એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે સવારે એક ટ્વીટ કરીને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના 62મા જન્મ દિવસ નિમિત્તે લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી.
“મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માનનીય શ્રી ઉદ્ધવજી ઠાકરેને જન્મદિવસની શુભકામનાઓ. તેઓ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે, માતા જગદંબાના ચરણોમાં પ્રાર્થના….,” એમ તેમણે મરાઠીમાં લખ્યું હતું.

“>

જોકે, શિંદેએ તેમના ટ્વિટમાં ઉદ્ધવને શિવસેના પાર્ટી અધ્યક્ષ કહેવાનું ટાળ્યું હતું. તેના બદલે, તેમણે માત્ર એક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરીકે તેમનો ઉલ્લેખ કર્યો હતો, જેને કારણે અનેક લોકોના ભવા ખેંચાયા છે.
નોંધનીય છે કે ગયા મહિને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા પછી શિવસેનાના મુખપત્ર સામનાના એક્ઝિક્યુટિવ એડિટર અને શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એક સ્ટુડિયોમાં ઠાકરેની મુલાકાત લીધી હતી, જે સામનામાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં, ઠાકરેએ પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું કે તેમણે પક્ષના કેટલાક નેતાઓ પર ખૂબ વિશ્વાસ કર્યો એ તેમની મોટી ભૂલ હતી. ઉદ્ધવે આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેઓ હોસ્પિટલમાં લાંબી માંદગી સામે લડી રહ્યા હતા ત્યારે તેમના પક્ષના જ કેટલાક લોકોએ તેમની સામે બળવાની યોજના ઘડી હતી.
2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી પદની વહેંચણીના મુદ્દે ભાજપ અને શિવસેના અલગ થઇ ગયા હતા. શિવસેનાએ ઠાકરેના નેતૃત્વમાં કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને મહાવિકાસ આઘાડી સરકાર બનાવી હતી. ગયા મહિને શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ પક્ષના ધારાસભ્યો અને કેટલાક અપક્ષો સાથે મળીને સેના નેતૃત્વ સામે બળવો કર્યો, જેના કારણે ઠાકરેની આગેવાની હેઠળની સરકારનું પતન થયું હતું.
હાલમાં સેના અને શિંદે જૂથ 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા બાબતે અને ભારતીય ચૂંટણી પંચ સાથે પક્ષના પ્રતીકના દાવા અંગે કાનૂની લડાઈ લડી રહ્યા છે. ચૂંટણી પંચે શિવસેનાના બંને જૂથને આઠ ઓગસ્ટ સુધીમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.