શિવસેના કોની: એકનાથ શિંદે vs ઉદ્ધવ ઠાકરે પ્રકરણની વધુ સુનાવણી આવતી કાલે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેનાના એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથના અલગ થયા પછી, શિવસેના કોણ છે તે અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી મહત્વપૂર્ણ સુનાવણીમાં કપિલ સિબ્બલે ઉદ્ધવ ઠાકરે વતી દલીલો શરૂ કરી હતી. સીજેઆઈએ પૂછ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે જો 2/3 લોકો રાજકીય પક્ષ છોડી દે તો શું તેમણે નવો પક્ષ બનાવવો પડશે? CJIએ પૂછ્યું કે શું નવા જૂથને ચૂંટણી પંચમાં રજીસ્ટર કરાવવું પડશે? કે પછી તેમને બીજી પાર્ટીમાં જોડાવું પડશે?
ઠાકરે જૂથ વતી કપિલ સિબ્બલે કહ્યું હતું કે જો તેઓ નવો પક્ષ બનાવે છે તો તેમણે ચૂંટણી પંચમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે, પરંતુ જો તેઓ અન્ય કોઈ પક્ષ સાથે ભળી જશે તો તેમણે રજીસ્ટ્રેશન કરાવવું નહીં પડે, પરંતુ મુદ્દો એ પણ છે કે પાર્ટીમાં હજુ 1/3 લોકો બાકી છે. 2/3 લોકો એમ ન કહી શકે કે અમે પક્ષ છીએ.
સિબ્બલે દલીલ કરી હતી કે જો બળવાખોર નેતાઓ ગેરલાયક ઠરશે તો તેમના દ્વારા કરવામાં આવેલી બધી કાર્યવાહી ગેરકાયદે થઈ જશે. સરકારની રચના, એકનાથ શિંદેનું મુખ્યમંત્રી બનવું અને સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયો પણ ગેરકાયદેસર ઠરશે. શિંદે જૂથનું ચૂંટણી પંચ સમક્ષ જઇને કહેવું કે તેમનું જૂથ જ અસલી શિવસેના છે એ બધું જ ગેરકાયદેસર થઇ જશે.
ત્યાર બાદ બળવાખોર જૂથ વતી હાજર રહેલા હરીશ સાલ્વેએ દલીલ શરૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો બળવાખોર જૂથ પક્ષથી અલગ થાય તો જ પક્ષપલટા વિરોધી કાનૂન લાગુ કરી શકાય. બળવાખોર જૂથે પક્ષ છોડ્યો નથી. પક્ષના ઘણા સભ્યો નેતૃત્વ પરિવર્તન ઇચ્છતા હોય તો તેને પક્ષ વિરોધી ના કહેવાય. તેને પક્ષની આંતરિક સમસ્યા કહેવાય. શિંદે જૂથે ક્યારેય કહ્યું જ નથી કે તેઓ નવો રાજકીય પક્ષ છે કે બે શિવસેના છે. તેમણે એમ જ કહ્યું છે કે એક જ શિવસેનામાં બે અલગઅલગ રાજકીય નેતાઓ સાથેનું બે અલગઅલગ જૂથ છે. ઠાકરે જૂથ ગેરલાયકાતની નોટિસ વગેરેનો દાવો કરે છે, પરંતુ હજુ સુધી કોઈને ગેરલાયક ઠેરવવામાં આવ્યા નથી. ગૃહની બહાર યોજાયેલી કોઈપણ બેઠકમાં હાજરી ન આપવી એ પક્ષપલટાનું કારણ નથી.
શિંદે જૂથના મહેશ જેઠમલાણીએ કહ્યું- નવી સરકાર બની છે. ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું છે. હવે માત્ર ગેરલાયકાતનો જ મામલો બાકી રહ્યો છે પણ સવાલ એ થાય છે કે આનો નિર્ણય કોણ લેશે?
સુપ્રીમ કોર્ટ આવતી કાલે મહારાષ્ટ્ર કેસમાં સુનાવણી ચાલુ રાખશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.