Homeઉત્સવરાજનેતાઓનો ચૂંટણીલક્ષી ઈતિહાસ

રાજનેતાઓનો ચૂંટણીલક્ષી ઈતિહાસ

ફૅક વાતો, ફૅક ન્યૂઝ કે ફૅકવચનોનો મહિમા -નહેરુએ સરદાર પટેલને સંકટમોચક કહ્યા હતા -સહકારી ક્ષેત્રમાં સરકારી દખલનો વિરોધ

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

આજકાલ ચૂંટણી સભાઓમાં ગુલામીનો ઈતિહાસ ખૂબ ગજવવામાં આવે છે. રાજનેતાઓ કેટલો ઈતિહાસ વાંચે છે એ તો એ જ જાણે પણ રાજકીય વાર-પ્રહાર કરવા માટે ભૂતકાળની વાતોમાં રમમાણ છે. ઇતિહાસમાં આસામ પર મુઘલોએ ચડાઈ કરી ત્યારે એમણે પારોઠનાં પગલાં ભરવાં પડ્યાં હતાં એ વાત ઈતિહાસકારોએ લખેલી હોવા છતાં રાજનેતાઓ આ મુદ્દાને ગજવે છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે રાજપીપળા પર મુઘલ સમ્રાટ ઔરંગઝેબની સેનાએ ચડાઈ કરી ત્યારે એણે પણ પીછેગૂમ થવું પડ્યાની વાત રાજનેતાઓ ગજવાવાને બદલે આસામની વાત આગળ ધરે છે. બ્રિટિશ શાસન દરમિયાન પંડિત સુંદરલાલના ભારત મેં અંગરેજી રાજના બે ગ્રંથને પ્રતિબંધિત કરાયા હતા અને પ્રાંતોમાં કૉંગ્રેસની સરકારો આવી ત્યારે ગાંધીજીએ કહેલા આ અધિકૃત ઈતિહાસના ગ્રંથો પરની બંધી હટી હતી. કમસે કમ રાજનેતાઓએ વાણીવિલાસ કરવાને બદલે તથ્યોનો અભ્યાસ કરવાની જરૂર ખરી. શાસકો અને રાજકીય નેતાઓના હોદ્દા તો એના એ જ રહે છે,પણ એ હોદ્દે બેસનારાં વ્યક્તિત્વો બદલાયા કરે છે.એમની કક્ષા બદલાય છે.ભારતીય આઝાદીના સંગ્રામમાં સામેલ જે વિરાટ અને ખુલ્લા દિલનાં વ્યક્તિત્વો જોવા મળતાં હતાં, એની તુલનામાં આજના યુગમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએ વામણાં વ્યક્તિત્વોની બોલબાલા અને ચલણ વધ્યાનું સતત અનુભવાય છે.આધુનિક ભારતીય ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો પહેલાંનાં વ્યક્તિત્વોમાં જૂઠાણું ઓકતાં શરમની અનુભૂતિ થતી હતી,આજે એ સાર્વત્રિક બની ગયું લાગે છે. વાત કોઈ એક પક્ષની નથી, તમામ રાજકીય પક્ષો અને ક્ષેત્રોની આવી જ દુર્દશા છે. વાતો ગાંધીજીની થાય છે.સત્ય અને અહિંસાની વાત કરવામાં આવે છે, પણ વ્યવહારમાં એનુંમુદ્દલ પણ આચરણ નથી.અબી બોલા અબી ફોકનો જમાનો છે.ક્યારેક જુબાન આપીને અબજોનો ધંધો કરનાર હીરા ઉદ્યોગમાં છાસવારે કરોડોનું કરી નાખીને પેઢીઓ ઊઠી જવા માંડી છે.માત્ર રાજકારણમાં જ જૂઠાણાંનો મહિમા વધ્યો નથી,સમાજનાં તમામ ક્ષેત્રોમાં ફેક વાતો અને ફેક ન્યૂઝ કે ફેક વચનો ચાલવા નહીં, દોડવા માંડ્યાં છે. આવા યુગમાં પ્રત્યેક ક્ષણે પ્રત્યેક વાતને નીરક્ષીર કર્યા વિના માની લેવા જતાં તો ખરા અર્થમાં વીમો અનુભવાય છે.સામેની વ્યક્તિ ગમે તેટલી વિશ્ર્વાસુ હોય પણ એને ભ્રમિત કરીને જૂઠાણાં માનવા પ્રેરવામાં આવે અને એ જૂઠાણાંને સત્યસ્વરૂપે વહેવડાવાય, એવો જમાનો આવ્યો છે.પશ્ર્ચિમના વિશ્ર્વમાં તો દગાફટકાના ખટલા કરીને ન્યાય મેળવી શકાય,પણ ભારત જેવા ભવ્ય દેશમાં તો એ મારગ જવામાં પણ આયખું આખું વીતી જાય એવું છે.
ઇતિહાસકારો અને રાજનેતાઓનાં જૂઠાણાં
ઈતિહાસ અધ્યયન અને લેખનમાં એક નિયમ છે : આધાર વિના કશું માનવું કે લખવું નહીં. હવે વાતો જરા ઊલટી દિશા પકડી રહી છે. થોડા સમય પહેલાં એક વયોવૃદ્ધ ઇતિહાસવિદ પ્રાધ્યાપક-બેલડીના નિવાસસ્થાને અમે બેઠા હતા. સાક્ષીભાવે કોલેજના એક યુવા ઈતિહાસ અધ્યાપક પણ હિંચકે ઝૂલી રહ્યા હતા.વાત સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુની નીકળી. સરદારઆપણા માટે જરા વધુ પોતીકા એટલે ભાવ વધુ રાખીએ એવું બને,પણ ૮૦ વર્ષ વટાવી ગયેલા ઇતિહાસકાર વડીલે શરૂ કર્યું: વડા પ્રધાન નહેરુ અમૂલ ડેરીનું ઉદઘાટન કરવા માટે ૧૯૫૫માં આણંદ આવ્યા હતા. સરદાર પટેલ થકી જ આ સહકારી ડેરી સ્થાપવાની પ્રેરણા મળી એટલે અમૂલના મૂળમાં સરદાર પટેલ હતા. એ પાયાના પથ્થર હતા, છતાં નહેરુએ આખા ભાષણમાં સરદારનું નામ સુધ્ધાં લીધું નહીં. વાત ખાસી દીર્ઘસૂત્રી હતી. એમનાં ઇતિહાસકાર પત્ની પણ મુગ્ધભાવે સાંભળી રહ્યાં હતાં.વાત માન્યામાં આવે તેવી નહોતી, છતાં ઇતિહાસકાર મહાશય દસ્તાવેજોનો ઉલ્લેખ કરીને કહેતા હોય તો માનવી જ પડે. જોકે એ વખતે કોઈ પ્રતિપ્રશ્ર્ન કર્યા વિના ઘરે જઈને જાતતપાસ આદરી તો આંબાની જગ્યાએ આકડા પણ ના હોવાનું પ્રતીત થાય એવો દસ્તાવેજ હાથ લાગ્યો. નહેરુએ સરદારના નામનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહીં હોવાનું જણાવાયું હતું,પણ આર્કાઈવ્ઝમાંથી મેળવેલી વડાપ્રધાન નહેરુની ચાર પાનાંની સ્પીચમાં તો નહેરુએ સરદાર સાહેબ માટે ભારોભાર વંદના કરી હતી ! વડા પ્રધાન નહેરુ ૩૧ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ એટલે કે સરદાર પટેલના ઉજવાતા જન્મદિને એમની જન્મભૂમિ ચરોતરમાં આવે અને સરદારને અંજલિ અર્પે નહીં,એવું બનવું પહેલાંથી જ અમને અશક્ય લાગ્યું જ હતું. વડા પ્રધાન સાથે એમનાં પુત્રી ઇન્દિરા ગાંધી પણ આવ્યાં હતાં. સરદાર પટેલનાં પુત્રી મણિબહેન પણ આ તબક્કે હાજર હતાં. મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ પણ હતા. અમૂલના ચેરમેન ત્રિભુવનદાસ પટેલ અને પાછળથી દેશમાં શ્ર્વેતક્રાંતિના જનક તરીકે પંકાયેલા એવા અમૂલના જાન સમા ડૉ.વર્ગીસ કુરિયન પણ હતા.
સરદારને મહાન રાષ્ટ્રીય
નેતા કહ્યા
વડા પ્રધાન નહેરુએ પ્રારંભમાં મોટાભાગનું ભાષણ હિંદીમાં અને પછીથી વિદેશી મહેમાનોના લાભાર્થે થોડીક વાત અંગ્રેજીમાં કહી. સંબોધનનો પ્રારંભ એમણે શ્રી ત્રિભુવનદાસજી, મુખ્યમંત્રી, મણિબહેન, બહેનો અને ભાઈઓથી કર્યો. અમૂલ ડેરીના અધ્યક્ષ અને નિમંત્રકનું નામ લીધું, મોરારજીભાઈનું નામ ના લીધું, માત્ર મુખ્યમંત્રી જ કહ્યું અને મણિબહેનનું નામ લઈને એમને માન આપ્યું. સહકારી ડેરીની સ્થાપના અને એની પાછળના શ્રમમાં સહભાગી સૌને વિગતે બિરદાવ્યા. સરદાર પટેલને ડેરી સમર્પિત કર્યા વિશે હરખ વ્યક્ત કરતાં એમણે પોતાને આ ડેરીના ઉદઘાટન માટે નિમંત્રણ અપાયા વિશે પણ આનંદ પ્રગટ કર્યો હતો. એમણે સરદારનું સ્મરણ કર્યું એટલું જ નહીં, આજના દિવસે સરદાર પટેલનો જન્મદિવસ હોવા નિમિત્તે તેમને તેડાવ્યા એનો પણ ભાવ સાથે ઉલ્લેખ કર્યો. તમે આજના પવિત્ર દિવસને યોગ્ય રીતે જ પસંદ કર્યો છે.સરદાર પટેલ સમગ્ર દેશના છે,પણ તમને તમારા પોતીકા લાગે એ સ્વાભાવિક છે.તેઓ ખેડા જિલ્લામાં જન્મ્યા, અહીં ઉછર્યા અને પછીથી દેશના મહાન રાષ્ટ્રીય નેતા બન્યા. તેમણે દેશને માટે મહાન યોગદાન આપ્યું છે.જયારે જયારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે એમણે જ પોતાની બૌદ્ધિક સમજદારી અને દ્રઢતાથી એ સંકટમાંથી માર્ગ કાઢ્યો છે.આ દેશના નિર્માતાઓમાં તેમનું નામ ટોચ પર રહેશે.સમગ્ર દેશની સાથે આપણે સૌ તેમને સદાય યાદ કરતા રહીશું. તમે એમના જન્મદિનને આ ડેરીનું ઉદઘાટન કરવા માટે પસંદ કર્યો, એ પણ બિરદાવવા જેવું સારું કાર્ય છે.સાથે જ આ ઉદ્યોગને તેમની સ્મૃતિમાં સમર્પિત કરવાનો નિર્ણય કર્યો,એ પણ સારું કર્યું. ૧૯૫૫નાં અખબારોના અહેવાલોના ઉલ્લેખ કરી મત બંધાવનાર પેલી ઈતિહાસવિદ પ્રાધ્યાપક બેલડીને અમે બીજા દિવસે હકીકત કહી હતી.
નહેરુએ ડૉ. કુરિયનને ય બિરદાવ્યા
અમૂલ ડેરીના ઉદઘાટન માટે આવેલા વડા પ્રધાન નહેરુને મુખ્યમંત્રી મોરારજીભાઈએ ડૉ. કુરિયનના પ્રયાસોની વાત કરી ત્યારે વડા પ્રધાને કુરિયનના ખભે હાથ મૂકીને એમની સાથે વાત કરતાં કરતાં ચાલતાં એમના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. આજે અમે જયારે આ લખી રહ્યા છીએ ત્યારે બંધારણને સ્વીકારવાના દિવસ સાથે જ ડો. કુરિયનની ૧૦૧મી જન્મજયંતી પણ છે ત્યારે આ મહાન વ્યક્તિત્વોએ સચ્ચાઈને પ્રકાશમાં આણવાની આપેલી શીખ પણ ગૂંજે બાંધવા જેવી છે. આણંદમાં એ વેળા વડા પ્રધાન નહેરુ અને મુખ્યમંત્રી મોરારજી દેસાઈ પણ ડૉ. કુરિયન સાથે એમના ઘરે જ રોકાયા હતા. એ પછી તો દાયકાઓ સુધી ડૉ. કુરિયન આ ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે અમૂલના કર્મચારી રહ્યા અને એમણે અહીં સેવારત રહીને જ દુનિયાભરમાં અમૂલનું નામ રોશન કર્યું. દેશમાં દૂધ ક્રાંતિનું સર્જન કર્યું. જોકે ડૉ. કુરિયન સહકારી ક્ષેત્રમાં સરકારી દખલગીરીના આજીવન વિરોધી રહ્યા. એમના પ્રયાસો થકી જ રાજ્યમાં જિલ્લાવાર દૂધ ઉત્પાદક સંઘો અને દૂધસાગર, બનાસ, સાબર સહિતની જિલ્લા સહકારી ડેરીઓ અને એમનો મહાસંઘ થયો.મૂળ કેરળના મલયાલી એવા ડૉ. કુરિયને સવાયા ગુજરાતી થઈને ફેડરેશન, એનડીડીબી, ઈરમાની સ્થાપના અને નેતૃત્વ પૂરું પડ્યું.અમૂલગાથા ગૌરવવંતી છે. જોકે ઇતિહાસના ઘટનાક્રમને જાણ્યેઅજાણ્યે વિકૃત કરવાનો પ્રયાસ કરનારાઓથી સાવધ રહેવાની જરૂર ખરી. એમાંય ઇતિહાસવિદોને
ખોટી વાતો પધારાવનારાઓથી તો ખાસ ચેતવું જ ઘટે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular