(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ભારતના ચૂંટણી પંચને એવી અપીલ કરી છે કે ૧૪ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ શિવસેનાના ગેરલાયક વિધાનસભ્યોનો ચુકાદો આપે ત્યાર પછી જ પાર્ટીના નામ અને ધનુષ્ય-બાણ ચિહ્ન પર ચુકાદો આપવામાં આવે. કાનૂન પર વિશ્ર્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે અમને પૂરી ખાતરી છે કે સર્વોચ્ચ અદાલત તરફથી આગામી સુનાવણીએ (૧૪ ફેબ્રુઆરીએ) ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવવામાં આવશે. ઠાકરેએ બુધવારે બપોરે સિનિયર નેતાઓ સુભાષ દેસાઈ, અનિલ દેસાઈ અને અન્યોની સાથે મીડિયાને સંબોધતાં ચૂંટણી પંચને અપીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાર્ટીના નામ અને ચિહ્નનો ચુકાદો લેવામાં આવે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના ફક્ત એક જ છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની બાળાસાહેબાંચી શિવસેના કે અન્ય કોઈ જૂથને ઓળખતા નથી.
શિંદે જૂથ દ્વારા એવો દાવો કર્યો હતો કે અસલી શિવસેના તેમની છે કેમ કે તેમની પાસે વધુ જનપ્રતિનિધિઓ (સંસદસભ્ય અને વિધાનસભ્ય) છે. ઠાકરેએ આ દાવાની મજાક ઉડાવતાં કહ્યું હતું કે એવું હોત તો કાલે ઉદ્યોગપતિ સહિત તાકાતવાન વ્યક્તિ વડા પ્રધાન કે મુખ્ય પ્રધાન બની શકે છે.
ઉદ્ધવે એવો અફસોસ વ્યક્ત કર્યો હતો કે આ સ્થિતિ લોકશાહી માટે જોખમ છે અને તેમણે સુપ્રીમ કોર્ટે શિવસેનાના કેસમાં ઝડપથી ચૂકાદો આપવાની અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી ચૂંટણી પંચે નિર્ણય ન લેવો: ઉદ્ધવ ઠાકરે
RELATED ARTICLES