૨૬ દિવસમાં છ દિલ્હી મુલાકાત: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના લેખાં-જોખાં

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા બાદ એકનાથ શિંદે બુધવાર સુધીમાં કુલ પાંચ વખત દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. તેની સામે અંદાજે એક મહિનાના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળમાં પાંચ વખત કેબિનેટની બેઠક બોલાવી છે અને તેમાં આઠ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
રાજ્યમાં શિંદે સરકાર સત્તામાં આવ્યા બાદ આઠમી જુલાઈના રોજ પહેલી વખત મુખ્ય પ્રધાન તરીકે દિલ્હીમાં ગયા હતા અને ત્યારબાદ રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારંભ સહિત કુલ ચાર વખત દિલ્હી ગયા હતા. બુધવારે તેઓ મુખ્ય પ્રધાન તરીકે પાંચમી વખત દિલ્હી પહોંચ્યા છે અને આ મુલાકાતમાં મહારાષ્ટ્ર કેબિનેટના વિસ્તરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે.
મુખ્ય પ્રધાનના કાર્યકાળમાં એકનાથ શિંદેએ પાંચ કેબિનેટની બેઠકો બોલાવી હતી અને તેમાં આઠ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાંથી અનેક નિર્ણયો એવા હતા, જેમાં ફડણવીસ સરકારના કાર્યકાળમાં મંજૂરી આપવામાં આવી હતી અને ઉદ્ધવ ઠાકરેની સરકારે તેમાં ફેરફાર કર્યા હતા અથવા તો સ્થગિતી આપી હતી.
ક્યા આઠ મહત્ત્વના નિર્ણય?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત પ્રિય બૂલેટ ટ્રેન પ્રોજેક્ટને મહાવિકાસ આઘાડી સરકારે સત્તા પર આવ્યા બાદ અભેરાઈ પર ચડાવી દીધો હતો અને ભૂમિ અધિગ્રહણ સહિત અનેક કામો રખડી પડ્યા હતા. શિંદે સરકારે સત્તા પર આવ્યા બાદ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવેના બીકેસીમાં પ્રસ્તાવિત અંડર ગ્રાઉન્ડ સ્ટેશન માટેના ટેન્ડર બહાર પાડ્યા હતા.
શિંદે સરકાર સત્તા પર આવ્યાના ૨૪ કલાકની અંદર આરેમાં કારશેડ બાંધવાના નિર્ણય પર મહાવિકાસ સરકાર દ્વારા લાદવામાં આવેલી સ્થગિતી ઉઠાવી લેવામાં આવી હતી. અઢી વર્ષથી મેટ્રોના કારશેડ માટે નવી જગ્યાની શોધખોળ ચાલી રહી હતી અને તેને કારણે પ્રોજેક્ટને વિલંબ થઈ રહ્યો હતો. હવે ફરી આરેમાં જ કારશેડ બનાવવાને મંજૂરી આપવામાં આવી છે.
મેટ્રો-૩ના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી વધુ એક વખત અશ્ર્વિની ભીડેને સોંપવામાં આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી સરકારે સત્તામાં આવતાં જ અશ્ર્વિની ભીડેની બદલી કરી નાખી હતી અને તેમને સ્થાને રણજિતસિંહ દેઓલની નિયુક્તિ કરી હતી. થોડા સમય બાદ આ પદે શ્રીનિવાસની નિયુક્તિ કરવામાં આવી હતી. હવે ફરીથી અશ્ર્વિની ભીડેના હાથમાં કારભાર આવતાં મેટ્રોની ગતિ વધવાની શક્યતા છે.
ફોન ટેપિંગનો કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો. આઈપીએસ રશ્મી શુક્લાએ ૨૦૧૯માં વિપક્ષી નેતાઓના ફોન ગેરકાયદે ટેપ કર્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. ત્યારે તેઓ એસઆઈડીના પ્રમુખ હતા. આ પ્રકરણે મહાવિકાસ આઘાડી સરકારે તેમના પર ગુનો દાખલ કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ પોતાની છેલ્લી કેબિનેટની બેઠકમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરના નામ બદલીને સંભાજીનગર અને ધારાશિવ કરવાનો નિર્ણય લીધો હતો, આ નિર્ણય નિયમોને આધીન ન હોવાથી રદ થવાની શક્યતા હતી અને તેથી શિંદે સરકારે ફરી એક વખત બંને શહેરોના નામ બદલવાનો નિર્ણય લીધો હતો.
ભાજપના ભૂતપૂર્વ નેતા ગિરીશ મહાજને બળજબરી, દમદાટી કરીને શિક્ષણ સંસ્થા તાબામાં લેવા માટે કેટલાક લોકો પર દબાણ લાવ્યા હોવાની ફરિયાદ પર પુણેમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જળગાંવમાંથી કેટલાક લોકોની આ પ્રકરણે અટક પણ કરવામાં આવી હતી. આ પ્રકરણની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે.
છેલ્લા બે વર્ષથી રાજ્યમાં કોરોનાને કારણે ઉત્સવોની ઉજવણી પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. શિંદે સરકારે ઉત્સવોની ઉજવણી પર રહેલા બધા જ નિયંત્રણો ઉઠાવી લેવાનો મોટો નિર્ણય લીધો હતો અને તેને કારણે આ વર્ષે ઉત્સાહભેર તહેવારોની ઉજવણી થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮ રાજ્યોન મુખ્ય પ્રધાનોની બેઠક બોલાવી હતી અને તેમાં ગતિશક્તી, હર ઘર જળ જેવી યોજનાઓ અમલમાં મૂકવાની હાકલ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ રાજ્યમાં અમલી બનાવવાનો મહત્ત્વપુર્ણ નિર્ણય શિંદે સરકારે લીધો હતો.

બુધવારની કેબિનેટમાં લેવાયા ૧૪ નિર્ણયો
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટની બુધવારે સવારે આયોજિત બેઠકમાં ૧૪ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોમાં રાજ્યમાં વીજ વિતરણ યંત્રણાને સુધારીને ગ્રાહકોને સ્માર્ટ અને પ્રીપેઈડ મીટર ઉપલબ્ધ કરાવવા, મહાવિતરણ અને બેસ્ટ ઉપક્રમ દ્વારા વિતરણને સુધારવાની યોજનાને મંજૂરી.
જળસિંચાઈ યોજનામાં ખેડૂતોને વીજ દરમાં સવલત આપતી વખતે લોડને ધ્યાનમાં ન લેવાને મંજૂરી આપવામાં આવી હતી.
નીચલી અદાલતોના નિવૃત ન્યાય અધિકારીઓના તબીબી ખર્ચની ભરપાઈ કરવાને મંજૂરી અપાઈ.
લો એન્ડ જ્યુડિશરી ડિપાર્ટમેન્ટનમાં સહસચિવ પદનું નિર્માણ કરવામાં આવ્યું.
લોણાર સરોવરના જતન, સંવર્ધન તેમ જ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી અપાઈ.
૧૫ સરકારી તબીબી કોલેજમાં વધેલી ૫૦ વધારાની જગ્યામાં રાજ્યના હિસ્સાને માન્યતા આપવામાં આવી.
રાજ્યમાં કાયમી ધોરણે વિના અનુદાનિત તત્વ પર ત્રણ નવી કોલેજો સ્થાપવાને મંજૂરી અપાઈ.
બ્રહ્મગવાણ સિંચાઈ યોજનાના ૮૯૦.૬૪ કરોડના સુધારિત ખર્ચ અંદાજને માન્યતા અપાઈ.
જળગાંવ જિલ્લામાં વાઘુર પ્રોજેક્ટને ૨,૨૮૮.૩૧ કરોડના ખર્ચને સુધારિત માન્યતા અપાઈ.
થાણે જિલ્લામાં આવેલા ભાતસા બંધના પ્રોજેક્ટને ૧,૪૯૧.૯૫ કરોડના ખર્ચની સુધારિત માન્યતા અપાઈ.
હિંગોલી જિલ્લામાં સ્વ. બાળ ઠાકરે હળદર સંશોધન અને પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપવાને મંજૂરી આપવામાં આવી.
ખેડૂતોને ૨૦૧૦થી પ્રોત્સાહનપર યોજના લાગુ કરવામાં આવી અને તેમાં પૂર અને અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને પણ ફાયદો થશે.
ગ્રામીણ વિસ્તારના ભૂમીહીન ખેડૂતોને જગ્યા આપવા માટે વિવિધ સવલત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
રાજકીય અને સામાજિક આંદોલનમાં સહભાગી થનારાઓ સામે માર્ચ-૨૦૨૨ સુધીમાં નોંધવામાં આવેલા બધા ગુના પાછા ખેંચવાનો મહત્ત્વપુર્ણ નિર્ણય લેવાયો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.