આતંકવાદીઓની ઘૂસણખોરી યોજનાનો આર્મીએ કર્યો પર્દાફાશ
જમ્મુ કાશ્મીરના ઉરીના હથલંગા સેક્ટરમાં લશ્કરીદળોને આતંકવાદ સામે કાર્યવાહી કરતા સૌથી મોટી સફળતા મળી છે. ગુપ્તચર એજન્સીના ઈન્પુટના આધારે સર્ચ ઓપરેશન વખતે લશ્કરીદળોને મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. ફરી એક વખત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો પર્દાફાશ થયો છે.
રવિવારે હથલંગા સેક્ટરમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ અને હથિયારની હેરાફેરીના ઈન્પુટના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. લશ્કરી દળો અને પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન શસ્ત્રો, દારુગોળો સહિત અન્ય વિસ્ફોટક સામગ્રી મળી હતી. આ ઉપરાંત, એકે-47 રાઈફલ, એની 24 મેગેઝીન અને 560 કારતૂસ, 12 ચાઈનીઝ પીસ્તોલ, 24 મેગઝીન અને 244 કારતૂસ, નવ ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ અને પાંચ પાકિસ્તાન નિર્મિત ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, દારુગોળાની સાથે 81 ફુગ્ગા મળ્યા છે, જેમાં આઈ લવ પાકિસ્તાન લખ્યું છે. પાકિસ્તાન ઝંડો પણ છે એની સાથે પાંચ પાકિસ્તાનની ગુણી મળી છે. લશ્કરી દળો અને પોલીસ પ્રશાસન દ્વારા આ અભિયાન બે કલાક ચાલ્યું હતું. આર્મીના પ્રવક્તાએ કહ્યું હતું કે આર્મી, પોલીસ અને જમ્મુ કાશ્મીરમાં કામ કરનારી વિવિધ ગુપ્તચર એન્જસીના યોગ્ય સંકલનને કારણે આતંકવાદી વિરોધી સૌથી મોટી સફળતા મળી છે.