Homeદેશ વિદેશઇંગ્લૅન્ડ ટી-૨૦ વર્લ્ડ ચૅમ્પિયન

ઇંગ્લૅન્ડ ટી-૨૦ વર્લ્ડ ચૅમ્પિયન

પાકિસ્તાન હારતા ભારતીયોમાં ખુશીનો માહોલ

મેલબોર્ન : મેલબોર્નમાં રમાયેલી ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટે હાર આપી હતી. આ સાથે ઇંગ્લેન્ડે બીજી વખત ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો હતો. ફાઇનલમાં ઇંગ્લેન્ડની જીતનો હીરો બેન સ્ટોક્સ રહ્યો હતો જેણે ૪૯ બોલમાં મેચ વિનિંગ અણનમ અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાન હારતા ભારતીયોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.
ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી ૧૩૭ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૧૯ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ૧૩૮ રન ફટકારી મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે બીજી વખત ટી-૨૦ વર્લ્ડકપનો ખિતાબ કબજે કર્યો હતો. ઇંગ્લેન્ડના સેમ કરનને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપ્યો હતો. સેમ કરને ફાઈનલ મેચમાં ૪ ઓવરમાં ૧૨ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે વર્લ્ડકપમાં ૬ મેચમાં ૧૩ વિકેટ ઝડપી હતી. અગાઉ ૨૦૧૦માં ઇંગ્લેન્ડે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી. આ પછી ટીમ વર્ષ ૨૦૧૬માં પણ ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ત્યારે તેને વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાને આપેલા ૧૩૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી નહોતી. સેમિફાઇનલમાં ભારત સામે શાનદાર પ્રદર્શન કરનાર એલેક્સ હેલ્સને પહેલી જ ઓવરના છેલ્લા બોલ પર શાહીન શાહ આફ્રિદીએ બોલ્ડ કર્યો હતો. એલેક્સ એક રન બનાવી આઉટ થયો હતો. બાદમાં જોસ બટલર અને ફિલિપ સોલ્ટે ઇનિંગને સંભાળી હતી પરંતુ સોલ્ટ ૧૦ રન બનાવી હારિસ રઉફનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા બેન સ્ટોક્સે બટલરને સાથ આપ્યો હતો.
જોકે બેન સ્ટોક્સ અને બટલર ઇનિંગને આગળ વધારે તે પહેલા બટલર ૨૬ રન બનાવી હારિસનો શિકાર બન્યો હતો. અહીં પાકિસ્તાનની બૉલિંગ જોઇને લાગતું હતું કે પાકિસ્તાન ફાઇનલ જીતી જશે પરંતુ બેન સ્ટોક્સ અને હેરી બ્રુકે ઇનિંગ્સને આગળ ધપાવી હતી. હેરી બ્રુક ૨૩ બોલમાં ૨૦ રન બનાવીને આઉટ થયો હતો.
ટીમ માટે બેન સ્ટોક્સે જોરદાર ઇનિંગ રમી હતી. તેણે ૪૯ બોલનો સામનો કરીને અણનમ ૫૨ રન બનાવ્યા હતા. સ્ટોક્સની આ ઇનિંગમાં પાંચ ફોર અને ૧ સિક્સ સામેલ હતી. મોઇન અલીએ ૧૩ બોલમાં ૧૯ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે ૩ ચોગ્ગા ફટકાર્યા હતા.
પાકિસ્તાન તરફથી હારિસ રઉફ અને શાહીન આફ્રિદીએ સારી બોલિંગ કરી હતી. રઉફે ૪ ઓવરમાં ૨૩ રન આપીને ૨ વિકેટ લીધી હતી. આફ્રિદીએ ૨.૧ ઓવરમાં ૧૩ રન આપીને એક વિકેટ ઝડપી હતી. શાદાબ ખાન અને મોહમ્મદ વસીમ જુનિયરને પણ એક-એક સફળતા મળી હતી.
આ અગાઉ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૩૭ રન બનાવ્યા હતા. બાબર અને મોહમ્મદ રિઝવાને મક્કમ શરૂઆત અપાવી હતી. પાકિસ્તાનને પ્રથમ ઝટકો મોહમ્મદ રિઝવાનના રૂપમાં લાગ્યો હતો. રિઝવાન ૧૫ રન બનાવી સેમ કરનના બોલ પર બોલ્ડ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ હારિસ ફક્ત આઠ રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા શાન મસૂદે બાબર આઝમને સારો સાથ આપ્યો હતો.
દરમિયાન શાન મસૂદે ૨૮ બોલમાં ૩૮ રન બનાવ્યા હતા. તેણે ૨ ફોર અને ૧ સિક્સ ફટકારી હતી. કેપ્ટન બાબર આઝમે ૨૮ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા. તેણે ૨ ચોગ્ગા ફટકાર્યા હતા. ઈફ્તિખાર અહેમદ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. શાદાબ ખાને ૧૪ બોલમાં ૨૦ રન બનાવ્યા હતા. તેણે ૨ ચોગ્ગા ફટકાર્યા હતા. નવાઝ ૫ રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી સેમ કરને ચાર ઓવરમાં ૧૨ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે આદિલ રાશિદે ૪ ઓવરમાં ૨૨ રન આપીને ૨ વિકેટ લીધી હતી. ક્રિસ જોર્ડને ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૨ વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સે ૪ ઓવરમાં ૩૨ રન આપીને એક વિકેટ લીધી હતી.

RELATED ARTICLES

Most Popular