અમે ઘરે બેસીને ફેસબુક લાઈવ કરવાના નથીઃ ભૂતપૂર્વ સીએમની કાઢી ઝાટકણી
મુંબઈઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બહુમતીથી થયેલા વિજય પછી વિપક્ષને એક કરવાની કવાયત ચાલી રહી છે તેમ જ કેન્દ્રના વટહુકમ સામે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઉદ્ધવ ઠાકરેએ સર્પોટ આપવાના અહેવાલ વચ્ચે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આ મુદ્દે સૌથી પહેલી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મોદી સરકારના સપોર્ટમાં મોટું નિવેદન આપ્યું છે.
2019માં તમામ વિપક્ષ એકસાથે આવ્યા હતા. લોકશાહીમાં એકબીજાને મળવું અને એકબીજાની સાથે આવવું એ બધાનો અધિકાર છે, પરંતુ તેનું પરિણામ પહેલું શું આવ્યું હતું? અમને બધાને એનો અનુભવ થયો છે. 2014ની તુલનામાં ભાજપ 2019માં સીટ જીત્યું હતું. 2024માં બધા પત્તાના માફક બધા ઉડી જશે. એકલા મોદી બધાને ભારે પડશે અને એમના નેતૃત્વમાં રેકોર્ડ બ્રેક જીત કરીને અમે બતાવીશું, એમ વિશ્વાસપૂર્વક તેમણે જણાવ્યું હતું.
સીએમ શિંદેએ કહ્યું હતું કે પીએમ મોદીજીનું કામ જ બોલે છે. એકલા મોદી બધા પર ભારે છે. તેમના કામના કારણે તેઓ દરેક પર ભારે સાબિત થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરવાનું કામ તેમણે કર્યું છે. અન્ય દેશોની અર્થવ્યવસ્થા ઘટી રહી છે. આ સંજોગોમાં તેમણે દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. દેશ આગળ વધી રહ્યો છે. ભારત વિશ્વ લીડર બની રહ્યું છે, જેના કારણે વિરોધીઓના પેટમાં દુ:ખાવો શરૂ થઈ ગયો છે. આ બધાની જનતાના મન પર કોઈ અસર થવાની નથી. જેટલા લોકો મોદી વિરુદ્ધ બોલશે તેટલા મોદી વિરોધીઓને તેમની જગ્યા બતાવશે.
અમે ઘરે બેસીને ફેસબુક લાઇવ, ઑનલાઇન કામ કરવાના નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાના ભાષણમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતા કહ્યું હતું કે અમે ઘરે-ઘરે, ગામ-ગામ જઈને કામ કરનારા છીએ, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું. હવે વિકાસની રેલગાડી પૂરપાટ ઝડપથી ચાલી રહી છે. તમામ અવરોધો દૂર કરીને ફેંકી દીધા છે. ખેતરને નુકસાન થયું ત્યારે હું ડેમને બદલે સીધો ખેતરમાં ગયો હતો, ત્યાં દરેકની સમસ્યાઓ જાણી હતી, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
હાલમાં કલેકટર, તલાટીએ મોટા પાયે ગામડે ગામડે જવાનું શરૂ કર્યું છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને લોકો સુધી પહોંચાડવાનું કામ અધિકારીઓ કરી રહ્યા છે. જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર વિકાસના રથના બે પૈડા છે, જ્યારે આ બે પૈડા એકસરખી ગતિએ ચાલે છે ત્યારે તે ગામ, શહેર અને રાજ્યનો વિકાસ થાય છે. જ્યારથી અમે સરકાર બનાવી છે, ત્યારથી તમામ અધિકારીઓ સારું કામ કરી રહ્યા છે. હવે કલેક્ટર અને ડિવિઝનલ કમિશનરે પણ ઝડપથી કામ શરૂ કર્યું છે. તેના કારણે શું થાય છે કે સરકારી તંત્ર સક્રિય બને અને લોકોને લાભ મળે, એવું એકનાથ શિંદેએ જણાવ્યું હતું.