આનંદો!! મુશળધાર વરસાદથી મોડક સાગર છલકાયું

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુશળધાર વરસાદે મુંબઈગરાની આખા વર્ષની પાણીની સમસ્યાને દૂર કરી દીધી છે. મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયોનું એક મોડક સાગર બુધવારે બપોરે છલકાઈ ગયું હતું. હાલ સાતેય જળાશયોમાં કુલ મળીને ૫૬.૦૭ ટકા જેટલો પાણીનો જથ્થો જમા થઈ ગયો છે, જે લગભગ ૨૧૦ દિવસ ચાલે એટલો છે.મુંબઈને સાત જળાશયોમાં પ્રતિ દિન ૩,૮૫૦ મિલિયન લિટર (૩૮૫ કરોડ લિટર) જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. આ સાત જળાશયોમાંનું એક મોડક સાગર બુધવારે બપોરના એક વાગીને ચાર મિનિટે છલકાઈ ગયું હતું. મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયોમાંનું મોડક સાગર એ આ વર્ષે પહેલું તળાવ છે, જે મુશળધાર વરસાદને પગલે છલકાઈ ગયું છે.
ગયા વર્ષે ૨૦૨૧માં મોડક સાગર ૨૨ જુલાઈના મધરાતે ૩.૨૪ વાગે છલકાયું હતું. તો ૨૦૨૦ની સાલમાં ૧૮ ઑગસ્ટના રાતના ૯.૨૪ વાગે છલકાયું હતું. ૨૦૧૯માં ૨૬ જુલાઈના રાતના છલકાયું હતું. તો ૨૦૧૮ અને ૨૦૧૭ આ બંને વર્ષે ૧૫ જુલાઈના જળાશય છલકાયું હતું. વર્ષ ૨૦૧૬માં પહેલી ઑગસ્ટના ભરાઈને છલકાયું હતું.
મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયોમાં પાણી સમાવવાની કુલ ક્ષમતા ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર જેટલી છે, તેમાં બુધવારે સવારના છ વાગે ૮,૧૧,૫૨૨ મિલિયન લિટર એટલે કે ૫૬.૦૭ ટકા જેટલો પાણીનો સ્ટોક જમા થયો હતો. મુંબઈને આ પાણી આગામી ૨૧૦ દિવસ ચાલે એટલું થઈ ગયું છે.
જૂન મહિનામાં વરસાદની ગેરહાજરીને કારણે જળાશયોની સપાટીમાં ધરખમ ઘટાડો થયો હતો, તેને કારણે ૨૭ જૂનથી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ મૂકી દેવામાં આવ્યો હતો. જોકે ૩૦ જૂનથી મુંબઈ સહિત થાણેમાં ચોમાસું સક્રિય થતા તળાવોના કેચમેન્ટ એરિયામાં પણ સારો વરસાદ પડ્યો છે. તેથી જળાશયોની સપાટીમાં વધારો થયો હતો અને પાણીકાપ પાછો ખેંચવામાં આવ્યો હતો.
છેલ્લા થોડા દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. મંગળવારે સાતેય જળાશયોમાં ૭,૨૮,૨૮૬ મિલિયન લિટર જેટલું પાણી હતું, તો બુધવારે સવારના ૮,૧૧,૫૨૨ મિલિયન લિટર પાણી હતું. ૨૪ કલાકની અંદર જ જળાશયોમાં ૮૩,૨૩૬ મિલિયન લિટર જેટલું એટલે કે ૨૧ દિવસ ચાલે એટલું પાણી જમા થયું હતું. તેમાં હવે બુધવારે સવારે સાતેય જળાશયોમાંનું એક તળાવ છલકાયું છે ત્યારે વરસાદનું જોર અને ચોમાસાના હજી અઢી મહિના બાકી હોઈ બહુ જલદી બાકીના જળાશય છલકાઈ જશે એવી આશા પાલિકા પ્રશાસને વ્યક્ત કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવાનો હોય તો પહેલી ઑક્ટોબરનાં સાતેય જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે.
——–
જળાશય છલકાવાની સપાટી બુધવાર સવારની બુધવારનો વરસાદ (મીટર) સપાટી (મીટર) (મિ.મી.)
અપર વૈતરણા ૬૦૩.૫૧ ૫૯૯.૩૪ ૪૭.૦૦
મોડક સાગર ૧૬૩.૧૫ ૧૬૨.૫૨ ૮૧.૦૦
તાનસા ૧૨૮.૬૩ ૧૨૫.૯૮ ૮૨.૦૦
મિડલ વૈતરણા ૨૮૫.૦૦ ૨૬૮.૭૬ ૮૬.૦૦
ભાતસા ૧૪૨.૦૭ ૧૨૭.૫૦ ૯૭.૦૦
વિહાર ૮૦.૧૨ ૭૭.૫૫ ૭૨.૦૦
તુલસી ૧૩૯.૧૭ ૧૩૭.૬૮ ૧૪૦.૦

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.