારથી પડી ગઈ? જાતને સંજોગો પ્રમાણે બદલતા શીખવાની કળા તો આવડવી જ જોઈએ.જીવનભર ક્રૂર સંજોગોના હથોડા વાગ્યા કરશે. તેમાં મલમરૂપે સારા દિવસો જરૂર આવશે, પરંતુ કમભાગ્યે કષ્ટો અને ખરાબ દિવસોમાં રાચતો માનવી દુ:ખને એન્લાર્જ કરી દે છે અને જીવનમાં ખોટી કડવાશ ભરીને જિંદગી કષ્ટ ભોગવે છે. જો એ સમયે મૌરોએ આપઘાતનો પુન:પ્રયાસ કર્યો હોત તો શું આજે જગત તેમની યશગાથાને વર્ણવતું હોત! જયારે વિચારોમાં આ પ્રકારના સકારાત્મક વિચારોની ઉત્ક્રાંતિ આવશે ત્યારે રણ તો શું કોઈ આપત્તિ માનવીને રોકી નહીં શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular