Homeવીકએન્ડપર્યાવરણ, સાહિત્ય અને ઈકોક્રીટિસીઝમ

પર્યાવરણ, સાહિત્ય અને ઈકોક્રીટિસીઝમ

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

‘મુંબઈ સમાચાર’માંથી કોલમ લખવાનું ઇજન મળ્યા બાદ પર્યાવરણ અને પ્રકૃતિના અવનવા પાસાને કેન્દ્રમાં રાખીને લખવાનું આમ જુઓ તો એક ચેલેન્જ જેવુ હતું, પરંતુ બાળપણથી જ પ્રકૃતિનું સાંનિધ્ય અને પાગલપનની હદ સુધી કરેલું સર્પબચાવનું કાર્ય, એ દરમિયાન જાણેલી નાની નાની, પરંતુ અચરજભરી વાતોને મારા અંદાજમાં મૂકવાનું વિચાર્યું હતું. વર્ષો પૂર્વે સાહિત્યના એક કાર્યક્રમમાં રઘુવીર ચૌધરીએ સૂચન કરેલું કે પ્રકૃતિ અને પર્યાવરણ પર બહુ ઓછું લખાય છે, અને જે લખાય છે એ વૈશ્ર્વિક સંશોધનોમાંથી ઉછીના લીધેલા જ્ઞાનના સંચયમાંથી આવે છે, પરંતુ લેખકોનો પોતાનો અનુભવ ક્યાં એમાં? તારી પાસે બન્ને છે, જ્ઞાનનો સંચય અને પોતાની આગવી શૈલી.
એમના આ શબ્દો મને ‘મુંબઈ સમાચાર’ની કોલમ લખવાનું ઇજન મળ્યું એ વખતે યાદ આવેલા અને હિંમત કરીને લખવાનું શરૂ પણ કર્યું. વીસેક આર્ટિકલ્સ લખાઈ ગયા બાદ એક મિત્ર નામે ફારૂક શાહનો ફોન આવ્યો. એણે મને પૂછ્યું કે તું શું લખી રહ્યો છે એની તને ખબર છે ? મે કીધું ના ! મને કે તું પર્યાવરણને જે સાહિત્યિક અને સર્જનાત્મક ઢબે લખે છે તે વિશ્ર્વમાં ચાલતી એક સાવ અનોખી અને નવી સર્જનની તરાહ છે. વિશ્ર્વમાં તેને ઈકોક્રીટિસીઝમના નામે ઓળખાવાય છે. અને તું જે રીતે પ્રકૃતિના અવનવા અને અચરજભર્યા પાસાઓને આલેખી રહ્યો છે તે ઈકોક્રીટિસીઝમની સાવ નજીકનું સર્જન છે. મને ઘણું અચરજ થયું. આ ઈકોક્રીટિસીઝમના થોડા સંશોધનોમાંથી જે મળી આવ્યું તેને કઈંક આ રીતે સમજી શકાય છે.
ઇકોક્રિટીસિઝમ એ સાહિત્ય અને પર્યાવરણ વચ્ચેના પારસ્પારિક સંબંધોના અવલોકન અને અભ્યાસ માટે વપરાતો શબ્દ છે. પર્યાવરણલક્ષી મુદ્દાઓ અને પ્રકૃતિના સંદર્ભમાં લેખકો, સંશોધકો અને કવિઓની કૃતિઓનું વિશ્ર્લેષણ કરીને આંતરશાખાકીય દૃષ્ટિકોણ અપનાવીને જે લખાય તે આ નવો પ્રવાહ, એટલે કે ઇકોક્રિટીસિઝમ. આ નવી લેખન પદ્ધતિનો હેતુ અને પદ્ધતિ થોડી ગૂંચવાડાભરી પણ છે. જો કે, આ પ્રવાહના ઘણા સર્જકો પાસેથી હાલ પ્રવર્તી રહેલી પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલો પણ મળી આવે તેવી પૂરી સંભાવનાઓ રહેલી છે. ૧૯૭૮માં વિલિયમ રુકર્ટે પોતાના નિબંધ “સાહિત્ય અને ઇકોલોજી: ઇકોક્રિટીસિઝમ ક્ષેત્રે એક પ્રયોગ”માં ‘ઇકોક્રિટીસિઝમ’ શબ્દ પ્રયોજ્યો હતો.
તો ચાલો આજે ઇકોક્રિટીસિઝમની ઢબમાં આજનો વિષય હાથ પર લઈએ. બાળપણમાં ગામડાંની અંધારી રાતે રેલવે ટ્રેકની પેલી પાર પ્રથમવાર જ્યારે આગિયા જોયા ત્યારે અચરજ થઈ ગયેલું. માએ મને સમજાવેલું કે તેને આગિયા કહેવાય જે એક જંતુ છે અને તે હવામાં ઊડતા હોય ત્યારે ઝગમગ ઝગમગ થાય. મને યાદ છે કે વર્ષો સુધી હવામાં ઊડતા આગિયાની ઝગમગ હું મુગ્ધ થઈને જોઈ રહેતો અને લાગતું કે આ પૃથ્વી એ પૃથ્વી નથી, પરંતુ પરિલોક છે. શિક્ષણની સીડીઓ ચડીને પર્યાવરણના વિવિધ પાસાઓના જિજ્ઞાસાભર્યા અભ્યાસ દરમિયાન એ સમજાયેલું કે આગિયા એ ઈન્સેકટ્સ એટલે કે જીવાતોમાંની બગ્સ તરીકે ઓળખાતી પ્રજાતિ છે. અને અંધારી રાતે એમની અંદર જે પ્રકાશ થાય છે તે બાયો-લ્યુમિનન્સ છે. પૃથ્વી પર વસતા અનેક જીવોમાં પૃથ્વી અને જળ એમ બન્ને જગ્યા પર વસતા કેટલાય જીવોએ પોતાની અંદર આ શક્તિ વિકસિત કરી છે. પૃથ્વીના વિવિધ પર્યાવાસોમાં વસતા આવા જીવોએ પોતાના વાતાવરણની જરૂરીયાતો મુજબ બાયોલ્યુમિનન્સ વિકસાવ્યું છે.
જમીનથી લઈને દરિયાના પેટાળ, જંતુથી લઈને વનસ્પતિ સુધીના અનેક જીવોમાં આ બાયોલ્યુમિનન્સ જોવા મળે છે. મુખ્યત્વે બાયોલ્યુમિનન્સ લ્યુસિફેરસ નામના એન્ઝાઈમના કારણે થાય છે. બાયોલ્યુમિનન્સ આગિયા, દરિયાના પેટાળમાં ઊંડે ઊંડે જીવતા કોમ્બ જેલી જેવા અનેક જીવો, ફોકસફાયર નામની ફૂગ, છોડવાઓ અને પંખીઓમાં પણ જોવા મળે છે. તો હવે એ જાણીએ કે આ અજબ બદલાવ પ્રાણીઓ અને જીવો લાવ્યા શા માટે? પોતાના શરીરમાં આવા ચમકારા કે ઝગમગાટ પાછળ મુખ્યત્વે ત્રણેક કારણો છે. સર્વપ્રથમ હેતુ છે શિકારને આકર્ષિત કરવો, બીજો હેતુ છે સ્વબચાવ અને ત્રીજો હેતુ છે વિજાતીય સાથીદારને આકર્ષીને પ્રજનન કરવું.
આપણા આજના વિષયકેન્દ્રમાં રહેલા આગિયાના શરીરમાં આ ઝગમગનો મુખ્ય હેતુ જીવનસાથીને આકર્ષવાનો અને તેની સાથે પ્રત્યાયન સાધવાનો છે, પરંતુ માનવ તો માનવ જ છે, પ્રકૃતિની આવી અજીબ ઘટનાઓની વૈજ્ઞાનિક સમજણ તો માનવે મેળવી, પરંતુ વૈજ્ઞાનિકો સિવાયના ફળદ્રુપ ભેજા ધરાવતી જમાતે આ પ્રાકૃતિક ઘટનાઓને વિધવિધ દૃષ્ટિકોણથી મૂલવી છે અને એ નજરીયા પણ મજાનાં અને ચિત્તાકર્ષક છે. માનવે આગિયાના આ ઝગમગાટને બૌદ્ધિક, આધ્યાત્મિક અને પ્રેરણાદાઈ રીતે મૂલવ્યો છે. આગિયા રાત્રે જ પ્રકાશમય થતાં હોવાથી અંધકારમાં પણ પોતાનો
પ્રકાશ પેટાવીને દીપ્તિમાન બનવાનો એક નજરિયો છે. આગિયા અંધકારની સ્થિતિમાં પણ અલગ તરી આવવાની શક્તિના પ્રતીક બન્યા છે. આગિયા અલ્પજીવી હોવાથી ટૂંકા જીવનને કેવી રીતે ચમકાવવું એનું પ્રતીક પણ બને છે. ગમગીનીની સ્થિતિમાં પણ ખુશહાલ રહેવાનો સંદેશ આગિયા આપે છે.
આજે આપણે ગુજરાતી સાહિત્યમાં કવિઓએ આગિયાને ક્યા અને કેવા અંદાજમાં પ્રયોજ્યા છે તેના થોડા નમૂના જોઈએ.
કવિ શોભિત દેસાઈના આ શેરમાં આગિયાને અંધકારમાં આશાના પ્રતીક તરીકે વર્ણવ્યો છે.
જરા અંધાર નાબૂદીનો, દસ્તાવેજ લઇ આવ્યો;
અરે! લો આગિયો, સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.
– શોભિત દેસાઇ
પ્રહલાદ પ્રજાપતિનો અંધકારના પ્રભાવને આગિયાની આહૂતિ તરીકે આલેખે છે.
અંધકારે રાજ ચાલ્યા કર્યા
અહીં આગિયાઓની આહૂતિએ.
– પ્રહલાદ પ્રજાપતિ
મીના માંગરોલિયાએ તો વળી એક કદમ આગળ જઈને આગિયાને પ્રિયપાત્રની મુલાકાત માગતો પ્રિયતમ બનાવી દીધો છે.
રાતના એ અંધકારમાં પણ એક
આગિયાની જેમ મુલાકાત માગી.
-મીના માંગરોલિયા
સમયની વિશાળતા સામે આગિયાની સૂક્ષ્મતાનો વિરોધાભાસ દર્શાવવા કિશોર મોદી કેટલી સુંદર કાવ્યાત્મક યુક્તિ પ્રયોજે છે એ વાંચો.
હું ગગનચુંબી સમયનો આગિયો,
ને બુઝાતી ક્ષણ જિજીવિષાની છું,
વિસ્મયોને કોણ એ સમજાવશે?
– કિશોર મોદી ‘જલજ’
છાયા ત્રિવેદી આ શેરમાં અંધકારને પામવાની મથામણમાં આગિયાપણું અપનાવવાની વાત કરે છે.
પામવો સ્હેલો નથી અંધારને બસ એકલો –
આગિયા માફક જરા તું પણ પ્રકાશીને સમજ.
– છાયા ત્રિવેદી
અને અંતે આપણા સૌના જાણીતા કૈલાસ પંડિત રાત્રિના અંધકારની નકારાત્મકતાની સામે એ જ રાતના અંધકારને આગિયાની હાજરીથી ઓગાળી આપે છે.
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું અંધારું કાંઈ હોતું નથી
– કૈલાસ પંડિત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular