મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની બાળા સાહેબાંચી શિવસેના માટે શુક્રવાર શુકનિયાળ સાબિત થયો હતો. ઈલેક્શન કમિશન દ્વારા શિંદે સરકારને રાહત આપતા પક્ષનું નામ અને ચિહ્ન બંને આપવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.
ઠાકરે જૂથ દ્વારા પહેલાંથી જ એવી માગણી કરવામાં આવી રહી હતી કે અમને અમારું ચિહ્ન અને પક્ષનું નામ પાછું આપવામાં આવે, પરંતુ હકીકતમાં એવું બની શક્યું નહીં. તેમના વતી મહેશ જેઠમલાનીએ કોર્ટમાં દલીલ કરી હતી, જ્યારે શિંદે જૂથ વતી હરિષ સાળવેએ પક્ષ રજૂ કર્યો હતો.
આ સિવાય પક્ષનું નામ પણ સીએમ એકનાથ શિંદેના જૂથને આપવામાં આવ્યો હતો. પક્ષનું નામ અને ચિહ્ન બંને મળતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં બહુમતનું મહત્ત્વ હોય છે. આ સત્યનો વિજય છે. સાચી શિવસેના કઈ છે એ હવે સમજાઈ ગયું છે. જે સંઘર્ષ કર્યો છે તેનું ફળ હવે મળ્યું છે. અમારો સંઘર્ષ એમને એમ વેડફાયો નથી. હવે અમે લોકોએ આગળ શું કરવાનું છે એ વિશે વિચાર કરીશું. આજનો દિવસ આનંદનો છે અને આ વિજય બાળાસાહેબ ઠાકરેની વિચારધારાનો વિજય છે.
આ કારણે ઉદ્ધવ ઠાકરેને મોટો ધક્કો લાગ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. પક્ષનું નામ અને ચિહ્ન બંને શિંદેને મળતા હવે રાજકીય વર્તુળોમાં જાત જાતની ચર્ચાઓ ચાલી રહી છે. ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થઈ છે અને આગામી કેટલાક દિવસોમાં આ ઉથલપાથલ વધુ મોટું સ્વરૂપ ધારણ કરે એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.