દેવેન્દ્ર ફડણવીસ નહીં, પણ હવે એકનાથ શિંદે હશે મહારાષ્ટ્રના નવા નાથ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર સામે બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે, એમ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને નવી રાજ્ય સરકારની રચના કરવાનો દાવો રજૂ કર્યા બાદ આ સમાચાર આવ્યા છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલની મુલાકાત બાદ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન બનશે. શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે આજે સાંજે સાડા સાત વાગે શપથ ગ્રહણ કરશે. ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેર કરતા પહેલા ગવર્નર ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી. એ વખતે તેમની સાથે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે પણ હાજર હતા.
ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યપાલે એકનાથ શિંદેને આજે સાંજે સાડા સાત વાગે શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ આપ્યું છે. શિંદેને ભાજપના બધા વિધાનસભ્યોનું સમર્થન છે. એ દરમિયાન તેમની શું ભૂમિકા રહેશે એ અંગે પણ તેમણે જણાવ્યું હતું.
ફડણવીસે જણાવ્યું હતું કે આજે ફક્ત એકનાથ શિંદે જ શપથ ગ્રહણ કરશે અને ભાજપ બહારથી જ શિંદે સરકારને સમર્થન આપશે.
રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં અઢી વર્ષ પહેલા ભાજપ-શિવસેના વચ્ચે થયેલા ઘટનાક્રમ અંગે પણ પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું કે ભાજપ અને શિવસેનાએ ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. ચૂંટણી પછી ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો હતો, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ બીજા પક્ષો સાથે મળી સરકાર બનાવી લીધી. જે લોકો સાથે મળીને તેમણે સરકાર બનાવી, એ લોકોનો બાળાસાહેબ ઠાકરેએ હંમેશા વિરોધ કર્યો હતો. સરકાર બનાવીને ઠાકરેએ જનમતનું અપમાન કર્યું. જનમત મહાવિકાસ આઘાડીને નહોતો મળ્યો.
ફડણવીસે જણાવ્યું કે બાળાસાહેબે હંમેશા દાઉદનો વિરોધ કર્યો હતો, પણ તેમણે (ઉદ્ધવે) તેનો વિરોધ નહોતો કર્યો. ઉદ્ધવ ઠાકરેએ જે પ્રધાનનું નામ દાઉદ સાથે જોડાયું તેને પદ પરથી પણ નહીં હટાવ્યો. હાલમાં પણ તેમની સરકારના બે પ્રધાન જેલમાં છે. આ દરમિયાન જ દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન બનશે અને આજે સાંજે શપથ ગ્રહણ કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.