જ્ઞાન ગતિવર્ધક, ધર્મ દિશાસૂચક – દિવ્ય કુરાન

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

જ્ઞાન જીવન પ્રકાશ છે. જ્ઞાનથી ક્ષિતિજ વિસ્તૃત થઇ દૃષ્ટિકોણ વિશાળ થાય છે. તે પ્રગતિના અનેક દ્વારો ખોલે છે. પ્રત્યેક ધર્મ, ભદ્ર સમાજ અને સમજદાર વ્યક્તિઓએ જ્ઞાનનો મહિમા ગાયો છે. ઇસ્લામ એક કદમ આગળ વધી જ્ઞાનને કર્તવ્યનિષ્ઠ કરી તેને ઇબાદતનો મરતબો આપ્યો છે. દિવ્ય કુરાનના ૭૦૪ શ્ર્લોકોમાં જ્ઞાનનો ઉલ્લેખ છે. ૧૪૦૦ વર્ષ પૂર્વે અલ્લાહ તઆલાએ જ્ઞાન ગ્રહણ કરવાનો આદેશ આપ્યો. નમાઝ પઢવાનો અને રોજા રાખવાનો નહીં, પરંતુ પ્રથમ સંદેશ દિવ્ય કુરાનમાં પ્રકરણ ક્રમાંક ૯૬માં ૧થી ૫ શ્ર્લોકોનાં જ્ઞાન વિશે છે, કારણ કે જ્ઞાન-સમજ હશે તો ધર્મ અને તેના ક્રિયાકાંડો તર્કથી તોળી અપનાવી શકાશે.
જ્ઞાન પ્રાપ્તિની પ્રથમ આવશ્યકતા છે. શિક્ષણ, ઇલ્મ એટલે વિદ્યા, જ્ઞાન, આવડત. વાંચતા જ ન આવડતું હોય તો વાંચન કેમ થાય? જ્ઞાનિ થવાનો માર્ગ છે વાંચન અને વ્યાખ્યાન. સ્વસ્થ રહેવા શરીરના સ્નાયુઓને બળવાન રાખવા પડે અને તે માટે નિયમિત કવાયત કરવી પડે. તેવી જ રીતે મસ્તિક પણ એક સ્નાયુ જ છે. વાંચન તેની કવાયત છે. અમિરૂલ મુઅમિનીન હઝરત અલી અલૈયહિ સલ્લામ ફરમાવે છે કે, વાંચનથી વ્યક્તિ સમતુલ રહે છે. અન્યોથી એક તસુ ઉંચેરા રહેવું હોય તો પ્રતિષ્ઠિત લેખકોના પુસ્તકોનો અભ્યાસ કરો. વાંચન પછી મંથન અને જીવનમાં તેનો સુમેળ. આપ શેેરે ખુદા અલી અલૈહિસલ્લામને અરજ વ્યક્ત કરવામાં આવી કે, ‘જ્ઞાન કોની પાસેથી પ્રાપ્ત કરવું?’ આપ હઝરતે ઉત્તર આપ્યો કે, ‘નાત-જાત-ધર્મ-જ્ઞાતિ-રાષ્ટ્રિયતા-રંગ વગેરેની સીમાઓ વગર કોઇ પણ જ્ઞાનિથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન ખોવાયેલો ખજાનો છે. તેને ત્વરીત શોધી કાઢો…!’
જ્ઞાન સંપાદન નિરંતર અને નિતાંત પ્રવાસ છે, જેનો અંત અંતિમ શ્ર્વાસ સાથે આવે છે, જેની જ્ઞાન પિપાસા લુપ્ત થઇ ગઇ છે તે જાણે જલતા હુઆ ચિરાગ મગર રોશની નહીં સમાન છે.
દીને ઇસ્લામના આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) ફરમાવે છે કે, જે દિવસે જ્ઞાનવૃદ્ધિ ન થઈ તે દિવસે જાણે જીવ્યા નહીં. પવિત્ર કુરાનમાં ફરમાવવામાં આવ્યું છે કે, ‘શ્રદ્ધાળુઓ અને જ્ઞાનિઓને અલ્લાહ ઉચ્ચસ્તરે સ્થાન આપશે.’
મૌલાઅલી અલૈયહિ સલ્લામનું વિદ્યા-જ્ઞાન સંબંધી બીજું એક કથન છે કે, ‘જ્ઞાન ગ્રહણ કરી તેને જીવનમાં વણી પ્રસાર કરવાથી તમારી શ્રદ્ધા વિશેષ દિપશે. વ્યવહારુ અને ધાર્મિક જ્ઞાનનો શકય સમન્વય જરૂરી છે. જ્ઞાન ગતિ આપે છે, ધર્મ દિશા સૂચવે છે. ગતિથી સાચી દિશામાં જવાથી નિર્ધારિત સ્થળે પહોંચી શકાય છે.’
દુ:ખદ બાબત તો એ છે કે, જે ધર્મે જ્ઞાનને આટલું મહત્ત્વ આપ્યું તેના અનુયાયી મુસ્લિમો શિક્ષણક્ષેત્રે ઘણા જ પછાત છે. દેશની સઘળી જ્ઞાતિઓમાં તેમનું સ્તર સાવ જ તળિયે છે. ૧૯૧૧માં ભારત વર્ષમાં કરવામાં આવેલી વસ્તીગણતરીમાં શિક્ષણના સર્વેક્ષણમાં મુસ્લિમોમાં સ્નાતકોનું પ્રમાણ માત્ર અઢી ટકા હતું.
– આબિદ લાખાણી
* * *
આ સાત અનર્થને જાણો
યંત્ર સંસ્કૃતિએ વિશ્ર્વમાં સૌથી મોટા સાત અનર્થ પેદા કર્યા છે: ૧-સિદ્ધાંત વગરનો સમાજ, ૨-શ્રમ વગર જ ધન, ૩-વિવેક વગરનો ભાગ, ૪-નીતિ વગરનો વ્યવસાય, પ-ધર્મ વગર જ શિક્ષણ, ૬-માનવતા વગર જ વિજ્ઞાન અને ૭-સમર્પણ વગરની ઇબાદત, અર્ચના.
આજની હકીકત
જે બાળકને બોલતો કરવા મા-બાપ ભરપૂર પ્રયત્નો કરે છે એ જ બાળક મોટો થઇને મા-બાપને બોલતો બંધ કરી દે છે.
દિવા જેવું સ્પષ્ટ
મરેલા માણસને રોનાર મળે છે, પરંતુ જીવતાને ઓળખનાર મળતા નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.