Homeઆમચી મુંબઈસંજય રાઉતના જામીન સામે હાઈકોર્ટમાં પહોંચ્યું ED

સંજય રાઉતના જામીન સામે હાઈકોર્ટમાં પહોંચ્યું ED

શિવસેનાના સાંસદ સંજય રાઉતના જામીન સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
આજે મુંબઈની સેશન્સ કોર્ટે રાઉતને પતરા ચાલ કેસમાં જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય સામે કેન્દ્રીય એજન્સી હાઈકોર્ટમાં પહોંચી છે. EDની અરજી પર ગુરુવારે સુનાવણી થશે.
સ્પેશિયલ કોર્ટે બુધવારે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને પતરા ચાલ કૌભાંડ કેસમાં જામીન આપ્યા છે. ઈડીએ આ વર્ષે જુલાઈમાં મની લોન્ડરિંગ કેસમાં શિવસેના સાંસદની ધરપકડ કરી હતી.
રાઉત હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. EDની વિશેષ અદાલતના વિશેષ ન્યાયાધીશ એમ.જી. દેશપાંડેએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાઉતની જામીન અરજી મંજૂર કરી હતી. એવામાં સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ઇડીએ હાઇ કોર્ટમાં ધા નાખી છે. જ્યારે આર્થર રોડ જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓએ જામીન આપવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આર્થર રોડ જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર જેલની કોપી લાવ્યા બાદ તેઓ તથ્યો તપાસે છે અને નક્કી પ્રક્રિયા મુજબ કેદીઓને મુક્ત કરે છે. સામાન્ય રીતે, જેલ સાંજે 5.30 વાગ્યા સુધીમાં જામીનના આદેશની નકલ સ્વીકારે છે. જે પણ કેદીને જામીન મળે છે તેણે તેની એક કોપી જેલની બહાર ડ્રોપ બોક્સમાં જમા કરાવવાની હોય છે અને જેલ સત્તાવાળાઓ તેની નકલ લે છે અને પછી કેદીને છોડી દે છે.
સંજય રાઉતે પોતાની જામીન અરજીમાં દાવો કર્યો હતો કે તેમની સામેનો કેસ સત્તાનો દુરુપયોગ અને રાજકીય બદલો લેવાનું ઉદાહરણ છે. EDએ રાઉતની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે તેણે પતરા ચાલ રિડેવલપમેન્ટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES

Most Popular