શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
બહુ દિવસ થયા કમ્બખ્ત આ દેશમાં કોઈ મહાપુરુષનો પેદા જ નથી થયો. અત્યાર સુધીમાં તો થઈ જવો જોઈતો હતો. આ દેશની આબોહવા અને માટી જ એવી છે કે અહીં રાતોરાત મહાપુરુષો પેદા થઈ જાય. કયો માણસ ક્યાંથી મહાપુરુષ થઈ જાય અને ક્યારે મહાન થઈ જાય એનું કહીં ના કહેવાય. પણ આપણા દેશમાં એક મહાપુરુષ હોના હી ચ મંગતા! થવો એટલે થવો જ જોઈએ. મા કસમ, જોઈએ જ! આ દેશની પબ્લિકને એક મહાપુરુષની બહુ જરૂરિયાત છે અને એક સમયે અડધો ડઝન મહાપુરુષો પેદા થઈ જશે તો પણ ચાલશે! આ દેશમાં મહાપુરુષ ખપે જ ખપે. કારણ કે દેશમાં મહાપુરુષની ડિમાન્ડ સતત છે. અહીંયાની જનતા મહાપુરુષ માગે છે કે, ‘લાવો, લાવો, મહાપુરુષ લાવો!’ ૧૪૦ કરોડના દેશમાં દરેક દસ કરોડે એક મહાપુરુષ પણ પેદા થાય તોય ઘણું છે.
પણ સાલું અહીંયા આજકાલ કોઈ મહાન જનમતું જ નથી! અમને ઘણીવાર થયું કે અમે જ બની જઈએ મહાપુરુષ. પણ આ ધંધોયે સાલો આપણને ફાવતો નથી! મહાપુરુષ બનવા માટે એક જાતની ખાસ દોડ-ધામ કરવી પડે. આજે અહિંયા તો કાલે ત્યાં. ફોકટમાં ધક્કા ખાવ. અને અહીંયાં પાછું મહાપુરુષ બનવું એટલે એક જાતની લુકમાની હકીમની જાદૂઇ દવા! ગમે તે વાત હોય જનતા તરત મહાપુરુષને પૂછે કે, ‘બોલો સાહેબ, હવે તમારે આના વિશે શું કહેવું છે?’ જનતાને લાંબો સમય ચૂપ રાખી શકાય નહીં. એમાં બહુ મગજમારી હોય છે.
પાછી જનતાની પોપ્યુલર ડિમાન્ડ હોય છે કે તમે વાત કરો તો બસ ઊંચી ઊંચી વાત કરો! હવે રોજ રોજ ક્યાંથી ઊંચી વાત બોલીએ? માફ કરજો, પણ સાથે એ પણ કહીશ કે જો એકવાર માણસ મહાપુરુષ બની જાય, એ ધૂળમાં લાઠી ઠોકી દેવા જેવી વાત છે. એકવાર ઘુસાડી દીધી પછી એયને મજ્જો જ મજ્જો છે! છપ્પન ભોગ ખાવા મળે અને મોટી-મોટી મર્સિડિઝવાળી સ્ત્રીઓ તમને પગે પડે. પણ આમાં દબદબો જરૂરી. તમે મહાપુરુષ બનો તો તમારો દબદબો તો હોવો જરૂરી છે! મન પર થોડો કાબૂ હોવો જોઈએ. આપણા માટે આ વાત જરા અઘરી છે. એટલે જ કહ્યું ને કે મારાથી મહાપુરુષ બની શકાય નહીં. અને આ પાછું બધું હું, પ્રયત્ન કર્યા પછી જ કહું છું!
દેશમાં આઝાદી આવી ગઈ પણ નસીબ તો જુઓ કે અંગ્રેજોના સમયમાં દેશમાં કેટલાય મહાપુરુષોનો જન્મ થયો. જ્યાં જુઓ ત્યાં મહાપુરુષ! આઝાદી મળી ગઈ ત્યારે વિચાર્યું કે ચાલો હવે તો દેશમાં અનેક તાજા મહાપુરુષો જન્મ લેશે. નવા તો આવ્યા નહીં પણ પહેલાના જૂના જે હતા એ પણ ઓછા થઈ ગયા છે. આ બાજુ જનતા કહે છે કે અમને એક નવો મહાપુરુષ તો જોઈએ જ, ફકત નેતાથી કામ નહીં ચાલે. અમને ડાલડા ઘી જેવા નકલી નેતા નથી જોતાં, પણ શુદ્ધ ઘી જેવા દેખાડો જે ઊંચી વાત કરે. નેતાઓ કહે છે કે અમે મહાપુરુષ છીએ પણ જનતાએ ચોખ્ખી ના પાડી દીધી છે, ‘નો, નો! અહીંયા તો શુદ્ધ જ જોઈએ!’ જો અમને શુદ્ધ મહાપુરુષ નહીં આપો તો, અમે ચંપલ ફેંકીશું, ઈંડા ફેંકીશું. પણ સાહેબ, હવે કરીએ શું? મહાપુરુષ હોય તો હાજર કરીએ ને! ના હોય તો ક્યાંથી લાવશું? આજકાલ તો બ્લેકમાં પણ મહાપુરુષ નથી મળતા.
સાહેબ, એક વાત તો હું તમને જણાવીશ કે જે પણ મહાપુરુષ આ દેશમાં હશે એ દેશવાસી હોવો જોઈએ. પાક્કો દેશી, ધોતીબાજ. અહીંયા શર્ટ-પેન્ટવાળો મહાપુરુષ ચાલશે જ નહીં. જનતાને પોતાની તરફ આકર્ષે એવો હોવો જોઈએ. એનો પહેરવેશ એકદમ સાદા કપડાનો હશે તો જનતા કહેશે કે, ‘આ માણસ ફકીર તબિયતનો આપણા જેવો જ છે, એટલે છેતરશે નહીં!’ પૈસાવાળા લોકો એવું વિચારશે કે આવા ફકીર માણસને પૈસા આપવાથી કોઈ નુકસાન નથી જવાનું કારણ કે એ પૈસા ખાઈ નહીં જાય. થોડા ઘણા ખાશે તો પણ નુકસાન નથી કારણ કે એવું છે ને મહાપુરુષથી હંમેશાં મોટો ફાયદો થતો હોય છે. એક વાત કહું, મહાપુરુષ હોવાના કારણે અપર ક્લાસ કે હાઈ ક્લાસના લોકોને બહુ ફાયદો થતો હોય છે. હવે જેમ કે મજૂરોએ હડતાલ કરી તો લોકો હેરાન થઈ ગયા. હવે આવા સમયે જો કોઈ મહાપુરુષ હોય, તો શું કહેશે? ‘કહેશે કે ભાઈઓ જરા શાંતિથી રહો અને પ્રેમ રાખો.
આ એકબીજા સાથે લડાઈ-ઝગડો બેકારની વાત છે. ત્યાગની ભાવના રાખો, કર્મ કરો અને ખુશ રહો. પેલું શું બોલે છે, ‘કર્મણ્યેવાધિકારસ્તે..’, એવું જાણે કશુંક તો બોલે છે…તો કર્મ કરો અને
પૈસાનો લોભ ના કરો! જીવન, ચાર દિવસનો મેળો છે, અરે! કાલે ઊઠીને મરી જઈશું, એટલે તું ભગવાનનું નામ લે. આ હડતાલબાજીમાં શું પડ્યો છે?’ પછી જો અસલી મહાપુરુષ હશે ને, તો લગે હાથ ચાર ગાળો પૈસાવાળાઓને ઠોકી પણ દેશે કે “તું શોષણ દેશનો દુશ્મન છે, હવેલી બાંધીને બેઠો છે, ગરીબ લોકોનું ધ્યાન નથી રાખતો વગેરે વગેરે કહેશે. પણ પૈસાવાળા આ વાતને મગજ પર લેશે નહીં. સાહેબ, મહાપુરુષની વાતને કોઈ મગજ પર લેતું નથી, એની જ તો મજા છે!
મહાપુરુષ લોકો શું કહેતા હોય છે કે સાચું બોલો અને પ્રેમ રાખો. હવે તમે જ કહો કે સાચું બોલીશું તો પ્રેમ કેવી રીતે થશે? અરે પ્રેમ જો કરવો હશે તો થોડું ઘણું જુઠું તો બોલવું જ પડશેને? જેમ કે તમે તમારી પત્નીને કહી દો કે, ‘તારો ચહેરો સુંદર નથી!’ તમે તો જે વાત સાચી હતી એ જ કહી. હવે શું એની સાથે પ્રેમ કરી શકાશે? હાથ પણ નહીં લગાવવા દે.પણ સાહેબ! મહાપુરુષ કહે છે કે સાચું બોલો અને પ્રેમ રાખો. તમે જ કહો! શું આ બેઉ એક સાથે થઈ શકે?
પણ આ જે સામાન્ય લોકો છે, એમના માટે તો મહાપુરુષ જે કહે એ પથ્થરની લકીર. એ કંઈ પણ બોલે. જેમ કે એ થોડું ગાંડુઘેલું પણ બોલી જાય, તોયે લોકો કહેશે વાહ, બહુ મહાન માણસ છે. આમેય બોલવાથી કશું થવાનું તો છે નહીં. બસ ખાલી શબ્દોની રમત છે, પણ આત્માને શાંતિ મળે છે. આખા દેશના આત્માને શાંતિ થાય છે. પછી તમે જો વિદેશમાં દબદબો જમાવો, તો આખી દુનિયા વિચારશે કે કેટલો મહાન દેશ છે! જ્યાં દર પાંચ-દસ વર્ષે આવા મહાપુરુષો જન્મે છે. બીજી તરફ વિદેશમાં તો સો વર્ષમાં જો એક પણ મહાપુરુષ થઈ જાય ને, તોયે નસીબની વાત કહેવાય. એ લોકો બિચારા તો મહાપુરુષ વગર પણ કામ ચલાવી લે છે, પણ આપણા લોકોને કમસેકમ એક મહાપુરુષ તો જોઈએ જ!
મહાપુરુષ મરી જાય તોયે કોઈ નુકસાન નહીં થાય. એનું નામ લઈને કામ ચાલી જાય છે. ઢોરનું ચામડું પછીથી ચંપલ બનાવવાના કામમાં આવે છે. મહાપુરુષની બાબતમાં પણ એવું જ છે. એમના ગયા પાછી પણ એના નામની બોલબાલા હોય છે. છોકરાઓના અભ્યાસક્રમોમાં સામેલ કરાવાઇને.
જે પણ કહો, હોવો તો જોઈએ જ. દેશને બોર કરવા એક મહાપુરુષ તો હોવો જોઈએને! આ ભાવ વધારો, ભ્રષ્ટાચાર બધું ખતમ થઈ જશે! પણ મહાપુરુષ ક્યાંથી કાઢીશું?
શું છે કે આપણને ફાવતું નથી નહીંતર આપણે પણ બની જતે મહાપુરુષ!