(અમારા પ્રતિનિધિ તરફથી)
રેલવેવાળા આખો વખત પ્રચાર કરતા રહે છે કે રેલવે લાઇન ક્રોસ ના કરો. પુલ નો ઉપયોગ કરો, પણ આ પ્રચાર બહેરા કાને જ અથડાય છે. લોકો રેલવે લાઇન ક્રોસ કરે જ છે અને એને કારણે અકસ્માત સર્જાય છએ અને ક્યારેક વ્યક્તિનો જીવ પણ જાય છે. આવી જ એક ઘટના પાલઘર રેલવે સ્ટેશન પાસે બની હતી. પાલઘરમાં પાટા ક્રોસ કરતી વખતે ૧૮ વર્ષની વિદ્યાર્થિની ટ્રેનની અડફેટમાં આવતા મૃત્યુ પામી હોવાનું રેલવે પોલીસે કહ્યું હતું. રેલવે પોલીસના જણાવ્યા મુજબ મૃતક પાલઘરમાં સેંટ જ્હોન કૉલેજ ઑફ ઍન્જિનિયરિંગની વિદ્યાર્થિની હતી. બુધવારે સવારના વિરારથી ટ્રેનમાં તે પાલઘર આવી હતી અને બાદમાં રેલવે પાટા ક્રોસ કરી રહી હતી ત્યારે પાટા પરથી સ્પીડે પસાર થઈ રહેલી ઑગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસની અડફેટમાં તે આવી ગઈ હતી અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આ પ્રકરણમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.