રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના એક મુખ્ય સહયોગી એલેક્જેન્ડર દુગિને કહ્યું હતું કે યુક્રેનની સાથે ચાલી રહેલું યુદ્ધ ત્યારે પૂરું થશે, જ્યારે મોસ્કો તેને જીતી લેશે અને જો એમ થશે નહીંં તો દુનિયાનો નાશ નક્કી છે, એમ એલેકજેન્ડરે એક ભારતીય ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. દુગિનને પુટિનના ગુરુ પણ કહેવાય છે.
હાલના તબક્કે બે સંભાવના છે, જેમાં મોસ્કો અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પૂરું થાય અને એ પણ મોસ્કોનો વિજય થાય, પરંતુ એ પણ સરળ નથી, જ્યારે બીજી સંભાવના એ છે કે આ લડાઈનો અંત પણ દુનિયાના અંત સાથે પૂરી થશે. કાં તો અમે જીતીશું અથવા દુનિયાનો નાશ થશે, એમ દુગિને જણાવ્યું હતું. દરમિયાન શુક્રવારે રશિયાએ યુક્રેનના મહત્ત્વના શહેર ખારકીવ પર મિસાઈલ મારફત કરેલા હુમલા પછી સમગ્ર શહેરમાં પાવર અને પાણીની તંગી સર્જાઈ હતી, જ્યારે શહેરના અનેક વિસ્તારો કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.