વર્ષ 2022માં 44 બિલિયન ડોલરની ટ્વિટર ડીલ ક્રેક કર્યા બાદ હવે એલોન મસ્ક વર્ષ 2023માં પણ કંઈક મોટું કરવા જઈ રહ્યા છે. એલોન મસ્કે હાલમાં અમેરિકાની નાદારી નોંધાવનાર સિલિકોન વેલી બેંક ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટ્વિટર પર આ વિશે પોસ્ટ કરીને તેમણે આની તૈયારી દેખાડી છે. યુએસ રેગ્યુલેટર ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) દ્વારા સિલિકોન વેલી બેંકને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તેની સાથે જ બેંકની કુલ 209 બિલિયન ડોલરની સંપત્તિ અને 175.4 બિલિયન ડોલરની કુલ થાપણો જપ્ત કરવામાં આવી છે. શુક્રવારે બનેલી આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ખાસ કરીને ટેક કંપનીઓને જોરદાર ઝાટકો આપ્યો છે.
કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ નિર્માતા કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ મીન-લિયાંગ-ટેને ટ્વિટ કર્યું હતું કે મને લાગે છે કે ટ્વિટરે સિલિકોન વેલી બેંક ખરીદવી જોઈએ અને પછી તેને ડિજિટલ બેંક બનાવવી જોઈએ. જેના જવાબમાં એલોન મસ્કે કહ્યું હતું તેઓ આ આઈડિયા પર કામ કરવા તૈયાર છે.
યુએસમાં સિલિકોન વેલી બેંકનું બંધ થવુંએ 2008ની આર્થિક મંદી પછીની સૌથી મોટી ઘટના છે. અમેરિકાના બેન્કિંગ રેગ્યુલેટર્સે બેંકનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. આ અમેરિકાની 16મી સૌથી મોટી બેંક છે અને તેનું હેડ ક્વાર્ટર કેલિફોર્નિયામાં આવેલું છે. સિલિકોન વેલી બેંક દ્વારા ભારતમાં 21 સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કરવામાં આવ્યું છે.
બેન્કિંગ રેગ્યુલેટર્સનું એવું કહેવું છે કે સિલિકોન વેલી બેન્ક પાસે રોકડની પારવાર અછત છે. બેંકના થાપણદારોને FDIC તરફથી $2,50,000 સુધીની રકમ માટે વીમા સુરક્ષા મળશે.
અમેરિકાની આ બેંક બંધ થવાના સમાચારની અસર દુનિયાભરના દેશો પર જોવા મળી શકે છે એવી શકયતા વ્યકત કરાઈ રહી છે. આ સમાચાર આવ્યા બાદ બેંકિંગ સેક્ટરનો બેન્ચમાર્ક સ્ટોક ઈન્ડેક્સ અચાનક 8.1% તૂટ્યો હતો. આ ઘટાડો છેલ્લા ત્રણ વર્ષમાં એક દિવસમાં નોંધાયેલો સૌથી મોટો ઘટાડો છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. અમેરિકાની આ બેંક બંધ થયા બાદ દરેક જગ્યાએ અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.