અંબાણી પરિવારને ધમકી આપતા 8 કોલ આવ્યા, પોલીસે એક શખ્સની ધરપકડ કરી, એન્ટિલિયાની સુરક્ષામાં વધારો કરાયો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: ગત વર્ષે થયેલા બહુચર્ચિત એન્ટિલિયા(Antilia) કાંડ બાદ ફરી એકવાર દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani) અને તેમના પરિવારને ધમકી મળી છે. આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના(Reliance Foundation Hospitals)  ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા(Threat) ફોન કરવામાં આવ્યા છે. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે DB માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે(Mumbai Police) ફોન કરનાર એક શખ્સની ધરપકડ કરી છે
સૂત્રોએ આપેલી માહિતી મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના રીસેપ્સન પર ધમકીભર્યા 8 કોલ આવ્યા હતા જેને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે. ફોન કરનાર શખ્સને પકડવા માટે મુંબઈ પોલીસની 4 ટીમો તૈનાત કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં દહિસરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. એક કલાકથી ઓછા સમયમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
ધમકીભર્યા કોલની માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર ATSની ટીમ અને ક્રાઈમ બ્રાંચની ટીમ એન્ટિલિયા પહોંચી ગઈ છે. તેમજ એન્ટીલિયાની આસપાસના રસ્તાઓ પર પોલીસ જવાનો સાદા કપડામાં ફરી રહ્યા છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે ગત વર્ષે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી થોડે દૂર એક શંકાસ્પદ કાર મળી આવી હતી, જેમાં 20 જિલેટીન સ્ટિક મળી આવી હતી. એન્ટિલિયાની બહાર ઉભેલી આ સ્કોર્પિયોમાં એક પત્ર પણ મળ્યો હતો, જેમાં અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખ્યું હતું કે, “તમે અને તમારો આખો પરિવાર સંભાળીને રહેજો. તમને ઉડાવી દેવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.” તે જ સમયે મુકેશ અંબાણીની Z+ સુરક્ષા CRPFને સોંપવામાં આવી હતી અને મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને Y કેટેગરી સુરક્ષા આપવામાં આવી હતી.
આ પહેલા પણ અંબાણી પરિવારને ધમકીઓ મળી છે. વર્ષ 2013 દરમિયાન મુકેશ અંબાણીને આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન તરફથી ધમકીઓ મળી હતી, જે બાદ તત્કાલીન મનમોહન સિંહ સરકાર દ્વારા તેમને Z+ સુરક્ષા આપવામાં આવી હતી. સાથે જ તેમની પત્ની નીતા અંબાણીને પણ Y+ સુરક્ષા આપવામાં આવી હતી. મુકેશ અંબાણીના સંતાનોને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.