(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વધતા ફુગાવાને નાથવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારામાં આક્રમક અભિગમ અપનાવે તેવી ભીતિ સપાટી પર આવતા આજે જાપાન સિવાયની એશિયન ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો અને સતત છઠ્ઠા સત્રમાં પીછેહઠ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં વધુ ૧૪૧.૮૭ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૪૫.૪૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૪૧૭.૨૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ અને ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી એચડીએએફસી અને એચડીએફસી બૅન્કમાં વેચવાલીનું દબાણ વધુ રહેતાં બૅન્ચમાર્ક વધુ દબાણ હેઠળ આવ્યા હતા.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૯,૬૦૫.૮૦ના બંધ સામે સુધારાના ટોને ૫૯,૮૫૯.૪૮ની સપાટીએ ખૂલ્યા બાદ ઉપરમાં ૫૯,૯૦૮.૭૭ અને નીચામાં ૫૯,૩૨૫.૩૪ સુધી ઘટ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૦.૨૪ ટકા અથવા તો ૧૪૧.૮૭ પૉઈન્ટના ઘટાડા સાથે ૫૯,૪૬૩.૯૩ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૫૧૧.૨૫ના બંધ સામે સુધારાના ટોને ૧૭,૫૯૧.૩૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૭,૪૨૧.૮૦થી ૧૭,૫૯૯.૭૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૨૬ ટકા અથવા તો ૪૫.૪૫ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૭,૪૬૫.૮૦ના મથાળે બંધ રહ્યો હતો.
આજે એકંદરે વૈશ્ર્વિક બજારમાં ઘટ્યા મથાળેથી થોડાઘણાં અંશે સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સત્રના આરંભે સુધારો જોવા મળ્યો હતો, પરંતુ વિશ્ર્વાસનો અભાવ રહેતાં આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો અને સતત છઠ્ઠા સત્રમાં પીછેહઠ જોવા મળી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી તેમ જ રશિયાની ક્રૂડતેલની નિકાસ ઘટે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવવાથી બજાર વધુ દબાણ હેઠળ આવી હતી.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૮ શૅરના ભાવ ઘટીને અને ૧૨ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૫ ટકાનો ઘટાડો મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટાટા સ્ટીલમાં ૧.૮૮ ટકાનો, ટાટા મોટર્સમાં ૧.૨૭ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૨૦ ટકાનો, મારુતિ સુઝુકીમાં ૦.૯૮ ટકાનો અને એચડીએફસી બૅન્કમાં ૦.૯૩ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૧.૨૦ ટકાનો સુધારો એશિયન પેઈન્ટ્સમાં જોવા મળ્યો હતો. આ સિવાય બજાજ ફિનસર્વમાં ૦.૮૪ ટકાનો, એનટીપીસીમાં ૦.૮૩ કાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૮૨ ટકાનો, રિલાયન્સમાં ૦.૭૭ ટકાનો અને એક્સિસ બૅન્કમાં ૦.૭૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે ઈન્ફોસિસ અને એચસીએલ ટૅક્નોલૉજીસમાં માત્ર પાંચ પૈસાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં માત્ર છ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા હતા. જેમાં એનર્જી ઈન્ડેક્સમાં ૦.૪૪ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૦.૩૭ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ અને સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૨૮ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૨૪ ટકાનો અને પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૦૪ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા.
ફેડરલના વધુ વ્યાજદર વધારાની ચિંતા હેઠળ ઈક્વિટી માર્કેટમાં સતત છઠ્ઠા સત્રમાં પીછેહઠ: સેન્સેક્સ ૧૪૧ પૉઈન્ટ અને નિફ્ટી ૪૫ પૉઈન્ટ ઘટ્યો
RELATED ARTICLES