મુંબઈ: મહારાષ્ટ્રમાં તત્કાલીન
મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકારના ગઠનમાં જેટલી શિવસેના, એનસીપી અને કોંગ્રેસે બેઠકો નહિ કરી હોય તેનાથી દસ ગણી વધારે બેઠકો આ સરકારને તોડવા માટે હાલના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને હાલના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે મીટિંગ યોજાઇ હતી. આ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે દાવો કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસનાં આદેશથી શિવસેના અને ભાજપ એકસાથે ઉસ્માનાબાદમાં આવ્યા હતા અને અહીંથી શિવેસેનાનાં વિધાનસભ્યોને મનાવવાનાં શ્રી ગણેશ થયા હતા. આરોગ્ય પ્રધાને દાવો કર્યો હતો કે અહીંયાથી શિવસેના સામે બળવો કરીને સરકાર બદલવાના મંડાણ થયા હતા અને તેનો આદેશ ફડણવીસે આપ્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્યમાં જુન, ૨૦૨૨માં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ સરકાર સામે બળવો કરીને એકનાથ શિંદેએ ભાજપનાં ટેકાથી નવી સરકાર બનાવી હતી. અને તેની શરૂઆત અહીં એટલે ઉસ્માનાબાદથી થઈ હતી. અહીંયા સૌથી પહેલા શિદે અને ફડણવીસે બેઠક યોજી હતી. મેં અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્વવ ઠાકરે સરકાર (એમવીએ)ને તોડવા માટે ૧૦૦-૧૫૦ બેઠક યોજી હતી. અલબત્ત, શિવસેના અને ભાજપ સાથે રહીને જિલ્લા પરિષદમાં એકસાથે આવ્યા અને બાકી બધી કામગીરી અહીંથી શરૂ થઈ હતી. એમવીએ સરકારના પતનની સાથે સાથે શિવસેનાના વિધાનસભ્યોને મનાવવા માટે લગભગ ૧૦૦થી ૧૫૦ બેઠક યોજી હોવાનો સાવંતે દાવો કર્યો હતો.
સૌથી પહેલા પોતે ઉદ્વવ ઠાકરેથી નારાજ હતા અને તેના અંગે ફોડ પાડતા કહ્યું હતું કે ૨૦૧૯માં મને ઉદ્વવ ઠાકરેએ કેબિનેટમાં જગ્યા આપી નહોતી, તેથી તેમના પ્રત્યે મારી નારાજગી વધી હતી ત્યાર બાદ ૨૦૨૦માં સૌથી પહેલા મેં તેમની સામે વિદ્રોહ કર્યો હતો. ત્યાર બાદ અમે ઉસ્માનાબાદ જિલ્લા પરિષદમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું. મેં એમવીએ સરકાર તોડવા માટે બે વર્ષ કામ કર્યું હતું એવો દાવો આરોગ્ય પ્રધાને કર્યો હતો.