ટ્વિટરે ભારતમાં તેની ત્રણમાંથી બે ઓફિસ બંધ કરી દીધી છે. કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે. જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી કંપનીમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. કંપનીએ ગયા વર્ષના અંતે ભારતમાં તેના અંદાજે 90% થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા હતા. હવે ભારતના રાજકીય કેન્દ્ર નવી દિલ્હી અને નાણાકીય કેન્દ્ર મુંબઈમાં આવેલી ઓફિસો કંપનીએ બંધ કરી દીધી છે.
મીડિયા રીપોર્ટસ અનુસાર ટ્વિટરની હવે ભારતમાં માત્ર એક જ ઓફિસ ચાલુ રહેશે છે. કંપની બેંગલુરુના દક્ષિણ ભાગમાં આવેલા ટેક હબ ખાતેની ઓફિસનું સંચાલન કરવાનું ચાલુ રાખશે, જેમાં મોટાભાગના એન્જિનિયરો કામ કરે છે.
ઈલોન મસ્ક 2023 ના અંત સુધીમાં Twitterને નાણાકીય રીતે સ્થિર કરવાના પ્રયાસના ભાગરૂપે વિશ્વભરમાં કર્મચારીઓની છટણી કરી અને ઓફિસો બંધ કરી રહ્યા છે. ભારતમાં ગૂગલ જેવી કંપની ઘણા પ્રોજેક્ટ પર લાંબા સમયથી કામ કરી રહી છે. તે જ સમયે મસ્કના આ પગલાં દર્શાવે છે કે તે હાલમાં ભારતીય બજારને ઓછું મહત્વ આપી રહ્યા છે.
ટ્વિટર વર્ષોથી રાજકીય ચર્ચા માટે ભારતનું સૌથી મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રહ્યું છે. આમ છતાં કંપનીએ ભારતમાંથી તેની બે ઓફિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી કંપનીની આવક પર અસર થશે એવું માનવામાં આવી રહ્યું છે.