એન્ટરટેઇનમેન્ટ આફ્ટર ઈન્ટરવલ: વેલકમ ટુ ૨૦૨૨ સેક્ધડ હાફ-૧

મેટિની

આ વર્ષના બાકીના છ મહિનાનાં પિક્ચર્સનો પટારો

શો શરાબા-દિવ્યકાંત પંડ્યા

૨૦૨૨ની શરૂઆતમાં મનોરંજનની માલગાડી – ‘ટ્રેલર ઓફ ૨૦૨૨’ લેખમાં આપણે આ વર્ષે રિલીઝ થનારા એન્ટરટેઇનમેન્ટના ખજાનામાં ડોકિયું કર્યું હતું. ખજાનામાં રહેલી પહેલા છ મહિનાની અમુક આકર્ષક, અલગ અને મહત્ત્વાકાંક્ષી જણાતી અમેરિકન અને ભારતીય ફિલ્મ્સની આપણે ત્યારે વાત કરી હતી. મનોરંજન દેવની કૃપાથી ઢગલાબંધ ફિલ્મ્સ અને વેબ શોઝ જોતાં જોતાં એ છ મહિના તો ફટાક કરતા પૂરા થઈ ગયા અને ઈન્ટરવલનો ટાઈમ પણ થઈ ગયો. તો હવે? બસ, લઈ લો હાથમાં પોપકોર્ન એટલે આપણે વીનવીએ મનોરંજન દેવને કે તેઓ શું લઈ આવવાના છે આપણા માટે સેક્ધડ હાફમાં!
————-
ધ ગ્રે મેન (૧૫ જુલાઈ)
આજે રિલીઝ થનારી આ એક્શન થ્રિલર ફિલ્મ પાછળ છે બ્લોકબસ્ટર માર્વેલ ફિલ્મ ‘એવેન્જર્સ: એન્ડગેમ’ના લેખક અને ડિરેક્ટરની ટીમ. ફિલ્મ બની છે લેખક માર્ક ગ્રીનીની આ જ નામની નવલકથા પરથી. ફિલ્મમાં હોલીવૂડ સ્ટાર્સ સાથે આપણો ધનુષ પણ મહત્ત્વના રોલમાં છે. ‘ધ ગ્રે મેન’ આજે લિમિટેડ થિયેટર્સમાં રિલીઝ થઈને અઠવાડિયામાં જ એક ઓટીટી ચેનલ પર આવી જવાની છે. ૨૦૦ મિલિયનમાં બનેલી આ ફિલ્મ નેટફ્લિક્સે બનાવેલી સૌથી મોંઘી ફિલ્મ છે.
ડિરેક્ટર: એન્થની રુસો, જો રુસો
કાસ્ટ: રાયન ગોઝલિંગ, ક્રિસ ઈવાન્સ, અના દે અર્માસ
—————-
બ્રહ્માસ્ત્ર-પાર્ટ વન: શિવા (૯ સપ્ટેમ્બર)
અત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોક્સ ઓફિસ કલેક્શનના મામલે નબળા સમયમાંથી પસાર થઈ રહી છે. મોટા સ્ટાર્સ અને બિગ બજેટ ફિલ્મ્સ ફ્લોપ થઈ રહી છે, છતાં વર્ષોથી બની રહેલી અને અનેક વખત રિલીઝ ડેટ પાછળ ઠેલીને આખરે હવે રિલીઝ થનારી ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા’ પર સૌને આશા છે. ત્રણ ભાગની સુપરહીરો ફ્રેન્ચાઈઝનો આ તો હજુ પહેલો જ ભાગ છે. ફિલ્મે હાઈપ તો ખૂબ ઊભી કરી છે, પણ એ તેના પર ખરી ઊતરશે કે નહીં એ જોવું રહ્યું.
ડિરેક્ટર: અયાન મુખર્જી
કાસ્ટ: રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન
——————-
રાડો (૨૨ જુલાઈ)
આ બિગ બજેટ ગુજરાતી ફિલ્મની વાતો ગયા વર્ષથી જ ફિલ્મ જગતમાં ચર્ચાઈ રહી છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટ્રેડ એનેલિસ્ટ્સ પણ ‘રાડો’ની નોંધ લઈ રહ્યા છે. આ ફિલ્મ એક પોલિટિકલ થ્રિલર છે, જેમાં કોમી રમખાણોની વાત હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મના રસપ્રદ ટીઝર અને ટ્રેલરમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીની મોટી સ્ટારકાસ્ટ નજરે ચડે છે.
ડિરેક્ટર: કૃષ્ણદેવ યાજ્ઞિક,
કાસ્ટ: હિતેન કુમાર, હિતુ કનોડિયા, યશ સોની
——————
ડાર્લિંગ્સ (૫ ઓગસ્ટ)
થોડા દિવસ અગાઉ રિલીઝ થયેલા આ ફિલ્મના ટીઝરે તેમાં રહેલી વિચિત્રતા ને અલગ શૈલીના કારણે દર્શકોમાં ઉત્સુકતા જગાવી છે. આ ફિલ્મ આલિયા ભટ્ટની નિર્માત્રી તરીકેની પહેલી ફિલ્મ છે. ટીઝરમાં વાર્તા વિશે વધુ દેખાડ્યા વગર જ જોવાનું મન થાય તેવાં દૃશ્યો અને સંવાદો છે જે તેનો પ્લસ પોઇન્ટ છે. ‘ડાર્લિંગ્સ’ બ્લેક કોમેડી જોનરની ફિલ્મ છે જે સીધી જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
ડિરેક્ટર: જસ્મીત કે. રીન
કાસ્ટ: આલિયા ભટ્ટ, શેફાલી શાહ, વિજય વર્મા
————–
બ્લોન્ડ (૨૩ સપ્ટેમ્બર)
૧૯૫૦ અને ’૬૦ના દાયકાની સેક્સ સિમ્બોલ ગણાતી અભિનેત્રી મેરેલિન મનરો પર આધારિત આ ફિલ્મ બનાવવાની તૈયારી અને કોશિશો છેક ૨૦૧૦થી ચાલુ હતી. વિવાદાસ્પદ, ટૂંકું અને રસપ્રદ જીવન ધરાવતી મેરેલિને બ્લોન્ડ બોમ્બશેલ પ્રકારનાં અનેક પાત્રો ભજવ્યાં હતાં. માત્ર ૩૬ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલી મેરેલિનના જીવનની કેટલીય યાદગાર ઘટનાઓ હમણાં રિલીઝ થયેલા ‘બ્લોન્ડ’ના ટીઝરમાં જોવા મળે છે.
ડિરેક્ટર: એન્ડ્રુ ડોમિનિક – કાસ્ટ: અના દે અર્માસ, એડ્રિન બ્રોડી, બોબી કેનાવેલ
સ્થળ સંકોચને કારણે આજે અહીં જ વિરમીએ, ૨૦૨૨ના સેક્ધડ હાફમાં રિલીઝ થનારી બાકીની ફિલ્મો વિશે આવતા શુક્રવારે વાત કરીશું. (ક્રમશ:)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.