વડોદરામાં રોગચાળાનું સામ્રાજ્ય: એક દિવસમાં તાવના 353 અને કોલેરાના 2 કેસ, કોર્પોરેશનની કામગીરી સામે લોકોમાં રોષ

આપણું ગુજરાત

Vadodara: વડોદરા શહેરમાં લાંબા સમય સુધી વરસાદી માહોલ રહ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ઠેર-ઠેર ભરાઇ રહેલા પાણી અને ગંદકીના કારણે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ સામ્રાજ્ય જમાવ્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ ઉભરાઇ છે. કોર્પોરેશનની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોર્પોરેશને રોગચાળા પર નિયંત્રણ મેળવવા 201 ટીમો કામે લગાડી છે. આરોગ્ય ટીમો દ્વારા તા.20 જુલાઇ-022ના રોજ 97 હજાર લોકોની તપાસ કરી હતી. જેમાં 353 તાવના કેસો મળી આવ્યા હતા. જેઓના લોહીના નમુના લઇ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ડેંગ્યુ તાવની તપાસ માટે 46 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 3 કેસો પોઝીટીવ આવ્યા છે. ચિકનગુનીયાના 41 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 5 કેસ પોઝીટીવ આવ્યા છે. મેલેરીયા તાવના 1290 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 1 કેસ પોઝીટીવ આવ્યો છે. જ્યારે કોલેરાના 5 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 2 કેસ પોઝીટીવ આવ્યા છે.
શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતા અનેક વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મહાદેવ સોસાયટી, ખોડીયારનગર, જલારામ ઝૂંપડપટ્ટી, લેપ્રેસી ગ્રાઉન્ડ, સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ સમયસર ન થતાં મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થયો છે.
રોગચાળાએ માથું ઉંચકતા શહેરના કારેલીબાગમાં આવેલ ચેપી રોગની હોસ્પિટલ, જમનાબાઇ હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, ઇ.એસ.આઇ. હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ચિકનગુનીયા, તાવ, શરદી, દુષિત પાણીના કારણે કમળો, ડેંગ્યુ તાવના દર્દીઓનો રાફડો ફાડ્યો છે.
બુધવારે 25 કન્સ્ટ્રક્શન સાઇટની તપાસ કરવામાં આવી હતી. જેમાં 3 કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગંદકી અને પાણી ભરાયેલ જોવા મળતા નોટિસ આપવામાં આવી છે. તેમજ 21357 ઘરોમાં તપાસ કરવામાં કરવામાં આવી હતી.
જેતલપુર રોડ પર દુષિત પાણી પીવાના કારણે 17 જુલાઈએ 20 વર્ષની યુવતીને ઝાડા-ઉલટી થયા હતા અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. વડોદરાના મેયર કેયુર રોકડીયાના વોર્ડમાં જ દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટીથી એક યુવતીનું મોત નિપજ્યું હતું. મેયર મૃતક પરિવારની મુલાકાતે પહોંચતા વિસ્તારના લોકોએ “હાયરે મેયર હાય હાય”ના નારા લગાવતા મેયરે ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.