Homeવીકએન્ડચુનાવી હથકંડા: ખાનગી ક્લબથી માંડીને જેરીમેન્ડરિંગ સુધી...

ચુનાવી હથકંડા: ખાનગી ક્લબથી માંડીને જેરીમેન્ડરિંગ સુધી…

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

હા..શ…, ગુજરાતની ચૂંટણીઓ આખરે પૂરી થઇ. અહી હાશ’ શબ્દ એટલા માટે મહત્ત્વનો છે, કેમકે હવે જાહેર જીવનને લગતી દરેક ઘટનામાં રાજકારણ ખેલાવાનું પ્રમાણ થોડુંક (થોડુંક જ, હોં!) ઘટશે. સોશિયલ મીડિયા પર રાજકારણની ઉગ્ર ચર્ચાઓમાં આપસી સંબંધોનો ભોગ લેવાવાની ઘટનાઓ પણ ઓછી થશે. આમેય રાજકારણમાં આપણા જેવા સામાન્ય માણસો સંબંધો બગાડે છે, જ્યારે ચૂંટણીમાં એકબીજા સામે બેફામ વાણીવિલાસ કરનારા એકબીજા સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી નાખે છે! આપણી એક માન્યતા એવી છે કે રાજકારણમાં લાગેલો આવો સડો ખાલી ભારતમાં જ છે. પણ હકીકત એવી છે કે આખી દુનિયાનું રાજકારણ આવું જ છે. જેમ કાગડા બધે જ કાળા, એમ રાજકારણીઓ (એન્ડ ફોર ધેટ મેટર, પ્રજા પણ) બધે જ સરખા! કેટલાક ઉદાહરણ પરથી આ વાત સમજાશે.
Gone to the White House, Ha Ha Ha
ફિલ્મ ‘દીવાર’માં અમિતાભ બચ્ચનના હાથ ઉપર લખી દેવામાં આવેલું, મેરા બાપ ચોર હૈ! આવું જ કંઈક ૧૮૮૪ના અમેરિકન ઇલેક્શન્સમાં બન્યું. અહીં કોઈએ બાળકના હાથ પર કશું લખ્યું નહોતું, પણ બાળકના અનૌરસ બાપને લઈને એટલે બદનામી ઊભી કરવાની કોશિશ થઇ કે બિચારા બાળકનું જીવન ઝેર થઇ જાય! ખેર, આપણે એ બાળકની ચિંતા કરવાને બદલે એના પોલિટિશિયન બાપની વાત કરીએ. એ વખતે પ્રમુખપદની ચૂંટણીમાં ગ્રોવર ક્લીવલેન્ડ નામનો ઉમેદવાર ઊભેલો. સામે રિપબ્લિકન પક્ષનો ઉમેદવાર હતો અને બન્ને વચ્ચે કાંટેકી ટક્કર હતી. રિપબ્લિક્ધસ ક્યાંકથી એવું જાણી લાવ્યા કે ગ્રોવર ક્લીવલેન્ડને તો ભૂતકાળમાં એક સ્ત્રી સાથે લફરું હતું. એટલું જ નહિ પણ આ લફરાને પ્રતાપે પેલી સ્ત્રીને એક અનૌરસ સંતાન પણ જન્મી ગયેલું! પત્યું! સામી ચૂંટણીએ આવી સ્ફોટક સામગ્રી હાથ લાગે, પછી રાજકારણીઓ ઝાલ્યા રહે કે? રિપબ્લિક્ધસે તો પેલા બિચારા બાળકને હથિયાર બનાવીને ગ્રોવરને બદનામ કરતું રીતસરનું કેમ્પેઈન જ શરૂ કરી દીધું. જાહેર સભાઓમાં ગ્રોવરના ઉલ્લેખ સાથે સૂત્ર વહેતું મુકાયું, ‘મા મા વેર ઇઝ માય પા?’ જાણે પેલું બાળક પૂછી રહ્યું કે મારો બાપ (ગ્રોવર), મારી જવાબદારી ઉઠાવવાને બદલે ક્યાં નાસી ગયો! કેમ્પેઈન બહુ ચાલ્યું, પણ મતદાન સમયે લોકોએ ગ્રોવરને જ મત આપવાનું પસંદ કર્યું. રિપબ્લિક્ધસની લાખ કોશિશ છતાં ગ્રોવર ક્લીવલેન્ડ અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા, અને વ્હાઈટ હાઉસમાં પ્રવેશ પામ્યા. એ પછી રિપબ્લિક્ધસને દાઝ્યા પર ડામ દેવા માટે ગ્રોવરના સમર્થકોએ પેલા સૂત્રમાં એક લાઈન ઉમેરીને નવું સૂત્ર વહેતું મૂક્યું, ‘મા મા વેર ઇઝ માય પા? ગોન ટૂ ધી વ્હાઇટ હાઉસ, હા હા હા…
લિન્ડન જ્હોન્સનની
‘ખાનગી ક્લબ’
અમેરિકી પ્રમુખ લિન્ડન જ્હોન્સનને અંદરખાને ડર હતો કે એને રિપબ્લિકન ઉમેદવાર બેરી ગોલ્ડવોટર ચૂંટણીઓમાં હરાવી દેશે. આથી પ્રેસિડેન્ટ લિન્ડને ખાસ સ્ટ્રેટેજી અમલમાં મૂકી. એણે વ્હાઈટ હાઉસ માટે કામ કરતા કેટલાંક વિશ્ર્વાસુઓને ભેગા કરીને એક ખાનગી ટોળકી બનાવી. પાછળથી આ ટોળકી ‘ફાઇવ ઓ’ ક્લબ’ તરીકે કુખ્યાત થઇ. આ ટોળકીનું એક જ કામ હતું, રિપબ્લિકન ઉમેદવાર બેરી ગોલ્ડવોટરને બદનામ કરવાનું! આ ટોળકીએ મીડિયામાં એવા અહેવાલો વહેતા કર્યા કે બેરી ગોલ્ડવોટર તો બહુ ઝનૂની અને ખતરનાક માણસ છે, એ આખા દેશને સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં ધકેલી દેશે… ગોલ્ડવોટર એક અત્યંત કટ્ટરવાદી માનસિકતા ધરાવતો નેતા છે… ગોલ્ડવોટરનું ચાલે તો એ અણુશસ્ત્રો વાપરતા ય ખચકાય નહિ એવો છે! આવી તો કેટલીય વાતો ફેલાવવામાં આવી, જેથી લોકો ગોલ્ડવોટરને એક અત્યંત કટ્ટરવાદી અને હિંસક માનસિકતા ધરાવતો નેતા માનવા લાગ્યા. લિન્ડનની કલબે એક સ્પેશિયલ એડવર્ટાઈઝ પણ બનાવડાવી. આ એડમાં એક નાની બાળકી ફૂલોની પાંખડી ગણતી બતાવી છે. બાળા ૧ થી ૯ સુધીની પાંખડીઓ ગણે છે ત્યાં અચાનક એક પુરુષનો અવાજ સંભળાય છે, જે ૯ થી ૦ સુધીનું કાઉન્ટિંગ કરે છે. આ દરમિયાન કૅમેરા ઝૂમ થઈને બાળકીની આંખની કીકી સુધી જાય છે. જે ઝીરો’નો ઉચ્ચાર થાય, કે તરત બાળકીની કીકીમાં અણુબૉમ્બ ફૂટતો હોવાનું દૃષ્ય દેખાય છે. આ જાહેરાત દ્વારા એવો મેસેજ અપાયો કે ગોલ્ડવોટર પ્રમુખ બનશે તો તમારા ફૂલ જેવા નિર્દોષ બાળકો પર અણુયુદ્ધનો ખતરો મંડરાશે!
રાજકીય જીવનમાં આવા કામો માટે કહેવાતા બૌદ્ધિકોનો પણ ભરપૂર ઉપયોગ’ કરાતો હોય છે. લિન્ડનની વફાદાર ટોળકીએ પણ એવું જ કર્યું. એમણે અમેરિકાના સંખ્યાબંધ સાઈકિયાટ્રિસ્ટ્સને સાધીને એક સાવ હમ્બગ સર્વે કરાવ્યો. અને એણે આધારે એવું તારણ કાઢવામાં આવ્યું કે ગોલ્ડવોટર માનસિક રીતે એટલો વિક્ષિપ્ત છે કે અમેરિકાનો પ્રમુખ થવાને લાયક જ નથી!
આ બધાની અસર એવી થઇ કે ગોલ્ડવોટર બિચારો કોઈ વાંકગુના વગર ચૂંટણી હારી ગયો અને લિન્ડન ફરી વખત પ્રમુખ બન્યો.
સીમાંકનનો ખેલ: ‘જેરીમેન્ડરિંગ’
તમે જો રાજકારણના અભ્યાસુ હોવ તો રાજકારણીઓના મોઢે બોલાતા ખોટા વચનો કે વાયદાઓના ભરમાવામાં આવી જતાં નથી. પણ કેટલાક રાજકારણીઓ એવા રીઢા હોય છે, જેમની ગોળ જેવી ગળી વાતો સાંભળીને ભલભલા પાણી પાણી થઇ જાય. ભારતમાં ય આવા રાજકારણીઓનો તોટો નથી. આવા લોકો તમારી આગળ ‘લોકશાહી બચાવવાની’ વાતો કરતા જોવા મળે. પ્રજાના મૂળભૂત હકો વિષે જો તમે એમની સાથે ચર્ચા માંડો તો થોડી જ વારમાં એ તમને ગળગળા કરી નાખે. તમને ગળા સુધી ખાતરી થઇ જાય, કે લોકોનું ભલું ઇચ્છનાર આ એક જ બંદો ધરાતલ પર જીવતો બચ્યો છે! હકીકતે આ એમની ‘મોડસ ઓપરેન્ડી’ હોય છે, જેના દ્વારા લોકોને વશમાં કરી શકાય છે. પેટ્રિક હેન્રી અમેરિકાની ‘એન્ટી ફેડરલિસ્ટ પાર્ટી’નો નેતા હતો. તે બે વખત વર્જિનિયાનો ગવર્નર પણ બનેલો. આજે પણ લોકો એને એના એક સ્ટેટમેન્ટ માટે યાદ કરે છે, ‘ગીવ મી લિબર્ટી ઓર ગીવ મી ડેથ! અર્થાત, મને સ્વતંત્રતા આપો, અથવા મૃત્યુ આપો! સ્વાભાવિક છે કે આવા જોરદાર વાક્યથી તમે અભિભૂત થઇ જાવ.
ઇ.સ. ૧૭૮૮ની ચૂંટણીઓ વખતે પેટ્રિક હેન્રીનો મુખ્ય પ્રતિદ્વંદી હતો જેમ્સ મેડિસન. જેમ્સ કોઈ પણ કાળે ચૂંટાઈને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં પહોંચવો ન જોઈએ, એવી પેટ્રિકની ઈચ્છા. આ માટે જે કરવું પડે એ કરવું જોઈએ, એવું વિચારીને પેટ્રિકની સત્તાધારી પાર્ટીએ મતવિસ્તારોનું સીમાંકન એવી રીતે કર્યું, કે જેથી જેમ્સ મેડિસન ચૂંટણીમાં ઊભો હોય, એ વિસ્તારના મોટા ભાગના મતદાતાઓ પેટ્રિક હેન્રીની એન્ટી ફેડરલિસ્ટ પાર્ટીના કટ્ટર સમર્થકો હોય! ચૂંટણીઓમાં આ પ્રકારના હથકંડા હજી આજે ય વાપરવામાં આવે છે. ચૂંટણીમાં વિરોધીઓને પછાડવા માટે કરાતી મતવિસ્તારની આવી છેડછાડને ‘જેરીમેન્ડરિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘જેરીમેન્ડરિંગ’નો જનક એક વ્યક્તિ સ્વાતંત્ર્યની હિમાયત કરનારો રાજકારણી હતો, એ એક કમનસીબ બાત ગણાય.
મતનો માર્જિન આવડો મોટો?
લાઇબેરિયા આમ તો સ્વતંત્ર દેશ છે, પણ ત્યાં એક જ રાજકીય પક્ષ ૧૦૦ કરતા વધુ વર્ષો સુધી શાસન કરવાનો વિક્રમ ધરાવે છે. ટ્રુ વ્હીગ પાર્ટી અહીં ૧૮૭૮ થી ૧૯૮૦ સુધી શાસનમાં રહી. ઇ.સ. ૧૯૨૦માં પાર્ટી તરફથી ચાર્લ્સ ડી.બી. કિંગ પ્રમુખ બન્યો. ૧૯૨૭માં તે ફરી પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો અને લેન્ડસ્લાઈડ વિકટરીથી જીત્યો. કિંગને ૨,૩૫,૦૦૦ મતો મળ્યા. જ્યારે એના હરીફ એવા થોમસ ફોકનરને ભાગે માત્ર ૯,૦૦૦ મત આવ્યા.
જો કે અહીં એક ‘ટેક્નિકલ સમસ્યા’ ઉદ્ભવી, અને તે એ કે લાઇબેરિયામાં એ સમયે માત્ર ૧૫,૦૦૦ જેટલા જ મતદારો હતા! વિશ્ર્વની સૌથી ભ્રષ્ટ ચૂંટણીઓના લિસ્ટમાં આ ચૂંટણીનો પહેલો નંબર આવે એમ છે. જો કે પછીથી ભ્રષ્ટાચાર અને ગુલામી પ્રથાના આરોપોને કારણે ચાર્લ્સ કિંગ સહિતના અનેક નેતાઓએ ૧૯૩૦માં રાજીનામું મૂકીને ઘરભેગા થઇ જવું પડ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular