(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના નરમાઈતરફી અહેવાલ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં આગળ વધતો ભાવવધારો અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા સતત ધોવાણને કારણે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં પીછેહઠ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સત્ર દરમિયાન ૪૪૪.૫૩ પૉઈન્ટનો ઘટાડો જોવા મળ્યા બાદ અંતે ૨૦૮.૨૪ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં સત્ર દરમિયાન ૧૨૩.૧૫ પૉઈન્ટનો ઘટાડો જોવા મળ્યા બાદ અંતે ૫૮.૩૦ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૨,૮૩૪.૬૦ના બંધ સામે નરમાઈના ટોને ૬૨,૩૯૫.૫૫ પૉઈન્ટની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૨,૩૯૦.૦૭ અને ઉપરમાં ૬૨,૬૭૭.૮૪ની રેન્જમાં અથડાયા બાદ અંતે ગઈકાલના બંધથી ૦.૩૩ ટકા અથવા તો ૨૦૮.૨૪ પૉઈન્ટ ઘટીને ૬૨,૬૨૬.૩૬ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૭૦૧.૦૫ના બંધ સામે નરમાઈના ટોને ૧૮,૬૦૦.૬૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૮,૫૭૭.૯૦ અને ઉપરમાં ૧૮,૬૫૪.૯૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૩૧ ટકા અથવા તો ૫૮.૩૦ પૉઈન્ટ ઘટીને ૧૮,૬૪૨.૭૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
અગાઉ અમેરિકાના રોજગારીના ડેટા મજબૂત આવ્યા બાદ ગઈકાલે નવેમ્બર મહિનાના સર્વિસીસના ડેટા પણ મજબૂત આવતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતાં આજે વિશ્ર્વ બજારમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, ચીન કોવિડ-૧૯ નિયંત્રણો હળવાં કરી રહ્યું હોવાથી માગમાં વધારો થવાનો આશાવાદ વધ્યો હતો, જ્યારે રશિયન તેલ પરનાં નવાં નિયંત્રણોને કારણે વૈશ્ર્વિક તેલબજારમાં પણ ભારે ચંચળતા જોવા મળી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે સ્થાનિકમાં રોકાણકારોની નજર આવતીકાલે સમાપન થતી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનેટરી પૉલિસીની બેઠકની ફળશ્રુતિ પર સ્થિર થઈ છે. વધુમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે બજાર નરમાઈના ટોને ખૂલતાં કામકાજો પણ પાંખાં રહ્યા હોવાનું રેલિગેર બ્રોકિંગ લિ.ના ટેક્નિકલ રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ અજીત મિશ્રાએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૫ શૅરના ભાવ વધીને ૧૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૧૯ શૅરના ભાવ વધીને ૩૦ શૅરના ભાવ ઘટીને અને એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં હિન્દુસ્તાન યુનીલિવરના ભાવમાં ૧.૩૧ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૯૯ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૮૧ ટકાનો, નેસ્લેમાં ૦.૭૫ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૦.૫૯ ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં ૦.૫૨ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ટાટા સ્ટીલમાં ૨.૫૦ ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝમાં ૨.૩૫ ટકાનો, ઈન્ફોસિસમાં ૧.૬૯ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૩૨ ટકાનો, ભારતી એરટેલમાં ૧.૨૭ ટકાનો આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૨૫ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં બીએસઈ યુટિલિટી ઈન્ડેક્સમાં ૦.૯૫ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૦.૯૩ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૦.૫૬ ટકાનો, એફએમસી ઈન્ડેક્સમાં ૦.૩૩ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૦.૨૧ ટકાનો અને કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૦૪ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય જે ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં બીએસઈ બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૧.૬૮ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, ટેક્નોલોજી ઈન્ડેક્સમાં ૧.૩૭ ટકાનો અને આઈટી ઈન્ડેક્સમાં ૧.૩૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૫૩ ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૩૨ ટકાનો ઘટાડો આવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે એશિયામાં સિઉલ અને હૉંગકૉંગની બજાર નરમાઈના ટોને અને ટોકિયો તથા શાંઘાઈની બજાર સુધારાના ટોને બંધ રહી હતી, જ્યારે યુરોપની બજારોમાં મધ્યસત્ર દરમિયાન ઘટાડાતરફી વલણ રહ્યું હતું.
આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬૮ ટકા વધીને બેરલદીઠ ૮૩.૨૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૧૩૯.૦૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
વૈશ્ર્વિક નરમાઈ અને ક્રૂડતેલના ભાવ વધતાં ઈક્વિટીમાં સતત ત્રીજા સત્રમાં પીછેહઠ
RELATED ARTICLES