Homeમેટિનીસહનશક્તિથી સામેવાળાની હાર નક્કી હોય છે અને જો અભિમાન કરો તો પોતાની...

સહનશક્તિથી સામેવાળાની હાર નક્કી હોય છે અને જો અભિમાન કરો તો પોતાની હાર નિશ્ર્ચિત…

અરવિંદ વેકરિયા

શૈલેશ દવેએ મને કહ્યું “દાદુ, આમને મળ, આ છે કિરણ સંપટ.
હું એમની શાંત પ્રકૃતિ નિહાળતો રહ્યો. મૂળ ભાટિયા. એક વૈષ્ણવજન તરીકે મેં એમને ‘જય શ્રી કૃષ્ણ’ કહ્યું. એમણે અર્ધ ઉઘાડા મુખે ‘જય શ્રી કૃષ્ણ’ કરી હાથ જોડ્યા. મોઢું અરધું એટલે ખૂલ્યું, કારણ કે ગલોફામાં પાન હતું. કદાચ એમને પાન ખાવાની આદત… તેઓ પાનની અનેરી મજા લઇ રહ્યા હતા. એ એમના મોઢા ઉપરના દેખાતા હાવભાવ પરથી મને લાગ્યું. દવેએ વધુ પરિચય આપતા કહ્યું કે માર્કેટિંગની કલા આમની પાસેથી શીખવા જેવી છે. કેટલી’ય પ્રતિભાઓને પારખી એમણે કાબેલ દિગ્દર્શક બનાવ્યા. ઘણાએ આંગળી પકડી, ચાલતા શીખી ગયા કે આંગળી છોડી એકલા દોડવા માંડ્યા, પણ આ માણસને એનું ક્યારેય ખરાબ ન લાગે, સંબંધ એવા જ અડીખમ રાખે. કદાચ સામેવાળો ઓઝપાય જાય પણ કિરણભાઈ એ જ, લાગણીસભર. એમની માર્કેટિંગ વિષે વાત સાંભળી, એમના જ નામેરી, કિરણ ભટ્ટની મને યાદ આવી ગઈ. ક્યાંક..કોઈ જગ્યાએ કિરણ ભટ્ટે મને કહેલું કે માર્કેટિંગની આંટીઘૂંટી મેં કિરણ સંપટ પાસેથી શીખી છે. રંગભૂમિ પર હું એમને મારા ગુરું માનું છું. મારું મસ્તક આદરથી એમને નમી ગયું…
કિરણ સંપટ મને કહે, “દાદુ, આ તો બોલ્યા કરે. મને મારા વખાણ ગમતા નથી. સૌ કદાચ પોતાના નીજી સ્વાર્થ માટે મારી પાસે આવતા હોય માન્યું, તો એમની પ્રતિભાનો ઉપયોગ કરવા પાછળ મારો પણ સ્વાર્થ તો હતો જ ને ! કદાચ પોતાની કાબેલિયત વધુ પુરવાર કરવા, મારી સાથેના વર્ષોના જોડાણ પછી છૂટો પણ થઇ જાય તો એનો હરખશોખ શા માટે રાખવો? આ બધા સંબંધો ભાડાના મકાન જેવા હોય છે, ગમે તેટલું સજાવો પણ એ આપણું થતું નથી. પંખી જેવું હૃદય અને લાગણી લઈને આવે છે, પાંખ આવે એટલે ઊડી જાય એનો વસવસો થોડો હોય.હું પણ ક્યારેક કોઈનો સાથ લઈને ઉડ્યો જ હતો ને? હું એમની નિખાલસ અને અસ્ખલિત વાણી સાંભળતો એમની સામે જોઈ રહ્યો. “આવું બધું તો આ રંગભૂમિ ઉપર ચાલતું આવ્યું છે દાદુ, આપણી સાથે થોભી જવા કારણ શોધી કાઢે, તૈયાર થઇ જાય પછી જવા માટે બહાનું શોધી કાઢે પછી મુક્ત મને હસી પડ્યા.
અમારો સીન પૂરો કર્યો. દવે તો કિરણભાઈ સાથે જ બેઠા હતા. રિહર્સલ બંને જોઈ રહ્યા હતા. સીન પૂરો કરી બધા ગોળાકાર બેસી ગયા. પદમાબેને વાપીના એમના વેપાર અંગે, અને પછી અહીં હવે શું? એવા સવાલો કિરણ સંપટને કર્યા. એમના જવાબ પણ એટલા જ નિખાલસ. કહે વાપીનો વેપાર બહુ જામ્યો નહિ. એટલે કલા’ માટે ફરી મુંબઈ મઢુલી’માં આવી ગયો. ( તેઓ સી.પી.ટેંક રહેતા, એનું નામ મઢુલી’ હતું. ). હવે ફરી નાટકોનું નિર્માણ કરીશું. ઠાકોરજી કૃપા કરશે તો સેટ પણ થઇ જઈશું. શરૂઆતમાં સ્વભાવ શૂન્ય જેવો રાખીશું. ભલે ગણતરીમાં કોઈ ન લે, પણ જેની બાજુમાં ઊભા રહીશું એની કિંમત વધે એનું ધ્યાન રાખીશું.
બધા બેઠા હતા અને દવેએ નાટકની આખી કથાવસ્તુ કિરણ સંપટને કહી સંભળાવી. કિરણભાઈને વાર્તા ગમી. વાપી અંગે વાતો કરતા એમની બોલવામાં થોડી ગ્લાનિ મને વરતાઈ. પણ એમના મોઢા પર ખુમારીની ચમક એક ભાટિયાનાં મો પર હોય એવી જ હતી. વાપીના વેપારને તાળું મારવા માટે એમણે પોતાની ‘ખોટું સહન ન કરવાની ભાવના’ ગણાવી. લોકો વિષે એમણે સરસ વાત માંડી કે લોકો ત્રણ પ્રકારના હોય છે. એક તો, પોઝિટિવ.. જે તમને આગળ વધવામાં મદદ કરનારાં હોય, બીજા હોય, નેગેટિવ. એ તમને આગળ વધતા અટકાવવાની પ્રવૃત્તિમાં પારંગત હોય. અને ત્રીજા હોય રિલેટિવ, જે પોઝિટિવ અને નેગેટિવ બંનેમાં આંગળી કરતા રહે. આ બધું મેં આટલા વર્ષો સહન કર્યું. વેપાર સારો હતો એનું સ્વભાવગત અભિમાન ક્યારે’ય ન કર્યું. આમ પણ સહનશક્તિથી સામેવાળાની હાર નક્કી હોય છે અને અભિમાન કરો તો પોતાની હાર નિશ્ર્ચિત. પછી જરા શ્ર્વાસ ખાઈ મોઢામાં રહેલ પાન થૂંકવા વોશરૂમમાં ગયા. અમે બધા કલાકારો એકબીજા સામે જોઈ રહ્યા. આવીને હસતા-હસતા કહે, ભાઈ દવે, તું રિહર્સલ બંધ ન રાખ. હું તો માત્ર મળવા આવ્યો છું. યોગ મળે તો મારું પણ એક નાટક બનાવી આપજે. દવે કહે, અરે..કિરણભાઈ તમારે તો હુકમ કરવાનો હોય, હું તૈયાર જ છું. પણ આ નાટક રજૂ થઇ જાય પછી. તમે રિહર્સલ તો જુઓ. પૂરા થાય પછી આપણે એ જ જૂની જગ્યા “ઓરીએન્ટ ક્લબમાં જઈશું. ઘણા અરસાથી બેઠા નથી. સાથે બેસી એક-બે પેગ લગાવીશું અને બે-પાંચ ગપસપ કરીશું.
કિરણભાઈ હસતા-હસતા કહે, “ઠીક છે તેઓ બેઠા અને અમે રિહર્સલનો દોર આગળ વધાર્યો. આગળ શું, બની શકે એટલો મારો સીન પોલિશ્ડ કર્યો. એ બરાબર થઇ જાય તો મને મારા નાટક માટે મને છોડી શકે. આ તો ખેલદિલી હતી શૈલેશ દવેની.
અમે રિહર્સલ પૂરા કર્યા. દવેને મેં પૂછ્યું, “તમારી અને કિરણ સંપટની જોડી પરની લાગણીવાળી તો દેખાય છે, પણ નિકટતા પણ દેખાય છે “દવે હસતા કહે, દાદુ, મિત્ર અને ચિત્ર દિલથી બનાવો તો એનો રંગ નીખરી જ આવે.
આમ તો દવે મારા વડીલ હતા પણ એમનામાં મને ખેવના કરતો દોસ્ત મને વધુ દેખાતો.દિગ્દર્શક તરીકે મને જય કલા કેન્દ્ર’ માં સમાવી લેવો, ઉપરાંત મારા નાટકના રિહર્સલ માટે મને અનુકુળતા આપવી.. ખરેખર મને જીવન ચોપાટ નાટકનો એન્ડ એમણે સુરત સ્ટેશનના પ્લેટફોર્મ પર બેસીને, એક કલાક મોડા પડેલ ગુજરાત મેલ, એ સમયમાં સુંદર રીતે લખીને આપેલો એ યાદ આવી ગયું. મેં કહ્યું દવે, થેંક યુ. તમારી પાસેથી ઘણું શીખવા જેવું છે. મને કહે, “એક વાત શીખી જશે તો ખુશ રહીશ. કેટલાકનું સાંભળી લેવાનું તો કેટલાકને સંભાળી લેવાનું, પણ સંભળાવવાની આદતને ઘરમાં ઘાલવાની નહિ.
પછી ફરી દવેએ બધા કલાકારોને બેસવા કહ્યું. કહે, “આજે કિરણ સંપટ આવ્યા છે એ મારે માટે આનંદનો અવસર છે. આપણા નાટકનું ટાઈટલ, જે મેં નક્કી કર્યું છે એ જાહેર કરું છું. કિરણભાઈ તમે પણ એ વિષે અભિપ્રાય આપજો. આટલું કહી દવે મૌન રહી બધા કલાકારોના મોઢા તરફ જોઈ રહ્યા. એટલે કિરણભાઈએ અધીરા થઇને કહ્યું, હવે ઝટ બોલ, ઓરીએન્ટ ક્લબનું ટેબલ રાહ જુએ છે કહી થોડું હસ્યા. દવે કહે “કથાવસ્તુ પ્રમાણે મેં ટાઈટલ રાખવાનું નક્કી કર્યું છે, છાનું છમકલું
બધા કલાકારોએ તાળીઓ પાડી ટાઈટલ વધાવી લીધું. કિરણભાઈએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. માત્ર ચૂપ રહી બેઠા રહ્યા.
પછી બોલ્યા, “આ ટાઈટલ ન ચાલે શૈલેશ.
અને આછા ગણગણાટ સાથે હળવો સોપો પડી ગયો.
મન તૃપ્ત હોય તો એક બુંદ પણ વરસાદ છે,
અતૃપ્ત મનની આગળ સાગર પણ રેગીસ્તાન છે.
—————-
પત્ની: આપણે ભણતા એ વખતમાં એક મસ્ત કવિતા આવતી, તમને યાદ હોય તો…
પતિ: અમારા ક્લાસમાં તો બે કવિતા આવતી, એક શાહ અને બીજી શર્મા. બંને મસ્ત હતી. (હવે પતિ સીધો નથી સૂઈ શકતો.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular