બેંગલોરથી માલદિવ્સ જઈ રહેલી ગો ફર્સ્ટની ફ્લાઈટના એન્જિનમાં ખરાબી આવી હોવાથી શુક્રવારે કોયંબતુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી.
મળતી માહિતી અનુસાર વિમાનમાં 92 પ્રવાસી હતાં. ફ્લાઈટ તમિલનાડુ પહોંચી ત્યારે અચાનક એન્જિન ગરમ થવાને કારણે ધુમાડો નીકળી રહ્યો હતો અને એલાર્મ પણ બંધ થયું હતું.
ગો ફર્સ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આશરે બાર વાગ્યે ફ્લાઈટ ટેકઓફ થઈ હતી અને એક કલાક બાદ અચાનક એન્જિન ગરમ થવાને કારણે પાયલટે એર ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્ક સાધીને કોયંબતુર એરપોર્ટ પર વિમાન લેન્ડ કરવાની પરવાનગી માંગી હતી. ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાન લેન્ડ થાય તે પહેલા જ અગ્નિશમન દળના કર્મચારી અને બચાવકર્મી રનવે પાસે તહેનાત થયા હતા. તમામ પ્રવાસીઓને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતાં. વિમાનની તપાસ કરવામાં આવી હતી તેમાં આગ લાગવાનું કોઈ નિશાન નથી. ગો ફર્સ્ટની એન્જિનિયરિંગ ટીમની તપાસ પૂરી થયાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Google search engine