Homeલાડકી‘સેવા’ સંસ્થાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટે હોલા જેવી ગભરુ મહિલાઓને બાજ જેવી બહાદુર...

‘સેવા’ સંસ્થાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટે હોલા જેવી ગભરુ મહિલાઓને બાજ જેવી બહાદુર બનાવી હતી

પ્રાસંગિક -રમેશ તન્ના

બીજી નવેમ્બર, ૨૦૨૨, બુધવારના રોજ ૮૯ વર્ષની વયે ઈલાબહેન ભટ્ટે વિદાય લીધી. દૂસરી આઝાદીનાં પ્રણેતા ઈલાબહેન વિશે એક વખત મનુભાઈ પંચોળી ‘દર્શકે’ કહ્યું હતું કે ઈલાબહેન અને સેવા સંસ્થાએ તો હોલા જેવી ગભરુ મહિલાઓને બાજ જેવી બહાદુર બનાવી છે. આ એક જ લીટીમાં મનુદાદાએ ઈલાબહેનના જીવનકર્મને સરસ રીતે વ્યક્ત કર્યું હતું. સ્વાતંત્ર્યસેનાની અને ગાંધીવાદી પરિવારમાં અમદાવાદમાં જન્મેલાં ઈલાબહેનના પિતા સુમંતરાય ભટ્ટ સફળ વકીલ હતા અને તેમનાં માતા વનલીલાબહેન વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતાં. ઈલાબહેનનું બાળપણ સુરતમાં વીત્યું હતું. અહીં તેમણે સાર્વજનિક ગર્લ્સ હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ૧૯૫૨માં તેમણે એમ. ટી. બી. કોલેજમાંથી અંગ્રેજી વિષયમાં બી.એ.ની પદવી મેળવી. એ પછી ૧૯૫૪માં સુવર્ણચંદ્રક સાથે કાયદા વિષયમાં સ્નાતક થયાં.
એ પછી અમદાવાદની મજૂર મહાજન સંસ્થામાં તેઓ જોડાયાં હતાં. તેમણે જોયું કે અસંગઠિત શ્રમજીવી બહેનોને અન્યાય થાય છે. મજૂર મહાજનમાંથી તેમની ઉપેક્ષા થઈ. તેમણે શ્રમજીવી મહિલાઓ માટે ૧૯૭૨માં સેવા (Self Employed Womens’ Association) નામની સંસ્થા સ્થાપી. તેમના જીવનસાથી રમેશભાઈ ભટ્ટ અને ગાંધીજન અરવિંદ બૂચનો તેમને ટેકો મળ્યો.
એ પછી તો સેવા અને ઈલાબહેને ઈતિહાસ રચ્યો. સેવા સંસ્થાએ હજારો-લાખો શ્રમજીવી બહેનોના જીવનમાં અજવાળું પાથર્યું. રોજની કમાણી કરતી શ્રમજીવી બહેનો પરચૂરણ લઈને બેન્કમાં પૈસા જમા કરાવવા જતી તો તેમને ગંભીરતાથી ન લેવાતી. એક શ્રમજીવી બહેને ઈલાબહેનને કહ્યું કે ‘આપણી બેન્ક ખોલોને અને એમાંથી જન્મી સેવા બેન્ક. રજિસ્ટ્રારે ઈલાબહેનને ચેતવ્યાં હતાં કે આમાં ન પડશો, આ તો પૈસાનો ખેલ છે. મરવાના દિવસો આવશે.’ જોકે ઈલાબહેનને પોતાની શ્રમજીવી બહેનોની શક્તિ, નિષ્ઠા અને પ્રામાણિકતા પર ભારોભાર વિશ્ર્વાસ હતો. શ્રમજીવી બહેનોએ એ વિશ્ર્વાસનું જતન પણ કર્યું.
‘સેવા’ અત્યંત વિશાળ વડલો બની. ઈલાબહેને બીજી હરોળ ઊભી કરીને સમયસર નિવૃત્તિ લીધી હતી. તેઓ ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ બન્યાં હતાં તો અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ટ્રસ્ટનાં પ્રમુખ પણ હતાં.
દરેક કામમાં જોખમો તો હોય છે. દરેક સફળતાની અંદર નિષ્ફળતાનું બીજ હોય જ છે, પણ તે અગત્યનું નથી. તેની સાથે શી રીતે તાલ મિલાવો છો- એ જ ખરું આહ્વાન છે. આવું કહેનારાં ઈલા ભટ્ટે જોયું કે જો બહેનોને આત્મવિશ્ર્વાસ આપવો હશે તો તેમને પગભર કરવી પડશે. પગભર થયેલી સ્ત્રી જ હૃદયભર થઈ શકશે. માથે ટોપલાં લઈને મજૂરી કરતી, બીડી વાળતી, પાથરણાં પર ધંધો કરતી, અન્ય છૂટક ધંધા કરતી બહેનોને ઈલાબહેને સંગઠિત કરી હતી. મિતભાષી ઈલાબહેને એક માતા પોતાના સંતાનનું કે બાલમંદિરનો કોઈ શિક્ષક તેના વિદ્યાર્થીનું ઘડતર કરે તે રીતે હજારો શ્રમજીવી બહેનોનું ઘડતર કર્યું હતું.
તેઓ આંતરરાષ્ટ્રીય મજૂર (international labour), સ્ત્રીઓને લાગતા વિષયો, લઘુ ધિરાણ (ળશભજ્ઞિ-રશક્ષફક્ષભય) અને સહકારી મંડળ cooperative) સંલગ્ન આંદોલનો સાથે જોડાયાં હતાં. તેમને પદ્મભૂષણ અને પદ્મશ્રી, રેમન મેગ્સેસે ઍવોર્ડ, રાઈટ લાઈવલી હૂડ પુરસ્કાર સહિત સેંકડો એવોર્ડ મળ્યા હતા તો હાર્વર્ડ સહિત વિશ્ર્વની ઘણી નામાંકિત યુનિવર્સિટીઓએ તેમને માનદ્ ડિલિટની ડિગ્રીથી નવાજ્યાં હતાં. ભારતમાં ગરીબ સ્ત્રીઓના સશક્તીકરણ માટે તેમને નીવાનો શાંતિ પુરસ્કાર તો દસ લાખ ગરીબ ભારતીય મહિલાઓના જીવનસ્તરને સુધારવા માટે તેમને ગ્લોબલ ફેરનેસ ઍવોર્ડ એનાયત કરાયો હતો. તેમણે રાજ્યસભા અને આયોજન પંચમાં પણ પોતાની પ્રતિભા, અનુભવ અને સંવેદનાનો લાભ આપ્યો હતો. તેમને મળેલા એવોર્ડની ઘણી મોટી યાદી હતી. હા, તેમણે કરેલાં કાર્યો નોબેલ પુરસ્કાર માટે પણ પૂરતાં હતાં. જોકે કોઈ કારણથી તેમના સુધી નોબેલ પહોંચી શક્યો નહોતો.
અલબત્ત, લાખો મહિલાઓના હૃદય સુધી પહોંચનારાં ઈલાબહેન માટે તો શ્રમજીવી અને ગરીબ મહિલાના ચહેરા પરનું સ્મિત જ સૌથી મોટો પુરસ્કાર હતો.

RELATED ARTICLES

Most Popular