Homeવીકએન્ડનેતાઓને મળતું પ્રચંડ જનસમર્થન લોકો ખરેખર કઈ બાબતને મહત્ત્વ આપે છે?

નેતાઓને મળતું પ્રચંડ જનસમર્થન લોકો ખરેખર કઈ બાબતને મહત્ત્વ આપે છે?

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

વિશ્ર્વના દરેક ખૂણે તમને એવા નેતાઓ જડી આવશે, જેનો બૌદ્ધિકો અને કહેવાતા લોકશાહી રક્ષકો દ્વારા વિરોધ થતો હોય. પરંતુ આ નેતાઓને પોતાની જનતાનું ભરપૂર સમર્થન પ્રાપ્ત હોય! નેતાઓનો સાચો પ્રભાવ માપવા માટે એક ઉત્તમ માપદંડ એટલે જન સમર્થન. પોતાના દેશમાં કયા નેતાને કેટલું જનસમર્થન મળે છે, એ બાબતે Morning Consult નામક સંસ્થાએ વિશ્ર્વવ્યાપી સર્વે કર્યો છે.
મેથોડોલોજી
દરેક સર્વે એક ચોક્કસ મેથડ-પદ્ધતિને ફોલો કરે છે. Morning Consult સંસ્થા પોતાના પોલિટિકલ ડેટા એનાલિસીસ માટે વિવિધ સ્થળોએ લડાયેલી રાજકીય ચૂંટણીઓ અને એના મુદ્દાઓ તેમજ પરિણામો પર ધ્યાન રાખે છે.
આ ઉપરાંત નિયત સમયકાળ દરમિયાન સંસ્થાએ વિશ્ર્વભરમાં વિવિધ એજન્સીઓ મારફત રોજિંદા ૨૦,૦૦૦ કરતા વધુ લોકોના ઓનલાઈન ઇન્ટરવ્યૂઝ લીધા છે. પ્રત્યેક દેશમાં ઉંમર, જાતિ, ધર્મ, ભણતર વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સર્વે માટે લોકોના જૂથ નક્કી કરવામાં આવ્યા હતા. અમેરિકા જેવા પચરંગી વસ્તી ધરાવતા દેશમાં વંશ અને વર્ણ (ચામડીના રંગ) મુજબ પણ લોકોના જૂથોનું વર્ગીકરણ કરાયું હતું. ડિસેમ્બર દરમિયાન એનાં પરિણામો જાહેર થયાં હતાં, જેમાં વિશ્ર્વના ટોચના નેતાઓને પ્રાપ્ત થયેલ જનસમર્થનના રસપ્રદ આંકડાઓ જાહેર થયા હતા.
નમો નંબર વન
આજે આ લખાય છે ત્યારે ખબર છે કે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું દુ:ખદ અવસાન થયું છે. આજે દરેક છાપાના પ્રથમ પેજ પર આ સમાચાર છપાયા હશે અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ પણ એનું સારું એવું લાઈવ કવરેજ દેખાડ્યું હશે.
ટીકાકારો માને છે કે મોદી દરેક ઘટના કે દુર્ઘટના વખતે પોતાનું માર્કેટિંગ કરી લેવામાં પાવરધા છે. પોતાની માતા સાથેની સામાન્ય મુલાકાતને પણ તેઓ અસામાન્ય સ્વરૂપ આપીને સામી ચૂંટણીએ લોકોની લાગણીઓ જીતી જાય છે! ટીકાકારો ભલે ગમે એટલો જીવ બાળે, પણ હકીકત એ છે કે આજે મોદીની કક્ષાનો બીજો કોઈ નેતા ભારત પાસે નથી.
મોદીની નીતિઓ કે એમની કાર્યપદ્ધતિ સાથે તમે અસહમત થઇ શકો, પણ લોકોને વશમાં કરવાની એમની આવડત અદ્ભુત છે, એ વિષે કોઈ બેમત નથી. Morning Consult ના સર્વેમાં પણ મોદીને વિશ્ર્વના સૌથી વધુ જનસમર્થન પ્રાપ્ત નેતા જાહેર કરવામાં આવ્યા છે. સર્વેમાં ભાગ લેનારા પૈકી ૭૮% લોકોએ મોદીના નેતૃત્વમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. ૪% લોકો આ બાબતે અનિર્ણિત છે, જ્યારે માત્ર ૧૮% લોકોને મોદી પર ભરોસો નથી બેઠો.
લોકપ્રિયતાના અપ એન્ડ ડાઉન્સ
Morning Consult ની વેબસાઈટ ઉપર દરેક નેતાના નામ સાથે એપ્રિલ, ૨૦૨૦થી માંડીને ૨૦૨૨ના અંત સુધીના આંકડાઓને આધારે જે ગ્રાફ મુકાયો છે, એ મુજબ આ સમયગાળા પૈકી ૨૦૨૦ના મે મહિના દરમિયાન મોદીની લોકપ્રિયતા ટોચે હતી. એ વખતે સર્વેમાં ભાગ લેનારા પૈકીના ૮૪% લોકોએ તોતિંગ બહુમત સાથે મોદીની કાર્યશૈલીમાં પોતાનો વિશ્ર્વાસ પ્રકટ કર્યો હતો. એના બરાબર એક વર્ષ પછી, એટલે કે ૨૦૨૧ના મે મહિનામાં મોદીની વિશ્ર્વસનીયતામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જેનું કારણ હોઈ શકે કોરોનાની બીજી લહેર.
દેશમાં ઠેર ઠેર જમડો ઘર ભાળી ગયો હોય એવી પરિસ્થતિ હતી. હોસ્પિટલોમાંથી સંખ્યાબંધ ડેડબોડીઝ નીકળવાના દૃશ્યો સામાન્ય થઇ ગયાં હતાં.
દેશના શહેરી વિસ્તારોમાં ભાગ્યે જ
કોઈ પરિવાર એવો હતો, જેણે કોરોનામાં પોતાનું કોઈ સ્વજન ન ગુમાવ્યું હોય!
આવા સંજોગોમાં ઓક્સિજનની તંગીથી માંડીને દવા અને હોસ્પિટલમાં બેડની
અછત વેઠી રહેલા લોકોમાં સ્વાભાવિકપણે જ સિસ્ટમ અને સરકાર સામે આક્રોશ
જાગે જ.
જો કે આવી કઠિન પરિસ્થતિમાં પણ સર્વે મુજબ ૬૩% લોકોએ મોદીમાં વિશ્ર્વાસ વ્યક્ત કરેલો! એ પછી કોરોનાની બીજી લહેર ખતમ થઇ, આખા દેશમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં શરૂ કરાયું, અને મોદી સરકાર પોતાની છબિ સુધારવામાં સફળ રહી. એ પછી મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ ફરી વધતો ગયો.
૨૭ ડિસેમ્બર, ૨૦૨૨ના લેટેસ્ટ આંકડાઓ મુજબ સર્વેમાં ભાગ લેનાર પૈકીના ૭૮% લોકોએ મોદીમાં પોતાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. બીજા કોઈ દેશના વડાને આટલું બહોળું જનસમર્થન મળ્યું નથી!
એવી કઈ બાબત છે, જેના કારણે મોદીમાં લોકોનો વિશ્ર્વાસ ટકી રહે છે? ટીકાકારો અખબારમાં, સોશિયલ મીડિયા પર અને બીજા દરેક માધ્યમમાં સતત મોદી વિરુદ્ધ ટીકાઓ કરતા રહે છે.
નોટબંધી અને જીએસટી જેવી ઇકોનોમિક પોલિસીઝ અંગેનો વિવાદ હોય, કોરોના જેવી મહામારી હોય, રામ મંદિર મુદ્દો હોય, દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવવાનો આરોપ હોય, કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ નાબૂદ કરવાની હોય, CAA સામેના વિરોધ પ્રદર્શનો હોય, ન્યાયતંત્ર સાથેનું ઘર્ષણ હોય કે પછી મહિનાઓ સુધી ચાલેલું કિસાન આંદોલન હોય… દર વખતે લાગતું હતું કે જે-તે બાબત સરકારને (એટલે કે નરેન્દ્ર મોદીને) ભારે પડી જશે.
પણ મોદી દરેક બબાલમાંથી સાંગોપાંગ બહાર આવી શક્યા છે. ઊલટાનું (કિસાન આંદોલન સિવાય) દર વખતે એમની દૃઢ નિર્ણયશક્તિ અને જોખમી નિર્ણયો લેવાની કોઠાસૂઝનો વિજય થયો છે. આવા ચમત્કારો કઈ રીતે શક્ય બન્યા? આટઆટલી માથાકૂટ પછી ય મોદીને આટલું પ્રચંડ જનસમર્થન કયાં કારણોસર મળતું રહે છે?! છોડો આ બધી માથાકૂટ, એક બીજા માણસ વિષે વાત કરીએ.
AMLOની લોકપ્રિયતા
પણ ચરમસીમાએ
એન્ડ્રીઝ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર (Andrœs Manuel L2pez Obrador) જેવું લાંબુલચક નામ ધરાવતો માણસ ૬૯ વર્ષનો માણસ ૧ ડિસેમ્બર, ૨૦૧૮ થી મેક્સિકોનો પ્રમુખ છે. મેક્સિકોમાં એ અપાર લોકચાહના ધરાવે છે.
આપણે એના નામના મૂળાક્ષરોને આધારે એને ટૂંકમાં AMLO તરીકે જ ઓળખીશું. મોદીની માફક જ AMLO ના ટીકાકારોને પણ એવો પ્રશ્ન થતો રહે છે, કે આ
માણસની આટલી મોટી લોકપ્રિયતાનું
કારણ શું! અમેરિકાના પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર લોસ એન્જેલિસ ટાઈમ્સ’ દ્વારા
મેક્સિકોમાં એક રસપ્રદ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું.
આ સર્વેક્ષણમાં મેક્સિકોના લોકો સાથે વ્યક્તિગત પ્રશ્નોત્તરી કરવામાં આવી. આ વિષે માહિતી આપતો એક લાંબો લેખ લોસ એન્જેલિસ ટાઈમ્સની વેબસાઈટ પર મોજૂદ છે. પણ અહીં આપણે માત્ર એક-બે કિસ્સાની ચર્ચા કરીશું.
દક્ષિણી મેક્સિકોના ગ્રામ્ય વિસ્તારમાં નાળિયેર વેચીને પોતાના ત્રણ સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો કાર્મેલો મોરુગેર્સ નામનો ૪૫ વર્ષનો માણસ AMLOનો ‘કટ્ટર ભક્ત’ છે. (અહીં ઘણા શબ્દો અને પરિસ્થિતિઓ તમને જાણીતા લાગશે) કાર્મેલો માને છે કે AMLOસરકારની નીતિઓને કારણે એના જેવા નાના માણસનો ધંધો વધ્યો છે. સાથે જ એના વૃદ્ધ પિતા અને અભ્યાસ કરતી દીકરીને વર્તમાન સરકાર દ્વારા મળતી સહાયને કારણે પરિવારનો આર્થિક બોજો ખાસ્સો હળવો થઇ ગયો છે.
સરકારે હાઈ-વેઝ બનાવ્યા, એમાં ઘણા નવા રોકાણકારોએ નવા ઉદ્યોગો સ્થાપવામાં રસ દાખવ્યો છે. જેનો સીધો લાભ કાર્મેલો જેવા શ્રમિકોને મળી રહ્યો છે. કાર્મેલો આ બધી બાબતો માટેનો તમામ શ્રેય AMLOની નીતિઓને આપે છે.
કાર્મેલો કહે છે કે AMLO એક દૂરંદેશી ધરાવતો નેતા છે, જે લોકોની નજીક જાય છે. કાર્મેલો રહે છે એ વિસ્તારમાં નવી નખાતી રેલ્વેલાઈનના નિરીક્ષણ માટે હેલિકોપ્ટર દ્વારા હવાઈયાત્રા કરવાને બદલે AMLO એ કાર દ્વારા પ્રવાસ કર્યો, અને એ રીતે લોકોને AMLOની ખાસ્સી નજીક જવા મળ્યું. આથી સ્થાનિક પ્રજા બહુ રાજી થઇ. આ પહેલાના નેતાઓ તો લોકોના માથા પરથી – હવાઈ માર્ગે પસાર થઇ જતા અને દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા
ગરીબ લોકોને એમનું નામ સુધ્ધાં ખબર નહોતી!
આવી જ કંઈક માન્યતા ૬૩ વર્ષના અગરિયા કાર્લોસ એસ્ટ્રાડાની પણ છે. કાર્લોસ સલીના ક્રુઝ શહેરના બંદર ખાતે આવેલી મીઠાની ખાણમાં કામ કરતો શ્રમિક છે, જેનું જીવન ગરીબીમાં જ વીત્યું છે. ભારતના અગરિયાઓ જેવા જ પ્રશ્ર્નો મેક્સિકોના શ્રમિકોને પણ હશે જ. અત્યાર સુધી આ શ્રમિકોને કોઈ વિશેષ આર્થિક સહાય મળતી નહોતી. પરંતુ AMLO સરકારે આ વર્ગ માટે વૃદ્ધાવસ્થા દરમિયાન નાણાકીય સહાય આપવાની જાહેરાત
કરી છે.
એટલું જ નહિ પણ બીજા અનેક પ્રકારના શ્રમિકોના ખાતામાં પૈસા સીધા જ જમા થઇ જાય, એવી યોજના દાખલ કરવામાં આવી છે. (આપણે ત્યાં પેલા ‘જન ધન ખાતા’ યાદ આવ્યા?!) કાર્લોસ જેવા એક કરોડ મેક્સિક્ધસ ને AMLO સરકાર સીધી નાણાકીય સહાય આપી રહી છે.
આ એક કરોડ લોકોમાં વિદ્યાર્થીઓ, યુવા શ્રમિકો અને અપંગ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. કાર્લોસ જ્યારે ૬૫ વર્ષની ઉંમર પાર કરશે, એટલે સરકાર તરફથી દર બીજે મહિને ૩૦૦ ડોલર્સ એના ખાતામાં જમા થઇ જશે! કાર્લોસ કહે છે કે જો હું ૬૫ની ઉંમર બાદ જીવતો રહીશ, તો એ રકમ મારી વૃધ્ધાવસ્થા દરમિયાન બહુ ઉપયોગી સાબિત થશે.
આપણે ત્યાં જેમ મોદીની ટીકા થાય છે, એ જ પ્રમાણે મેક્સિકોનો એક વર્ગ AMLOનો વિરોધી છે. આર્થિક નીતિઓથી માંડીને લોકશાહી મૂલ્યોના ઉલ્લંઘન સુધીના આરોપો મૂકાયા કરે છે, તેમ છતાં AMLOની લોકપ્રિયતાને ઉની આંચ નથી આવી. જો તારણ કાઢવું જ હોય, તો એવું કાઢી શકાય કે વિશ્ર્વની કોઈ પણ પ્રજાને ઠાલી બૌદ્ધિક ચર્ચાઓ કરનારા બુદ્ધિજીવીઓ કરતા સીધી સહાય કરનારા જાડાજબરા નેતાઓમાં વધુ વિશ્ર્વાસ છે. એની વે, દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular