Homeપુરુષએંસી વર્ષે તમારે શું કરવું છે?

એંસી વર્ષે તમારે શું કરવું છે?

મજા કરવી છે કે મૃત્યુની રાહ જોવી છે?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

બે-ત્રણ દિવસ પહેલાં અમિતાભ બચ્ચન કોઈક બાઈકસવાર પાસે લિફ્ટ લઈને શૂટિંગનો પોતાનો ટાઈમ સાચવી રહ્યા છે એવી એક તસવીર વાઈરલ થઈ. એ તસવીર જોઈને અમુક બાળોતિયાના બળેલાઓ તો હેલમેટની રામાયણ લઈને બેઠા, પરંતુ આપણે વ્યક્તિગત રીતે એમાં એ બાબત ભાળી કે આજનો પુરુષ એંસી વર્ષનો થશે ત્યારે તે શું કરવા માગતો હશે? શું એને પણ અમિતાભ બચ્ચનની જેમ એંસી વર્ષે પોતાના કામમાં રમમાણ રહી, એ રીતે વ્યસ્ત, મસ્ત અને સ્વસ્થ રહેવાનું ગમશે? કે પછી, હવે તો ‘એંસી થયા! હવે શું?’ના વિચારો કરીને તે પોતાના મૃત્યુની રાહ જોશે?
એક રીતે જોવા જઈએ તો આ વિચાર રોમાંચક છે. એંસી વર્ષ સુધી આપણાથી જીવાશે કે નહીં એ ભલે નસીબનો નિર્ણય હશે. પરંતુ જો એંસી વર્ષે આપણે જીવતા હોઈશું તો શું કરવું અને જીવનને કઈ રીતે જીવવું કે માણવું એ માત્ર ને માત્ર આપણા પર જ છે. એટલે જ જો આપણે એ અભિગમ નક્કી કરવાનો હોય તો એ અભિગમની કેટલીક પૂર્વશરતો વિશે પણ જાણવું રહ્યું. આપણી એંસી વર્ષની ઉંમરે આપણે શું કરવું એ વિશેના આપણી પાસે હજાર વિકલ્પો છે, પરંતુ એ વિકલ્પોમાં પણ એક બાબત તો મહત્ત્વની છે જ કે આપણી પાસે સારું સ્વાસ્થ્ય હોવું અત્યંત જરૂરી છે. આખરે સારું સ્વાસ્થ્ય હશે તો જ તમે સારું જમી શકશો અથવા સારું ઉંઘી શકશો અથવા સારું હરીફરી શકશો કે પછી તમારે એંસી વર્ષને ઉંમરે જે કંઈ કરવું હોય એ કરી શકશો. અને એ માટેની સૌથી પહેલી શરત છે હમણાં તમે ભલે ઉંમરના કોઈ પણ પડાવ પર હો, પરંતુ તમે ખાવા-પીવામાં અત્યંત ધ્યાન રાખો, કારણ કે ખાવા-પીવાની તમારી અત્યારની આદતો એ તમારી એંસી વર્ષની ઉંમરના સ્વાસ્થ્ય પર નહીં, પરંતુ આપણા આગલા દાયકાની ઉંમરના દાયકા પર પણ અસરો કરવાની છે. અને જો આપણે ખાવા-પીવા કે વ્યસન બાબતે અમુક મર્યાદાઓ નહીં રાખી હશે એંસી તો દૂરની વાત છે ઉંમરના પચાસના દાયકામાં આપણને અનેક શારિરીક તકલીફો આવવાની.
યાદ રાખજો કે ખાવા-પીવા કે ખરાબ લાઈફ સ્ટાઈલ બાબતની અતિશ્યોક્તિ બાદ શરીરમાં કોઈ પણ પ્રકારની શારિરીક તકલીફો ઊભી થાય છે એનાથી જીવન નર્ક કરતા ખરાબ બની જાય છે, કારણ કે એક તરફ આપણે જીવતેજીવત આપણી ગમતી પ્રવૃત્તિઓ બંધ કરવી પડે, આ તો ઠીક આપણે અમુક ચોક્કસ મર્યાદામાં જીવતા થઈ જઈએ અને ત્રીજું દિવસે ને દિવસે આપણી પરાધિનતા વધતી જાય. એન્ડ ઑફ ધ ડે આ આખી સ્થિતિ ધીમે ધીમે આપણી માનસિક અવસ્થા અને આપણા એટિટ્યૂડ પર ઘેરી અસરો પાડવા માંડે છે અને એ અસરો જ પચાસ વર્ષની આપણી જિંદગીને બદ્દતર બનાવે છે.
એંસી તો શું પચાસો દાયકો પૂરો થવામાં આવે ત્યાં સુધીમાં આપણે અમુક વસ્તુઓ ખાઈ નથી શકતા, અમુક કામ કરી નથી શકતા, પગ દુ:ખે છે, કમ્મર દુ:ખે છે, પ્રેશર રહે છે કે પછી આપણે કોઈના ટેકા વિના ચાલી નથી શકતા ત્યાં એંસીની તો કંઈ રાહ જોવાય? અને એંસી સુધી જીવી પણ જઈએ તો કંઈ અમિતાભ બચ્ચન જેવી સ્ફૂર્તિથી કે કાન્તિ ભટ્ટ જેવા ઉત્સાહથી કે નગીનદાસ સંઘવી જેવા કૂતુહલથી જીવનને માણી શકાશે ખરું? જે આ ત્રણેય નામો ગણાવ્યાં એ નામોમાં બે નામો આજે આ ધરતી પર નથી, પરંતુ એ બન્ને પણ તેમની એંસીની ઉંમર તો મજામજાથી જ જીવતા હતા. પણ આવું તેઓ ત્રણેય શું કામ કરી શક્યા? કારણ કે તેમણે ઉંમરના એક પડાવ પર, જ્યારે તેમની સામે બધુ જ ધરી દેવાયેલું ત્યારે પણ એક શિસ્ત પાળી છે. જે શિસ્તને કારણે જ તેમનું શરીર અને શરીરને કારણે તેમનું મન તેમને સાથ દેતું ગયું અને તેઓ એમના વૃદ્ધત્વને અને વૃદ્ધત્વને આધારે જીવનને ઉત્સવ બનાવી શક્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -