રંગીન ઝમાને-હકીમ રંગવાલા
વાચકો, દોસ્તો, આપણે અહીંયાં આ કોલમમાં હિન્દી ફિલ્મો અને ફિલ્મને લગતી વાતો માંડીએ છીએ, પણ આજે એક અંગ્રેજી ફિલ્મની વાત એટલા માટે મૂકીએ છીએ કે એ ફિલ્મ સાથે હિન્દી ફિલ્મ અને કલાકારો સંકળાયેલાં છે. એક વખત એવું બન્યું, એક મિત્ર ફરવા માટે મુંબઈ પહોંચ્યા અને એ વખતે કોઈ પણ કાઠિયાવાડી મુંબઈ પહોંચે એટલે ચોપાટી, પાલવા, જુહુ, બોરીવલી નેશનલ પાર્ક તો જુએ જ, પણ એ બધા ઉપરાંત એને જે ફિલ્મી અભિનેતા, અભિનેત્રી પ્રિય હોય એના ઘરને પણ જોઈ આવે અને પોતાના ગામમાં પરત આવીને જાહેરાત કરી દે કે ‘હું અમિતાભના ઘરે જઈ આવ્યો.’ હકીકતમાં તો એ અમિતાભના ઘરના ફક્ત બહારથી દર્શન જ કરી આવ્યો હોય અને એ બધા જાણતા પણ હોય જ, પણ આ જાહેરાત કર્યા પછી એ માણસ અમિતાભના સર્ટિફાઇડ ફેન તરીકે મોભો પ્રાપ્ત કરે!
અમારા મિત્ર બલરાજ સાહનીના ફેન હતા એટલે તેઓ એક દિવસ બલરાજ સાહનીના ઘરે ઘરદર્શન કરવા પહોંચી ગયા અપ ટુ ડેટ રેડી થઈને. બલરાજના ઘરના દરવાજે ઊભા રહીને તેઓ ઘરદર્શન કરી રહ્યા હતા ત્યાં જ બલરાજ પોતાના ઘરે બહારથી મોટરમાં આવ્યા અને આ ભાઈને ઊભેલા જોઈને મોટરમાંથી બહાર આવ્યા. મિત્રે પોતાની ઓળખ આપી અને બલરાજના પ્રેમી હોવાનું કહ્યું એટલે બલરાજ એમને હાથ પકડીને પોતાના ઘરમાં લઈ ગયા. મિત્રને બેસાડ્યા, ચા પીવડાવી અને ફિલ્મો અને અભિનય બાબતે ચર્ચા કરી. અભિનયની વ્યાખ્યા તમારા મતે શું છે? એવો સવાલ મિત્રએ પૂછ્યો એટલે બલરાજ પોતે ઊભા થઈ ગયા અને પોતાનો કોટ ઉતારી નાખ્યો અને શર્ટની બાયો કોણી સુધી ઊંચે ચડાવી દીધી. પછી એક રાઇટિંગ ટેબલની નજીક ગયા અને કહ્યું કે ‘આ ટેબલના ખાનામાં એક પિસ્તોલ છે અને ખાનું ઉઘાડીને હું પિસ્તોલ બહાર કાઢીશ, પણ તમારે ફક્ત મારા હાથ સામે જ જોવાનું છે, કારણ કે ફિલ્મના પરદા પર ફક્ત ટેબલ જ દેખાય છે અને એક હાથ આવીને ટેબલનું ખાનું ખોલી પિસ્તોલ બહાર કાઢે છે એવું દૃશ્ય છે.’ આમ કહ્યા પછી બલરાજે અલગ અલગ પાંચ રીતે પિસ્તોલ ટેબલના ખાનામાંથી કાઢી બતાવી. ફક્ત હાથ જ એવો અભિનય કરતો કે આ પિસ્તોલ કાઢવાનું કારણ સ્વરક્ષણ છે, આ વખતે ગુસ્સામાં આવીને કોઈને મારવા માટે હાથ ખાનું ખોલે છે, આ વખતે માણસ હતાશ થઈને આત્મહત્યા કરવા પિસ્તોલ કાઢે છે. એવી ઍક્ટિંગ કરીને પછી મિત્રને હળવાશથી કહ્યું કે ‘મારી અભિનયની વ્યાખ્યા આ છે જે મેં તમને બતાવી!’
‘સ્લીપિંગ વિથ ધ એનિમી’ એક લોકપ્રિય નીવડેલી નવલકથા જે આ જ નામની હતી એના પરથી બનેલી ફિલ્મ છે. આ નવલકથા નેન્સી પ્રાઇસની લખેલી છે. ફિલ્મ જોસેફ રુબેને ડિરેક્ટ કરેલી અને જુલિયા રોબર્ટ્સ, લોરા વિલિયમ્સ અને પછીથી નવું જીવન શરૂ કરીને સારા વોટર્સની ભૂમિકા ભજવે છે, જ્યારે પેટ્રિક બેર્જીન માર્ટિનની ભૂમિકામાં અને કેવિન એન્ડરસન બેન વુડવર્ડ બને છે.
ફિલ્મનું એક જબરદસ્ત દૃશ્ય છે જેમાં જુલિયાના એક હાથમાં ટેલિફોનનું રિસીવર છે અને બીજા હાથ વડે માર્ટિન સામે પિસ્તોલ તાકેલી છે અને ટેલિફોનમાં બોલે છે, ‘યસ, ધિસ ઈઝ સારા વોટર્સ એટ ૪૦૮ ટ્રીમોન્ટ. કમ ક્વિકલી આઈ જસ્ટ કિલ્ડ…’
જુલિયા રોબર્ટ્સની તગતગતી આંખો, રિસીવર પકડેલો હાથ અને પિસ્તોલ પકડેલો હાથ, વિખેરાઈ ગયેલા વાળ અને બોલતી વખતે ફફડતા હોઠ. સાહેબ હાથ જેવા અંગ પાસે તો અભિનય કરાવી શકાય, પણ આ સીનમાં જુલિયાના વાળ પણ અભિનય કરે છે અને જીવંત અભિનય કરે છે! શા માટે જુલિયા અધધધ ફી વસૂલ કરે છે એ આ સીનમાં સમજાઈ જાય છે, હક છે એનો ઊંચી ફી વસૂલ કરવાનો. ફિલ્મમાં પેટ્રિક અને જુલિયાની સતત હોડ રહે છે અભિનયમાં એકબીજા પર સરસાઈ મેળવવાની, પણ જુલિયા જીતે છે.
૧૯૯૧ની આ મૂવીને વિવેચકો અને ફિલ્મના રિવ્યુકારોએ નકારેલી અને એ પછી મોઢામોઢની પબ્લિસિટીથી ફિલ્મ ઊંચકાયેલી અને દર્શકોનો અઢળક પ્રેમ પ્રાપ્ત કરીને સુપરહિટ બનેલી. આ ફિલ્મ પરથી ભારતમાં પુષ્કળ ફિલ્મો બની છે. તમિળ, તેલગુ, ક્ધનડ, ઉડિયા, બાંગ્લા જેવી ભારતીય ભાષાઓમાં અને મુખ્ય ભાષા હિન્દીમાં તો ચાર ચાર ફિલ્મો બની ગઈ છે.
ડેવિડ ધવનની ડિરેક્ટ કરેલી ‘યારાના’ જેમાં જુલિયાની ભૂમિકામાં માધુરી દીક્ષિત અને અનુ મલિકનું સંગીત સાથે કવિતા કૃષ્ણમૂર્તિનું સુપરહિટ ગીત અને એ ગીતમાં માધુરીનો ડાન્સ, ‘મેરા પિયા ઘર આયા, ઓ રામજી.’
અબ્બાસ-મસ્તાને ડિરેક્ટ કરેલી ‘દરાર’ જેમાં જુહી ચાવલા જુલિયાની ભૂમિકા ભજવે છે અને અરબાઝ ખાન પેટ્રિકવાળી ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં અરબાઝને કદાચ બેસ્ટ વિલનનો એવોર્ડ મળેલો. (પાકું યાદ નથી.)
મનીષા કોઈરાલાને મુખ્ય ભૂમિકામાં લઈને ડિરેક્ટર પાર્થ ઘોષે ‘અગ્નિસાક્ષી’ નામથી ફિલ્મ બનાવેલી અને નાના પાટેકરને પેટ્રિકવાળી ભૂમિકા આપેલી. નદીમ-શ્રવણનું સંગીત અને કવિતા કૃષ્ણમૂર્તિનું ‘ઓ પિયા ઓ પિયા’ અને ‘કિતના મુશ્કિલ હે યારા દિલ લગાના’ જેવાં ગીતો.
ઠેઠ ૨૦૦૨માં આ જ ફિલ્મ પરથી વિનય શુક્લાએ એશા દેઓલને મુખ્ય ભૂમિકા આપીને આફતાબ શિવદાસાની અને પેટ્રિકવાળી ભૂમિકા સંજય કપૂરને આપીને ‘કોઈ મેરે દિલ સે પૂછે’ નામથી ફિલ્મ બનાવી કાઢી, જાણે એને થયું કે હું રહી ગયો! પણ આ ફિલ્મને તો કોઈ પૂછવા જ ન ગયું, હોં સાહેબ…