મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની આજે ચૂંટણી

દેશ વિદેશ

શિંદે સરકારની પ્રથમ કસોટી

સલામતી:શિવસેનાના કહેવાતા ‘અસંતુષ્ટ’ વિધાનસભ્યો ગોવાથી આવે તે પહેલાં મુંબઇ વિમાનમથકે કરાયેલી કડક પોલીસ
વ્યવસ્થા. (પી.ટી.આઇ.)
——–
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની આજે (રવિવારે) યોજાનારી ચૂંટણી એકનાથ શિંદેની સરકારની પ્રથમ કસોટી સાબિત થશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની સ્પીકરપદ માટેની ચૂંટણી માટે શિવસેનાના એમએલએ રાજન સાળવીએ શનિવારે મહાવિકાસ આઘાડીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે કહ્યું હતું કે સ્પીકરપદની ચૂંટણી માટે સાળવી વિપક્ષના ઉમેદવાર હશે. સાળવીએ ઉમેદવારીપત્રક ભર્યું તે સમયે જયંત પાટીલ, ધનંજય મુંડે (એનસીપી), અશોક ચવ્હાણ (કૉંગ્રેસ), સુનીલ પ્રભુ (શિવસેના) સહિતના મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા.
કૉંગ્રેસના પટોલેએ પક્ષના રાજ્ય એકમના પ્રમુખ બનવા ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યા બાદથી સ્પીકરપદનો હોદ્દો ખાલી પડેલો છે. મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરપદ માટેની ચૂંટણી ૩, જુલાઈએ છે. શુક્રવારે પ્રથમ જ વખત વિધાનસભ્ય બનેલા ભાજપના રાહુલ નાર્વેકરે મહારાષ્ટ્ર વિધાનસભાની સ્પીકરપદ માટેની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.
નાર્વેકર મુંબઈના કોલાબા વિધાનસભા મતદારસંઘનું અને સાળવી રત્નાગિરિ જિલ્લાના રાજાપુર મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર ત્રણ જુલાઈથી બોલાવવામાં આવશે, એમ અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની નવી સરકાર ચોથી જુલાઇ, સોમવારે વિધાનસભામાં વિશ્ર્વાસનો મત માગશે. ભાજપના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરે વિધાનસભાના સ્પીકરપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. સ્પીકરપદ માટે જો ચૂંટણી આવશ્યક બનશે તો તે ત્રીજી જુલાઇએ યોજાશે. સચિવાયલ દ્વારા સભ્યોને આપવામાં આવેલા સંદેશામાં જણાવ્યા
અનુસાર ગૃહના સ્પીકરના હોદ્દા માટેની ચૂંટણી ત્રીજી જુલાઈએ યોજવામાં આવશે.
બે જુલાઈએ બપોરના ૧૨ વાગ્યા સુધી આ માટેના ઉમેદવારીપત્રક સ્વીકારવામાં આવશે.
અગાઉ, રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા બાદ એકનાથ શિંદેના અધ્યક્ષપદ હેઠળ ગુરુવારે પ્રથમ જ વખત મળેલી પ્રધાનમંડળની બેઠક દરમિયાન જ બે અને ત્રણ જુલાઈએ વિધાનસભાનું વિશેષ સત્ર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, તારીખોમાં ત્યાર બાદ મામૂલી ફેરફાર કરાયો હતો.
શિવસેના સાથે છેડો ફાડી અલગ થયેલા એકનાથ શિંદે ૩૯ વિધાનસભ્યનો ટેકો ધરાવે છે.
બે દિવસના સત્ર દરમિયાન લેવામાં આવનારા વિશ્ર્વાસના મત દરમિયાન નાના અને સ્વતંત્ર પક્ષના ૧૦ તેમ જ ભાજપના ૧૦૬ વિધાનસભ્ય એકનાથ શિંદેને ટેકો આપે એવી શક્યતા છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.