સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફાવી ગયેલા વીજતસ્કરો પર તવાઈ બોલાવવા છેલ્લા દોઢ વર્ષથી શરૂ કરાયેલી ખાસ કાર્યવાહી અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની રાજકોટથી ત્રાટકેલી વિજિલન્સની ટુકડીઓએ વીતેલા બે દિવસ દરમ્યાન કચ્છના ભુજ, ભુજોડી, દેશલપર વિસ્તારમાંથી ૧.૩૧ કરોડની વીજ ચોરી પકડી પાડી હતી.
સામાન્ય રીતે સૂર્યપ્રકાશમાં હાથ ધરાતી ચેકીંગ ડ્રાઇવ આ વખતે છેક રાત્રિના પ્રહરે પણ ચાલુ રખાઈ હતી જેમાં ભુજ ગ્રામ્ય, ભુજ શહેર અને કુકમા વીજ કચેરી તળે આવતા વિસ્તારોમાં હથિયારબંધ પોલીસ જવાનો સાથે ત્રાટકેલી ૨૯ જેટલી ટુકડીઓએ માત્ર ૧૧ વીજ જોડાણોમાંથી રૂ. ૧૧૨.૮૬ લાખની વીજ ચોરી પકડી પાડતાં વીજળીચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
બીજા દિવસે ભુજ ગ્રામ્ય, શહેર, દેશલપર, ભુજોડીની વીજ કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં રાજકોટ વિજિલન્સની ટુકડીઓએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં રહેણાકના ૨૨૧, વાણિજ્યિક જોડાણોમાં ૩૪૯, ઔદ્યોગિક ૧૧ અને ૧૦ ખેતીવાડીના મળીને ૫૯૧ જોડાણોને ચકાસવામાં આવ્યા હતા જે પૈકી ઘર વપરાશના ૧૨, વાણિજ્યિક ૩૧ અને ખેતીવાડીનું એક મળીને ૪૪ જેટલા ક્નેક્શનોમાં ચોરી સાથે વીજ વપરાશ થતો હોવાનું બહાર આવતાં ૧૮.૯૭ લાખના દંડ સહિતના બિલ ફટકારવામાં આવ્યા હતા તેમજ સાત જેટલાં કનેકશન બારોબાર લીધા હોવાનું પણ સામે આવતાં તે અંગે અલગથી તપાસ શરૂ કરવામાં આવશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
દરમ્યાન, વીજ ચેકીંગની કામગીરી દરમિયાન ભુજ તાલુકાના કુકમા પેટા વિભાગીય વીજ કચેરી તળે આવતા મોખાણામાં પહોંચેલી ટુકડીઓએ ઔદ્યોગિક હેતુના બે જોડાણમાંથી રૂ. ૬૦ લાખ જેટલી વીજ ચોરી પકડી પાડી હતી.