Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે એ અનુસાર ગઇ કાલે શુક્રવારે રાત્રે એકનાથ શિંદેની ગુજરાતના વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત થઇ હતી અને સત્તા સમીકરણને લઇને મહત્વપૂર્ણ વાત થઇ છે.
ખાસ વાત એ છે કે ગઇ કાલે અમિત શાહ પણ વડોદરામાં જ હાજર હતા. એકનાથ શિંદે પણ ગઇ કાલે ગુવાહાટીની હોટેલમાંથી કેટલાક કલાક માટે ગાયબ થઇ ગયા હતા. શિંદે જૂથ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ દેવીના દર્શન માટે મંદિર ગયા છે. દરમિયાન દેવેન્દ્ર ફડણવીસની પણ દિલ્હી જઇ રહ્યા હોવાની ખબર સામે આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે એમણે દિલ્હી જઇને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મહારાષ્ટ્રની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. એ પછી દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈ પહોંચ્યા હતા.
હવે ખબર સામે આવી છે કે એકનાથ શિંદે ગુવાહાટીથી ગુજરાત પહોંચ્યા હતા અને દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાત પહોંચ્યા હતા. આ બંને નેતાઓ વચ્ચે સત્તાના સમીકરણને લઇને ચર્ચા થઇ હતી. એમ પણ કહેવાય રહ્યું છે કે ગઇ કાલે અમિત શાહ પણ ગુજરાતમાં જ હાજર હતા. કહેવાય રહ્યું છે કે શિંદે ચાર્ટડ પ્લેનથી ગુજરાતના વડોદરા ગયા હતા અને વહેલી સવારે પરત હોટેલમાં ફર્યા હતા.