એકસ્ટ્રા અફેર-ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત શિવસેનાના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં ફરી ટેબ્લો પડ્યો છે. આ કેસમાં ગુરુવારે ચુકાદો આવવાની આશા હતી પણ સુપ્રીમ કોર્ટે આ મામલાને ૭ જજની બંધારણીય બેંચને મોકલી આપતાં હવે બંધારણીય બેંચ આ કેસમાં ચુકાદો આપશે. બંધારણીય બેંચને ચુકાદો આપતાં આપતાં વરસ બે વરસ નિકળી જશે ને ત્યાં લગીમાં મહારાષ્ટ્રની વર્તમાન વિધાનસભાની મુદત પણ પતી જશે તેથી એક રીતે આ ચુકાદો એકનાથ શિંદે અને ભાજપ બંને માટે રાહતરૂપ છે.
બંધારણીય નિષ્ણાતોના મતે, આ કેસમાં એકનાથ શિંદે સહિતના બળવાખોર ધારાસભ્યો ગેરલાયક ઠરવાના જ છે પણ હવે બંધારણીય બેંચના ચુકાદા પછી ઠરશે એ જોતાં શિંદેના માથેથી મોટી ઘાત ટળી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, શિંદે જૂથ દ્વારા કરાયેલી ચીફ વ્હીપની નિમણૂક ગેરકાયદેસર હતી. ચીફ વ્હીપની નિમણૂક ગેરકાયદેસર છે તેનો મતલબ એ થયો કે, શિંદે જૂથને કાયદેસરની માન્યતા મળી નથી.
આ સંજોગોમાં મૂળ શિવસેનાના ચીફ વ્હીપનો આદેશ માનવા શિંદે અને બીજા ધારાસભ્યો પણ બંધાયેલા હતા. શિંદે અને બીજા ધારાસભ્યોએ એ આદેશ નથી માન્યો તેથી તેમને ગેરલાયક ઠેરવી શકાય છે. સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે એ સંકેત આપી જ દીધો છે પણ શિંદે કે તેમના સાથીઓને ગેરલાયક ઠેરવ્યા નથી. મતલબ કે, સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે કહી દીધું પણ કોઈ પગલાં ના લીધાં તેથી શિંદે બચી ગયા છે.
એકનાથ શિંદેના માથેથી એ રીતે પણ મોટી ઘાત ટળી છે કે, સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે સરકારને ફરી ગાદી પર બેસાડવાની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટેના વિશ્વાસ મતનો સામનો કરતાં પહેલાં ઉદ્ધવે રાજીનામું ધરી દીધું હતું. આ સ્થિતિમાં કોર્ટ રાજીનામું રદ કરી શકે નહીં કે તેમને ફરી ગાદી પર ના બેસાડી શકે.
સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ન આપ્યું હોત અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવને બરતરફ કર્યા હોત કે વિશ્ર્વાસના મત માટે દબાણ કર્યું હોત તો ઉદ્ધવને ફરી ગાદીએ બેસાડી શકાત ને તેમને રાહત મળી શકી હોત. ઉદ્ધવ ઠાકરેએ માંગ કરી હતી કે જૂન ૨૦૨૨ના રાજ્યપાલના આદેશને રદ કરવામાં આવે કે જેમાં ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં તેમની બહુમતી સાબિત કરવા કહેવામાં આવ્યું હતું.
ઉદ્ધવ જૂથે ૨૦૧૬ના ચુકાદાને ટાંકીને કહેલું કે, સુપ્રીમ કોર્ટે ૨૦૧૬માં અરુણાચલ પ્રદેશમાં નબામ તુકી સરકારને પુન:સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો એ જ આધાર પર ઉદ્ધવ સરકારને પુન:સ્થાપિત કરવી જોઈએ. ઉદ્ધવ જૂથની દલીલમાં દમ નહોતો કેમ કે બંને કેસ અલગ છે. નબામ તુકીએ રાજીનામું નહોતું ધર્યું જ્યારે ઉદ્ધવે લડ્યા વિના મેદાન છોડી દીધું હતું તેથી એ કેસનો ચુકાદો ઉદ્ધવને લાગુ ના જ પડે.
હજુ થોડા દિવસ પહેલાં જ એનસીપીના શરદ પવારની આત્મકથા બહાર પડી તેમાં પવારે ઉધ્ધવે લડત આપ્યા વિના જ રાજીનામું ધરી દીધું તેની સામે સવાલ ઉઠાવ્યા હતા. પવારે એવો મત વ્યક્ત કરેલો કે, ઉદ્ધવે લડત આપ્યા વિના સત્તા છોડી દીધી તેમાં મહાવિકાસ આઘાડી ખતમ થઈ ગઈ.
સુપ્રીન કોર્ટની ટકોર પવારના વલણને સાચી ઠેરવનારી છે કેમ કે સુપ્રીમ કોર્ટે એ જ વાત કરી છે કે, ઉદ્ધવે રાજીનામું ના ધરી દીધું હોત તો તેમના માટે ફરી મુખ્યમંત્રી બનવાની તક હતી. બલકે સુપ્રીમ કોર્ટે વાજતેગાજતે તેમને ગાદી પર બેસાડ્યા હોત પણ રાજીનામું આપીને તેમણે સામેથી પોતાનો ખેલ બગાડી દીધો. શરદ પવાર રાજકારણમાં અઠંગ ખેલાડી છે ને વરસોથી કાવાદાવા કર્યા કરે છે તેથી તેમને બંધારણીય જોગવાઈઓ વિશે પણ ખબર હોય જ. ઉદ્ધવે સંજય રાઉત જેવા અધૂરા છતાં છલકાય ઘણા એવા લોકોની સલાહ લેવાના બદલે શરદ પવારની સલાહ માનીને ચીટકી રહ્યા હોત તો આજે મુખ્યમંત્રી બની ગયા હોત.
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ બરાબરના ઝાટક્યા છે ને તેમાં કશું ખોટું નથી. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા એ યોગ્ય જ છે કેમ કે રાજ્યપાલ તરીકે વર્તવાના બદલે ભગતસિંહ કોશ્યારી ભાજપના એજન્ટ તરીકે જ વર્ત્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, રાજ્યપાલની ધારાસભ્યો સાથેની વાતચીતમાં ક્યાંય એવો કોઈ સંકેત નથી મળ્યો કે જેમાં અસંતુષ્ટ ધારાસભ્યોએ કહ્યું હોય કે પોતે ઉદ્ધવ ઠાકરે સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેવા માંગે છે.
શિવસેનાના ધારાસભ્યોના એક જૂથે રજૂઆત કરી કે, ઉદ્ધવ ઠાકરે પાસે ધારાસભ્યોની બહુમતી નથી અને રાજ્યપાલે એ વાત માની લીધી. સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરી છે કે, રાજ્યપાલે શિવસેનાના ધારાસભ્યોના એક જૂથના નિવેદન પર વિશ્ર્વાસ કરીને ભૂલ કરી. વાસ્તવમાં કોશ્યારીએ કોઈ ભૂલ કરી નથી. એ તો દિલ્હીના ચિઠ્ઠીના ચાકર હતા ને દિલ્હીથી ફરમાન આવ્યું કે, ઉદ્ધવ ઠાકરે પાસે ધારાસભ્યોની બહુમતી નથી એ તમારે સ્વીકારવાનું છે એટલે તેમણે સ્વીકારીને શિંદેનો રાજ્યાભિષેક કરાવી દીધો. કોશ્યારી રાજ્યપાલની ગરિમાને ભૂલીને વર્ત્યા હતા તેમાં કોઈ શંકા નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે મહારાષ્ટ્રનું કોકડું યથાવત રહ્યું છે ને હવે કશું થઈ નહીં શકે એ સ્પષ્ટ છે. આ ચુકાદાએ ભારતમાં ન્યાયતંત્રની કામગીરી વિશે નિરાશ થઈ જવાય એવો માહોલ છે એ પણ સ્પષ્ટ કરી દીધું. ગયા વર્ષે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને ભાજપના સમર્થન સાથે સરકાર બનાવી ને રાજ્યપાલે તેમની સરકારને માન્યતા આપીને શપથ લેવડાવ્યા ત્યારે જ આ મામલે ઝડપભેર ચુકાદો આપી દેવાની જરૂર હતી પણ તેના બદલે બિનજરૂરી રીતે કેસ લંબાતો ગયો ને હજુ લંબાશે.
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો પછી તેને બંધારણીય બેંચ પાસે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પહેલાં આ કેસ સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ પાસે ગયો ને પછી કેસને પાંચ જજની બેન્ચ પાસે મોકલાયો. હવે સાત જજની બેંચ પાસે મોકલાયો છે. તેમાં સમયનો બગાડ થઈ રહ્યો છે, બીજું કંઈ નહીં.