Homeઆમચી મુંબઈએયુ વિરુદ્ધ ઈએસનું રાજકારણ ગરમાયું

એયુ વિરુદ્ધ ઈએસનું રાજકારણ ગરમાયું

સંજય રાઉત અને એકનાથ શિંદે વચ્ચે શાબ્દિક ટપાટપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપુત અને દિશા સાલિયાનના મૃત્યુના પ્રકરણમાં એયુ કોણ છે? એ પ્રશ્ર્નને લઈને મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ ડહોળાયું છે ત્યારે હવે થાણેના બિલ્ડર સુરજ પરમારની ડાયરીમાં રહેલ ઈએસ કોણ છે એવો સવાલ ચર્ચામાં આવ્યો છે અને તેને કારણે ઠંડીના વાતાવરણમાં રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે.
ભાજપે વિધાનસભામાં એવો દાવો કર્યો હતો કે એયુ એટલે આદિત્ય ઠાકરે અને તેની તપાસ કરવા માટે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એસઆઈટી (સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ) પણ નિયુક્ત કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
આ બધાની વચ્ચે શિવસેનાના મુંબઈના સંસદસભ્ય અરવિંદ સાવંતે એવો સવાલ ઉપસ્થિત કર્યો છે કે આત્મહત્યા કરનારા થાણેના બિલ્ડર સુરજ પરમારે પોતાની ડાયરીમાં ઈએસ એવા ટૂંકાક્ષરે કેટલાક ઉલ્લેખ કર્યા હતા. આ ઈએસ કોણ છે તેની એસઆઈટી દ્વારા તપાસ કરવી જોઈએ એવી માગણી પણ તેમણે કરી હતી.
સાવંતની માગણીને લઈને હવે શિવસેનાના નેતા સંજય રાઉતે પણ આ માગણી કરી છે. તેમણે રવિવારે કહ્યું હતું કે થાણેના એક બિલ્ડર સુરજ પરમારની આત્મહત્યા બાદ જે ડાયરી મળી તેમાં કેટલાક સાંકેતિક નામ છે. તે નામ કોના છે તેની અમને જાણકારી છે. તમારામાં હિંમત હોય તો તેને માટે પણ એસઆઈટીની તપાસ કરાવો.
સંજય રાઉતે ફેંકેલા પડકારનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઔરંગાબાદમાં કહ્યું હતું કે આ માગણી તેઓ હતાશામાં કરી રહ્યા છે. બધી તપાસનો અમે સામનો કરી શકીએ છીએ. અમારી સરકાર પારદર્શક છે. ઠાકરે જૂથને ફક્ત રાજકારણ કરવું છે. ભૂખંડ પ્રકરણે તેમણે આરોપ કર્યા હતા, પરંતુ તેઓ ઊંધા મોં પર પટકાયા છે. અદાલતે તેમને તેમની જગ્યા દેખાડી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular