માયાવતી કો ગુસ્સા ક્યો આતા હૈ?
નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઇને દેશભરમાં રાજકારણ ચાલી રહ્યું છે. પીએમ મોદી 28મી મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોએ તેમની અસહમતી વ્યક્ત કરી છે અને કાર્યક્રમમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રપતિ કે લોકસભાના અધ્યક્ષે કરવું જોઈએ. આ મામલે પીએમ મોદીને બહુજન સમાજ પાર્ટી (બીએસપી), શિરોમણી અકાલી દળ, બીજુ જનતા દળ વગેરે જેવા પક્ષોનો ટેકો પણ મળ્યો છે.
બીએસપીના પ્રમુખ માયાવતીએ સરકારના પગલાને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે સરકાર સંસદ બનાવી રહી છે, તો તેનું ઉદ્ઘાટન કરવાનો પણ તેને અધિકાર છે. ઉદ્ઘાટનને આદિવાસી મહિલાના સન્માન સાથે જોડવાની વાતની તેમણે ટીકા કરી હતી.
માયાવતીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દૌપદી મુર્મુ સામે ઉમેદવાર ઊભો કરતી વખતે વિરોધ પક્ષોએ આ વાત વિચારવી જોઇતી હતી.
માયાવતીએ એક ટ્વિટ કરીને લખ્યું હતું કે કેન્દ્રમાં પહેલા કૉંગ્રેસ પાર્ટીની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, બસપાએ હંમેશા પાર્ટીની રાજનીતિથી ઉપર રહીને દેશ અને જનહિતના મુદ્દાઓ પર તેમનું સમર્થન કર્યું છે. પાર્ટી આ સંદર્ભમાં 28મી મેના રોજ સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનનું પણ સ્વાગત કરે છે.
માયાવતીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન ન કરવા બદલ બહિષ્કાર અયોગ્ય છે. કેન્દ્ર સરકારે આ બનાવ્યું છે અને તેથી તેમને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર છે. આને આદિવાસી મહિલાઓના સન્માન સાથે જોડવું પણ અયોગ્ય છે. તેમને બિનહરીફ ચૂંટવાને બદલે તેમની સામે ઉમેદવાર ઊભા રાખતી વખતે આ વિચારવું જોઇતું હતું.
માયાવતીએ જણાવ્યું હતું કે મને દેશને સમર્પિત કાર્યક્રમ એટલે કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ મળ્યું છે. એ માટે આભાર અને મારી શુભેચ્છાઓ.
પરંતુ પક્ષની સતત સમીક્ષા બેઠકો અઁગેની મારી પૂર્વ-નિર્ધારીત વ્યસ્તતાને લીધે હું તે સમારોહમાં હાજર રહી શકીશ નહી.