ગાંધીજીએ જેને ત્રાવણકોરની ઝાંસીની રાણીનું બિરુદ આપ્યું તે એકમ્મા ચેરિયન

લાડકી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

ઈતિહાસ વિષયની એક એવી શિક્ષિકા જેણે શાળાની નોકરી છોડીને સ્વાધીનતા સંગ્રામમાં ઝુકાવ્યું, અંગ્રેજોને જડબાતોડ જવાબ આપીને ઈતિહાસ સર્જ્યો, ખુદ ઈતિહાસનું એક પાત્ર બની ગઈ અને છતાં ઈતિહાસમાં એની ઝાઝી નોંધ ન લેવાઈ…
એનું નામ એકમ્મા ચેરિયન. આ સાહસિક સ્ત્રીએ સત્યાગ્રહીઓના સાગર સામે બંદૂકનાં નાળચાં તાકીને ઊભેલા બ્રિટિશ સૈનિકોને નિર્ભયપણે પડકારેલા. મહાત્મા ગાંધીએ પણ તેની આ બહાદુરીને બિરદાવેલી અને એકમ્માને ‘ત્રાવણકોરની ઝાંસીની રાણી’નું બિરુદ અર્પણ કરેલું.
એકમ્માનો જન્મ ૧૪ ફેબ્રુઆરી, ૧૯૦૯ના થયો. આમ તો આ દિવસ પ્રેમીપંખીડાંઓનો ગણાય, પણ ત્રાવણકોરના કાન્જીરાપલ્લી ખાતે રહેતાં થમ્મન ચેરિયન અને અન્નમ્મા કરીપ્પાપરમ્બિલને ઘેર દેશપ્રેમીનું અવતરણ થયું. કાન્જીરાપલ્લીની સરકારી ક્ધયાશાળામાં પ્રાથમિક શિક્ષણ. પછી ચંગનચેરીની સેન્ટ જોસેફ હાઈ સ્કૂલમાં ભણતર. ત્યાર બાદ એર્નાકુલમની સેન્ટ ટેરેસા કોલેજમાં ઈતિહાસ વિષય સાથે સ્નાતક થઈ. ૧૯૩૧માં એડાક્કરાની સેન્ટ મેરીની અંગ્રેજી મધ્યમની શાળામાં શિક્ષિકા તરીકે જોડાઈ. ઝડપથી પ્રગતિનાં સોપાન સર કર્યાં અને આચાર્યા બની ગઈ. એકમ્મા છ વર્ષ સુધી આ શિક્ષણસંસ્થા સાથે જોડાયેલી રહી.
સ્થાયી નોકરી અને ઝળહળતી કારકિર્દી. કોઈ માથાકૂટ નહીં. એકમ્માનું જીવન સરળતાથી ઝરણાની જેમ વહી રહેલું, છતાં કાંઈક ખૂટતું હતું. જાણે ગોળ વિનાનો કંસાર. એ દિવસોમાં માતૃભૂમિ ગુલામીની બેડીઓમાં બંધાયેલી હતી. એકમ્માના મનમાં રાષ્ટ્રને આઝાદી અપાવવા શું કરવું તેના વિચારો ઘોળાયા કરતા.
દરમિયાન, આઝાદીના આંદોલનના ભાગરૂપે ફેબ્રુઆરી, ૧૯૩૮માં ત્રાવણકોર સ્ટેટ કોંગ્રેસની સ્થાપના થઈ. એકમ્માએ શાળાની નોકરી છોડી દીધી. સીધો રસ્તો છોડીને કપરાં ચઢાણ ચડવાનું નક્કી કર્યું. ત્રાવણકોર સ્ટેટ કોંગ્રેસમાં જોડાઈ ગઈ. ત્રાવણકોરની પ્રજાએ સ્ટેટ કોંગ્રેસની આગેવાનીમાં જવાબદાર સરકાર માટે આંદોલન કર્યું. ત્રાવણકોરના મહારાજા ચીતિરા તીરુનલ છંછેડાયા. તેમના આદેશથી દીવાન સી. પી. રામાસ્વામી ઐયરે ૨૬ ઓગસ્ટ, ૧૯૩૮ના રોજ ત્રાવણકોર સ્ટેટ કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી દીધો. પ્રતિબંધને પગલે પહેલી જ વાર નાગરિક અસહકારની ચળવળ શરૂ થઈ. આ ચળવળને ડામી દેવા કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. પ્રમુખને પોતાનો અનુગામી નિયુક્ત કરવાની સત્તા મળેલી. એટલે પ્રમુખો પકડાતા રહ્યા અને અનુગામીઓ નિયુક્ત થતા ગયા. એક પછી એક દસ પ્રમુખોની ધરપકડ થઈ. અસહકાર આંદોલન તૂટી પડવાની અણીએ આવીને ઊભું રહ્યું. એવામાં અગિયારમા પ્રમુખ કુટ્ટનાદ રામકૃષ્ણ પિલ્લાએ ધરપકડ વહોરતાં પહેલાં એકમ્મા ચેરિયનને અનુગામી બનાવી. એ સમયે એકમ્માની ઉંમર ૨૯ વર્ષની. કુમળો ખભો, કઠોર જવાબદારી. પોતાની આત્મકથા ‘જીવન એક સંઘર્ષ છે’માં એકમ્માએ નોંધ્યું છે, ‘મને જે કામગીરી સોંપવામાં આવેલી તેની ગંભીરતા, તેનાં જોખમો અને તેનાં પરિણામો અંગે હું સારી પેઠે જાણતી હતી, છતાં મેં એ જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી.’ સાહસી એકમ્માના નેતૃત્વમાં ચળવળને નવું જોમ મળ્યું.
એકમ્માના નેતૃત્વમાં કોંગ્રેસે ખૂણે ખૂણેથી યુવાનોને એકઠા કર્યા. જુદી જુદી ટુકડીઓ બનાવવામાં આવી. એકમ્માએ કોંગ્રેસના કેદ કરાયેલા નેતાઓને છોડાવવા દીવાન પર દબાણ લાવવા મહારેલીનું આયોજન કર્યું. રવિવાર, ૨૩ ઓક્ટોબર, ૧૯૩૮ના મહારાજાની જન્મદિનની ઉજવણીના સમયે જ રેલી કાઢવાનો નિર્ણય લેવાયો.
એ દિવસે પરોઢિયેથી જ માનવમહેરામણ ઊમટ્યો. વીસેક હજારની માનવમેદની એકઠી થઈ. શ્ર્વેત ખાદીનાં વસ્ત્ર અને શ્ર્વેત ગાંધી ટોપીમાં માનવસાગર રસ્તા પર ઘૂઘવવા માંડ્યો. હવામાં ‘મહાત્મા ગાંધીની જય’ અને ‘સ્ટેટ કોંગ્રેસની જય’ના નારા ગુંજવા લાગ્યા. એકમ્માના નેતૃત્વમાં જનમેદની કોડિયાર મહેલ તરફ આગેકૂચ કરવા માંડી. સ્ટેટ કોંગ્રેસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની અને નેતાઓની મુક્તિની માગ સાથે મેદની આગળ વધતી રહી. આ ઐતિહાસિક સરઘસ અંગે ઈ. એમ. કવૂર નામના લેખકે નોંધ્યા અનુસાર, સેંકડો નહીં, પણ હજારોની સંખ્યામાં સફેદ ખાદીના ઝભ્ભા અને એથીયે ઊજળી ગાંધી ટોપી પહેરેલા માણસો દરિયાનાં ઊછળતાં મોજાંની જેમ ધસમસતા આગળ વધતા હતા. દેવી દુર્ગાની જેમ અન્યાયી અને અત્યાચારીઓને પોતાના પગ તળે કચડતી હોય તેમ ખુલ્લી જીપમાં ઊભેલી, શ્ર્વેત ખાદીનું વસ્ત્ર અને ગાંધી ટોપી ધારણ કરેલી, પ્રભાવશાળી એકમ્મા ચેરિયન આ સફેદ સમુદ્રનું નેતૃત્વ કરી રહી હતી. પવનમાં લહેરાતા તેના વાળ એવો આભાસ ઉત્પન્ન કરતા હતા જાણે આપખુદશાહીના વિરોધમાં ફરકાવેલા કાળા વાવટા!
બ્રિટિશ પોલીસવડાએ મહારેલીને રોકવા ગોળીબારનો આદેશ આપ્યો. એ સાથે એકમ્માએ બુલંદીથી ગર્જના કરી: હું છું નેતા. આ રેલીની આગેવાન. તમે બીજાઓને ગોળી મારો એ પહેલાં મને વીંધી નાખો. એકમ્મા જેવી એક સ્ત્રીના રણટંકારથી ચકિત થયેલા બ્રિટિશ પોલીસવડાએ આદેશ પાછો ખેંચી લેવો પડ્યો. પરિણામે સામૂહિક સંહારની દુર્ઘટના ટળી ગઈ. મહારાજાએ તમામ શરતો સ્વીકારવી પડી. કોંગ્રેસના નેતાઓને મુક્ત કર્યા. સ્ટેટ કોંગ્રેસ પરનો પ્રતિબંધ પણ ઉઠાવી લીધો. એકમ્માના આ અપ્રતિમ સાહસની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ. ખુદ ગાંધીજીએ પણ તેની નોંધ લીધી. તેમણે તેને ‘ત્રાવણકોરની ઝાંસીની રાણી’નું બિરુદ આપ્યું. આ બિરુદ મળ્યા પછી એકમ્મા બમણા જોરથી કામે વળી. ઓક્ટોબર, ૧૯૩૮માં સ્ટેટ કોંગ્રેસની કાર્યવાહક સમિતિના નિર્દેશ પ્રમાણે એકમ્માએ દેશસેવિકા સંઘની સ્થાપના કરી. વધુ ને વધુ સ્ત્રીઓને દેશસેવિકા સંઘમાં જોડાવાની હાકલ કરી. મહેનતનું ફળ મળ્યું. બહોળી સંખ્યામાં સ્ત્રીઓ દેશસેવિકા સંઘમાં જોડાઈ.
એકમ્માની પ્રવૃત્તિઓ અંગ્રેજ સરકારની આંખમાં કણું બનીને ખટકતી. તેઓ એકમ્મા પર ટાંપીને નજર રાખી રહેલા. એની ધરપકડ કરવાનો મોકો શોધી રહેલા. દરમિયાન સ્ટેટ કોંગ્રેસના વાર્ષિક સંમેલનમાં એકમ્મા અને તેની બહેન રોસમ્માએ ભાગ લીધો. અંગ્રેજોને મોકો મળી ગયો. તેમણે ૨૪ ડિસેમ્બર, ૧૯૩૯ના બંને બહેનોની ધરપકડ કરી. એક વર્ષ સુધી કારાવાસમાં ધકેલી દીધી.
જેલવાસ જોકે એકમ્માનું મનોબળ તોડી ન શક્યો. જેલમાંથી વધુ મજબૂત બનીને બહાર આવી. દેશની આઝાદી માટે એ અંગ્રેજો વિરુદ્ધ સતત લડતી રહી. ૧૯૪૨ની ‘હિન્દ છોડો લડત’ને એકમ્માએ પૂરેપૂરો ટેકો આપ્યો. અંગ્રેજ સરકારને ફરી એની ધરપકડ કરવા માટેનું બહાનું મળી ગયું. એકમ્મા પાછી જેલમાં.
એકમ્મા ઘડીકમાં જેલની અંદર. ઘડીકમાં જેલની બહાર. આ ક્રમ ચાલતો રહ્યો. આખરે ૧૯૪૭માં દેશ આઝાદ થયો, પણ એકમ્માનું મિશન હજુ પૂરું થયું નહોતું. ત્રાવણકોરના દીવાન સ્વતંત્ર રાજ્ય ઝંખતા હતા. એકમ્માએ એનો ઘોર વિરોધ કર્યો. એણે ત્રાવણકોર ભારતમાં ભળી જાય એ માટે પ્રયાસો આદર્યા. પરિણામે એણે અનેક વાર ધરપકડ વહોરવી પડી, પણ સંકટભરી જિંદગીથી એ હારનારી નહોતી અને સાગર ડુબાડી દે એવો કિનારો પણ નહોતી. એકમ્મા ન થાકી, ન હારી. તેની પ્રચંડ દેશભક્તિ અને લડાયક મિજાજને કારણે એકમ્મા અત્યંત લોકપ્રિય ચહેરો બની ગઈ, એથી જ એ ત્રાવણકોર વિધાનસભામાં બિનહરીફ ચૂંટાઈ આવી. રાજકારણમાં કાર્યરત એકમ્મા ચેરિયન સામાજિક સુધારા માટે હંમેશાં સક્રિય રહી. ખાસ કરીને શિક્ષણ અને સાક્ષરતાના ક્ષેત્રમાં. તે ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવતી. અન્યાયનો, ચાહે તે કોઈ પણ સ્વરૂપે હોય, તેનો કટ્ટર વિરોધ કરતી. પોતાની આત્મકથામાં એકમ્માએ લખ્યું છે: ‘શેક્સપિયરે કહ્યું છે કે દુનિયા એક રંગમંચ છે અને પ્રત્યેક સ્ત્રીપુરુષ તેમાં પાત્ર કે કલાકાર છે, પણ મારી
દૃષ્ટિએ જીવન લાંબા ગાળાનો વિરોધ છે – રૂઢિચુસ્તતાનો, અર્થહીન ક્રિયાકાંડનો, સામાજિક અન્યાયનો, જાતિગત ભેદભાવનો વિરોધ, પ્રત્યેક અપ્રામાણિકતાનો વિરોધ.’
આવા ક્રાંતિકારી વિચારો ધરાવતી એકમ્મા ૫ મે, ૧૯૮૨ના મૃત્યુ પામી. આ સાહસિક સ્ત્રીને અંજલિ આપતાં એટલું જરૂર કહી શકાય કે તે માત્ર બહાદુરી દાખવવામાં જ વીરાંગના નહોતી, વૈચારિક રીતે પણ વીરાંગના જ હતી!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.