ચૂંટણી પંચ દ્વારા શનિવારે વૃદ્ધ અને વિકલાંગ મતદારો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે, અને આ નવી જાહેરાત અનુસાર 80 વર્ષથી વધુની ઉંમરના તમામ વોટર્સ અને દિવ્યાંગ વોટર્સને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ઘરેબેઠા વોટ આપવાની સુવિધા આપવામાં આવશે. આ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે આ પ્રકારની સુવિધા મતદાતાઓને પ્રથમ જ વખત આપવામાં આવી રહી છે.
કર્ણાટક વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને કુમારે જણાવ્યું હતું કે, કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023 સુધીનો છે, અને આ જ કારણસર નવેસરથી ચૂંટણી યોજવી પડશે. વોટ ફ્રોમ હોમ ફેસિલિટી અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, પ્રથમ જ વખત કર્ણાટકમાં 80 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અને વિકલાંગ મતદારોને સુવિધા આપવા જઈ રહ્યા છીએ. જો તેઓ ઈચ્છે તો તેમના ઘરેથી પણ મતદાન કરી શકે છે.
રાજીવ કુમારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની ટીમ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે તેમના મત લેવા માટે ફોર્મ-12D સાથે પહોંચશે. આ પ્રક્રિયામાં પણ સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે. આ સુવિધા એવા લોકો માટે છે જે મતદાન કરવા માટે મતદાન મથક પર જઈ શકતા નથી. આ સિવાય મતદારોને મતદાન મથક પર આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
રાજીવ કુમારે એવું પણ કહ્યું હતું કે એક મોબાઇલ એપ્લિકેશન સુવિધા વિકસાવવામાં આવી છે, જે ઉમેદવારો માટે નોમિનેશન અને એફિડેવિટ ફાઇલ કરવા માટેનું એક ઓનલાઈન પોર્ટલ છે. ઉમેદવારો સભાઓ અને રેલીઓ માટે પરવાનગી લેવા માટે પણ આ સુવિધા પોર્ટલનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, પહેલાની જેમ, રાજકીય પક્ષોએ તેમના પોર્ટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મતદારોને જણાવવું પડશે કે તેઓએ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને કેમ પસંદ કર્યા અને તેમને ચૂંટણી લડવા માટે ટિકિટ આપી.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે રાજ્યમાં 5.21 કરોડ મતદારો છે, જેમાંથી 2.59 મહિલાઓ છે. આવા 16,976 મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે. 4,699 મતદારો ત્રીજા લિંગના છે અને 9.17 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે. 12.15 લાખથી વધુ મતદારો 80 વર્ષના છે અને 5.55 લાખ મતદારો શારીરિક રીતે અક્ષમ છે.