દુનિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ, ટેસ્લા અને ટ્વિટરના માલિક ઈલોન મસ્કે એક બીજી વિચિત્ર જાહેરાત કરી છે. ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ ઈલોન મસ્કે હવે પોતાનું એક અલગ શહેર વસાવવાની જાહેરાત કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક ટેક્સાસમાં પોતાનું એક અલગ શહેર વસાવવાનું વિચારી રહ્યા છે અને તેના માટે તેમણે હજારો એકરની જમીન પણ ખરીદી લીધી છે. અત્યાર સુધી 3500 એકર જમીન ખરીદવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે ઈલોન મસ્ક પોતાની જ કંપનીના કર્મચારીઓ માટે આ શહેરને વસાવવાની તૈયારી કરી રહ્યા છે. જ્યાં તેમની કંપનીમાં કામ કરનારા કર્મચારી અને સ્ટાફ વસવાટ કરશે.
ઈલોન મસ્કે આ શહેરનું નામ પણ ફાઈનલ કરી દીધું છે. આ શહેરને સ્નેલબ્રુક નામ આપવા માગે છે. હાલમાં આ શહેરમાં 100 મકાન બનાવવાની યોજના છે. આ શહેરનું લોકેશન ઈલોન મસ્કની કંપની બોરિંગ અને સ્પેસ એક્સના નિર્માણાધીન પ્લાન્ટની નજીક છે. આ શહેર તમામ સુવિધાઓથી સજ્જ હશે. જેમાં દરેક નાની-મોટી વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્કને ટેક્સાસ શહેર ખૂબ જ પસંદ છે. વર્ષ 2020માં મસ્કે જાહેરાત કરી હતી કે તે ટેસ્લાના હેડક્વાર્ટ્સ અને પોતાના ઘરને ટૂંક સમયમાં કેલિફોર્નિયાથી ટેક્સાસ શિફ્ટ કરશે. તેના પછી ઈલોન મસ્કે એ દિશામાં કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. વર્ષ 2022માં એલન મસ્કે ટેસ્લાની એક ફેક્ટરીની શરૂઆત ઓસ્ટિનમાં કરી હતી. ત્યાર બાદ તેમણે ટેક્સાસમાં સ્પેસ એક્સ અને બોરિંગ કંપની માટે ટેક્સાસમાં યુનિટ શરૂ કર્યુ હતું.
હવે ઈલોન મસ્ક ટેક્સાસમાં પોતાના જ કર્મચારીઓ માટે એક ખાસ શહેર બનાવવાનું નક્કી કર્યુ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ શહેરમાં ખૂબ જ ઓછી કિંમતમાં પોતાના સ્ટાફ અને કર્મચારીઓને ઘર આપવાનો પ્લાન તૈયાર કર્યો હતો.