ઇમોશનલ ઉધ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનપદ છોડવા તૈયાર, એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર જોખમ તોળાઇ રહ્યું છે. તેમના પક્ષના દિગ્ગજ નેતા એકનાથ શિંદેએ 10 થી 15 ધારાસભ્ય સાથે ગુજરાતના સુરતમાં ધામા નાખ્યા છે. ઉદ્ધવ સરકાર ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગઇ છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બપોરે પક્ષના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. મળતી માહિતી અનુસાર સરકાર બચાવવાના મરણિયા પ્રયાસરૂપે ઠાકરેએ શિંદે માટે મુખ્ય પ્રધાન પદ છોડવાની પણ ઓફર કરી છે.

શરદ પવાર આજે સાંજે મુંબઇ પરત ફરશે અને મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરશે. કૉંગ્રેસના બાળાસાહેબ થોરાતે પણ ધારાસભ્યોની ઇમરજન્સી મીટિંગ બોલાવી છે.
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી (MVA) સરકારમાં તાજેતરની કટોકટી શિવસેનાના વરિષ્ઠ નેતા અને મંત્રી એકનાથ શિંદેના કારણે સર્જાઈ છે, જેઓ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના નેતા સંજય રાઉતથી નારાજ હોવાનું અને સંજય રાઉતને આપવામાં આવતા મહત્વથી નારાજ છે.

દરમિયાન સુરત પહોંચેલા શિવસેનાના નારાજ નેતાએ આ સમગ્ર મુદ્દે પહેલી વાર ટ્વિટરના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી છે. ” અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ… બાળાસાહેબે અમને હિંદુત્વ શીખવ્યું છે.. બાળાસાહેબના વિચારો અને ધર્મવીર આનંદ દિઘે સાહેબના ઉપદેશો અંગે અમે ક્યારેય સત્તા માટે છેતરપિંડી કરી નથી અને ક્યારેય કરીશું નહીં.” એમ તેમણે જણાવ્યું છે.

“>

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે ત્રણ શરત મૂકી છે. શિંદેએ કહ્યું છે કે શિવસેનાએ તાત્કાલિક કૉંગ્રેસ અને NCP સાથેનું ગઠબંધન તોડી નાખવું જોઇએ અને BJP સાથે મળીને સરકાર બનાવવી જોઇએ. તેમની બીજી શરત એ છે કે ઉધ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું જોઇએ અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવા જોઇએ અને પોતાને એટલે કે શિંદેને ડેપ્યુટી સીએમનું પદ આપવું જોઇએ.

આ દરમિયાન સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખની પત્ની પ્રાંજલીએ અલોકા પોલીસ સ્ટેશનમાં તેમના પતિ ગુમ થયાની લેખિત ફરિયાદ કરી છે. તેમણે છેલ્લે 20 જૂનના રોજ સાંજે સાત વાગ્યે તેમના પતિ સાથે વાત કરી હતી. ત્યાર પછી તેમના પતિનો ફોન બંધ આવે છે અને તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી. પ્રાંજલીએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે તેમના પતિને જીવનું જોખમ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.