મુંબઈના દસ પાર્કિંગ પ્લોટમાં શરૂ થશે ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની સેવામાં વધુ ૧૦ ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનનો ઉમેરો થવાનો છે. મુંબઈ મહાનગરપાલિકા મુંબઈના ૧૦ સાર્વજનિક પાર્કિંગ પ્લોટમાં ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન ચાલુ કરશે, જેમાં શહેર વિભાગમાં ચાર, પશ્ચિમ ઉપનગરમાં પાંચ તો પૂર્વ ઉપનગરમાં એક જગ્યાનો સમાવેશ થાય છે. પર્યાવરણના સંતુલન અને સંવર્ધન માટે ઈલેક્ટ્રિક વેહિકલ વાપરવાને રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે મુંબઈમાં વધુ દસ સાર્વજનિક પાર્કિંગ પ્લોટ પર ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે. તે માટે પાલિકાએ હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ સાથે કરાર કર્યો છે.
પાલિકાએ હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ સાથે કરેલા કરાર મુજબ પાલિકાએ સાર્વજનિક પાર્કિંગ પ્લોટમાં એચપીસીએલને ચાર્જિંગ સ્ટેશન માટે જગ્યા આપશે. તે માટે પાલિકા શરૂઆતનાં વર્ષોમાં ભાડું વસૂલ કરશે નહીં. તેમ જ એચપીસીએલ તરફથી પ્રતિ વીજ યુનિટ એક રૂપિયાના દરે પાલિકાને રકમ આપવામાં આવશે. દરેક સ્ટેશન પર સરેરાશ બે પોઈન્ટ હશે, જ્યાં વાહનો ચાર્જ કરી શકાશે. નોંધનીય છે કે મુંબઈમાં અત્યાર સુધી ૧૮,૯૯૩ અને મહારાષ્ટ્રમાં ૧,૮૯,૬૪૩ ઈલેક્ટ્રિક વાહનો રજિસ્ટર્ડ થયાં છે. મુંબઈમાં નાગરિકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળે તે માટે ઘરની નજીક ૨૪ કલાક ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ કરાવી આપવાના પાલિકા પ્રયાસ કરી રહી હોવાનું એડિશનલ કમિશનર સંજીવ કુમારે જણાવ્યું હતું.
પ્રસ્તાવિત દસ ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનઃ
૧) એચ.પી.પેટ્રોલ પંપ પાસે રૂનવાલ ઍંથોરિયમ, એલ.બી.એસ. માર્ગ, મુલુંડ (પશ્ચિમ), ૨) ડૉ. આનંદરાવ નાયર માર્ગ, જેકબ સર્કલ, ભાયખલા, ૩) સી.એસ. નંબર ૬૩,૬૪, અપોલો મિલ કમ્પાઉન્ડ, એન.એમ. જોશી માર્ગ, લોઅર પરેલ, ૪) કલ્પતરૂ એવ્હાના બિલ્ડિંગ, પરેલ-શિવડી, ૫) ગ. દ. આંબેકર માર્ગ, કાલાચોકી, ૬) હિલ રોડ અને આઈસ ફેકટરી લેન જંકશન, બાંદરા-પશ્ચિમ, ૭) વસંત ઓએસિસ પાસે, મરોલ ગાંવ, અંધેરી (પૂર્વ), ૮) પહાડી ગોરેગાંવ પ્લોટ પર પબ્લિક પાર્કિંગ પ્લોટ, વિશ્વેશ્વર માર્ગ, ગોરેગાવ (પૂર્વ), ૯) પહાડી ગોરેગાંવ, એસ.વી.રોડ, (ટોપીવાલા માર્કેટ) ગોરેગાંવ (પશ્ચિમ), ૧૦) એક્સાર ગાંવ, દેવીદાસ ગલી, બોરીવલી (પશ્ચિમ).