ઇંગ્લેન્ડની ટીમે ચાર બેટ્સમેનોની સદીની ઇનિંગ્સના આધારે પાકિસ્તાન સામેની શરૂઆતી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે માત્ર 75 ઓવરમાં ચાર વિકેટે 506 રન બનાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો.
ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષના લાંબા ગાળા બાદ ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાન આવી છે. મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડના પાંચથી છ ખેલાડીઓ વાયરલ ઈન્ફેક્શનનો શિકાર બન્યા હતા અને મેચની શરૂઆત એક દિવસ લંબાવવાની ચર્ચા થઈ હતી, પરંતુ ગુરુવારે મેચના સમયના બે કલાક પહેલા ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બોલાવી બોર્ડને જણાવ્યું કે મેચ માટે જરૂરી તેના 11 ખેલાડીઓ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડની ટીમે વાઈરલ ઈન્ફેક્શનને કારણે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવો પડ્યો હતો.
ખરાબ પ્રકાશને કારણે પ્રથમ દિવસે માત્ર 75 ઓવર જ રમાઈ શકી હતી. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચાર વિકેટે 506 રન બનાવવો એ એક નવો રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો જેણે 1910માં સિડનીમાં દક્ષિણ આફ્રિકા સામે છ વિકેટે 494 રન બનાવ્યા હતા. આ સાથે ઈંગ્લેન્ડ ટેસ્ટમાં સૌથી ઝડપી 500 રન બનાવનારી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ મેચના પ્રથમ દિવસે 73 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડના ચાર ખેલાડી જેક ક્રોલી, બેન ડકેટ, હેરી બ્રુક્સ, ઓલી પોપ (વિકેટકીપર)એ સદી નોંધાવી હતી.