Homeઉત્સવઈલા ભટ્ટ: ગરીબી અને હિંસા માનવનિર્મિત છે, ઈશ્ર્વરની ઈચ્છા નહીં

ઈલા ભટ્ટ: ગરીબી અને હિંસા માનવનિર્મિત છે, ઈશ્ર્વરની ઈચ્છા નહીં

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

૨૦૧૫માં, ફિલિપાઈન્સ, નોર્ધર્ન આયર્લેન્ડ, ગ્યુટેમાલા અને કેન્યા જેવા ગરીબ દેશોમાં, જ્યાં અનેક પ્રકારના સંઘર્ષ અને હિંસા ચાલતી રહે છે, એક અભ્યાસમાં તારણ નીકળ્યું હતું કે કોઇપણ પ્રકારની શાંતિ પ્રક્રિયામાં સ્ત્રીઓનું યોગદાન ઘણું વધુ હોય છે. એક બીજા અભ્યાસમાં જે નિષ્કર્ષ નીકળ્યો હતો, તે આ શાંતિ પ્રક્રિયાની વાતને સમર્થન આપે છે; સ્ત્રીઓ સામેલ હોય તે સંવાદ વધુ સકારાત્મક સાબિત થાય છે. એક સામાન્ય સમજ એવી છે કે સ્ત્રીઓમાં સ્વભાવગત લાલન-પાલનની વૃત્તિ હોય છે. તે પરિવારને તંદુરસ્ત અને એક રાખવાનું કામ કરતી હોય છે. પુરુષો સ્વભાવે આક્રમક હોય છે અને એક ઘાને બે કટકાના સમાધાનમાં માનતા હોય છે.
કંઇક અંશે આપણા સમાજમાં જે જોવા મળે છે, તેમાં સ્ત્રી-પુરુષોની આ સ્વભાવગત ખાસિયતો જોવા મળે છે. પેલા અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે શાંતિ સ્થાપવાના અધિકૃત કે રાજકીય પ્રયાસોમાં મોટાભાગે સ્ત્રીઓને સામેલ કરવામાં આવતી નથી. યુદ્ધો અને શાંતિનો હવાલો પુરુષોના હાથમાં રહ્યો છે અને એટલે દુનિયામાં શાંતિની સરખામણીમાં યુદ્ધોની આવરદા લાંબી હોય છે.
પ્રથમ વિશ્ર્વ યુદ્ધ દરમિયાન, બ્રિટનમાં લોકો મરવા-મારવાની વાતો કરતા હતા, ત્યારે સંસદમાં સ્ત્રીઓની ભાગીદારી વધારવા માટે બનાવવામાં આવેલી વિમેન્સ લેબર લીગની એક ક્રાંતિકારી કવયિત્રી ડોરોથી હોલિન્સે, પ્રસ્તાવ મુક્યો હતો કે આપણે એક હજાર નિ:શસ્ત્ર સ્ત્રીઓનું શાંતિ દળ બનાવીએ. તેણે યુરોપમાં લડતાં-ઝઘડતાં સૈન્યોની ફૂટતી બંધૂકો વચ્ચે જઈને ઊભા રહેવાનું!
હોલિન્સના વિચારને કોઈકે અમલમાં ન મુક્યો, પરંતુ તેની પાછળ એક સદી જૂની માન્યતા હતી કે સ્ત્રીઓની માતૃત્વની ભાવના પરિવારોને મરવા-મારવાને બદલે જીવતા રહેવામાં મદદરૂપ થાય છે. હોલિન્સની જ બીજી એક સહકર્મશીલ હેલેના સ્વાનવિકે વિમેન્સ ઇન્ટરનેશનલ લીગ ફોર પીસ એન્ડ ફ્રીડમની રચના કરી હતી, જેનું ધ્યેય યુદ્ધનાં કારણો નાબૂદ કરવાનું હતું. સ્વાનવિકે ભવિષ્યમાં દુનિયામાં એક પણ સૈનિક ન હોય તેવું સ્વપ્ન જોયું હતું! એ વખતે અને આજે પણ ઘણા લોકો માને છે કે દુનિયામાં પુરુષોના સ્થાને સ્ત્રીઓના હાથમાં જો નેતાગીરી હોય તો યુદ્ધો ન થાય.
આ બુધવારે અવસાન પામેલાં સહકારી ચળવળનાં માર્ગદર્શક ઈલાબેન ભટ્ટે પણ સ્ત્રીઓ ‘શાંતિ લાવે છે’ એવા અતૂટ વિશ્ર્વાસના આધારે જ સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) સંગઠનની સ્થાપના કરી હતી. એ એક એવી સામાજિક, આર્થિક અને સહકારી ક્રાંતિ હતી જેનાથી લાખો મહિલાઓએ પોતાના પરિવારની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવીને સમાજના વિકાસમાં યોગદાન આપ્યું હતું.
ઈલાબેન માનતાં હતાં કે સ્ત્રીઓમાં તોડવાને બદલે જોડવાની વૃત્તિ હોય છે. એ જ કારણથી, આઝાદી પછી દેશમાં નીચલા સમુદાયોમાં ગરીબી, શોષણ અને અન્યાયનું વાતાવરણ હતું તે જોઇને તેમને વિચાર આવ્યો હતો કે આવા લોકો માટે કંઇક કરવું જોઈએ અને તેના માટે સ્ત્રીઓને સંગઠિત કરવી જોઈએ. તેમની ‘સેવા’ સંસ્થાના મૂળમાં આ ભાવના હતી.
૨૦૧૦માં, તેમને વિશ્ર્વ શાંતિ માટે કાર્યરત, જાપાનનો પ્રતિષ્ઠિત નિવાનો શાંતિ પુરષ્કાર આપવામાં આવ્યો, ત્યારે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં બર્કલે સેન્ટર ફોર પીસનાં સિનિયર ફેલો કેથરિન માર્શલ સાથેના ઇન્ટરવ્યૂમાં, ઈલાબેને શાંતિ અને સ્ત્રીઓ વચ્ચે શું સંબંધ છે તે આ રીતે સમજાવ્યું હતું;
શાંતિ એટલે યુદ્ધની ગેરહાજરી નહીં. ચૂંટણીઓ થાય એ પણ શાંતિની નિશાની નથી. શાંતિ નક્કર અને શાશ્ર્વત ચીજ છે; એ જીવનની વાત છે. એ જીવનની સાધારણતાની, આપણે એક બીજાને કેવી રીતે સમજીએ છીએ, કેવી રીતે સહભોજન કરીએ છીએ, કેવી રીતે આંગણામાં સાથે રહીએ છીએ તે છે. અને એ કામ સ્ત્રીઓ કરે છે. આવી સાધારણતામાં જીવતી અને આજીવિકા રળતી સ્ત્રીઓ જીવન ટકાવી રાખે છે. તેનાથી સમુદાયો જોડાયેલા રહે છે.
આવી સાધારણ ચીજો પ્રત્યક્ષ રીતે દેશની તંદુરસ્તી સાથે જોડાયેલી છે. રાષ્ટ્રમાં ઉચ્ચ સ્તરે અને નીચલા સ્તરે જે થાય છે તેની પર તેનો સીધો પ્રભાવ હોય છે. આ કડી કોઈને સમજમાં નહીં આવે, પરંતુ કોઈ પણ રાષ્ટ્રીય એજન્ડા હોય, સમુદાયો અને તેમના કલ્યાણને એમાં જોડવું જ પડશે. દાખલા તરીકે, અર્થવ્યવસ્થામાં સરપ્લસ અને જીવનનિર્વાહ બે અલગ વાત નથી. એવી જ રીતે, આંતરિક શાંતિ અને બાહ્ય સુરક્ષા બે ભિન્ન બાબત નથી. આત્માની શાંતિ અગત્યની છે, પણ મને કાયમ લાગ્યું છે કે રોજિંદી જિંદગી શાંતિથી જીવવી એ મુખ્ય લક્ષ્ય છે. એટલા માટે વ્યક્તિગત શાંતિ અને વૈશ્ર્વિક શાંતિ ભિન્ન નથી. બંને એક જ છે.
ગરીબી અને હિંસાનો સીધો સંબંધ છે. હિંસા શાંતિ ન લાવી શકે. ગરીબી પોતે જ હિંસા છે. અને તે સમાજની મંજુરીથી થાય છે. ગરીબી અને હિંસા માનવ નિર્મિત છે, ઈશ્ર્વરની ઈચ્છા નહીં. ગરીબી અને શાંતિનું સહઅસ્તિત્વ શક્ય નથી.
જે સમયે મહિલા સશક્તિકરણની વાત નવી હતી, ત્યારે ઇલાબેને તે દિશામાં નક્કર પગલું
ભરીને ‘સેવા’ની સ્થાપના કરી હતી. આ સંસ્થા આજે એક વટવૃક્ષ બનીને મહિલાઓના ઉત્થાન માટે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. પ્રારંભમાં એક હજાર જેટલી મહિલાઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે ૨૦ લાખ જેટલા સભ્યો
ધરાવે છે. તેની પોતાની એક આગવી બૅંક છે. ઈલાબેન તેને તેમનો કર્મયોગ ગણાવતાં હતાં.
કેથરિન માર્શલે પેલા ઇન્ટરવ્યૂમાં તેમને પૂછ્યું હતું, “નિવાનો પ્રાઈઝ આધ્યાત્મિકતા અને શાંતિ વચ્ચેની કડીઓ પર ફોકસ કરે છે. તમે તમારા જીવન અને કામ વચ્ચે એવી કડીઓને કેવી રીતે જુવો છો? ત્યારે ઈલાબેને કહ્યું હતું;
મારી દૃષ્ટિએ, ગરીબો માટે કામ કરવું એ આધ્યાત્મિકતા છે. ગરીબો માટે કામ કરવા માટે નિસ્વાર્થભાવ જોઈએ અને આધ્યાત્મિકતાનો એ જ સાર છે. હું હિંદું છું અને મારી કર્મશીલતાનો આધાર એ ચિંતન છે. મારા માટે કર્મ એટલે એક્શન. મને ધાર્મિક બાબતો અને કહાનીઓમાં રસ નથી. હું કોઈ સમસ્યા જોઉં, તો હું એના ઉકેલ માટે કંઇક કરું. હું સંગઠક છું, હું સડક પર ઊતરી જવા તૈયાર હોઉં છું, વર્ષોથી આ રીતે જ કામ કરું છું.
ઈલાબેનનું એક પુસ્તક છે ‘બીજી આઝાદી સેવા.’ તેની ભૂમિકામાં તેઓ લખે છે, બીજી આઝાદી માટે સંઘર્ષનું નામ ‘સેવા’ છે. પહેલી આઝાદી વિદેશી હકૂમતથી મુક્તિ હતી. એ પણ રાજકીય આઝાદી હતી. આર્થિક આઝાદી મેળવવાની હજુ બાકી છે. ગાંધીજીએ કહ્યું હતું કે જનતા માટે રાજકીય આઝાદીની સાથે-સાથે આર્થિક આઝાદી એટલી જ અનિવાર્ય અને મહત્ત્વપૂર્ણ હોય છે. ગરીબી તો કોઇપણ સમાજનું નૈતિક પતન છે. રાજકીય બદલાવ કે ટેકનોલોજીના સુધારથી શોષણ દૂર થઇ જવાનું કોઈ આશ્ર્વાસન નથી મળતું. એટલા માટે આઝાદીની પ્રાપ્તિ પછી જનતા આર્થિક રૂપે આત્મનિર્ભર બંને તે બહુ જરૂરી છે. છેલ્લાં પચ્ચીસ વર્ષમાં ‘સેવા’ એ આ કામ કર્યું છે, જેને હું બીજી ‘આઝાદી’ના ગાંધી સંદેશને લોક સેવા જેવો માનું છું. સ્વતંત્ર ભારતમાં ગરીબો અને સ્ત્રીઓને મતાધિકાર મળ્યો એટલું જ પૂરતું નહોતું.

RELATED ARTICLES

Most Popular