ગુજરાતમાં વિવિધ યાયાવર પક્ષીઓનું આગમન થઇ રહ્યું છે. ત્યારે ગુજરતના પક્ષી પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. ભારતમાં પહેલી વાર ઈજિપ્શિયન ગૂઝ તાજેતરમાં કચ્છના નડાબેટ ખાતે જોવા મળ્યું હતું.
પક્ષીવિદ અને વન પૂર્વ અધિકારીના જણાવ્યા પ્રમાણે, “દેશમાં ઈજિપ્શિયન ગૂઝ દેખાયાની આ કદાચ પહેલી ઘટના છે ભારતના કોઈપણ ભાગમાં આ પક્ષીની હાજરીનો કોઈ રેકોર્ડ નથી.” આ પક્ષી આફ્રિકા ખંડમાં સહારા રણની દક્ષિણે અને નાઇલ નદીની ઘાટીઓનું વતની છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓ દ્વારા ઈજિપ્શિયન ગૂઝને પવિત્ર માનવામાં આવતું હતું. પ્રાચીન ઈજીપ્તની ઘણી કલાકૃતિઓ અને ઈમારતોમાં આ પક્ષીના ચિત્રો, મૂર્તિઓ અને કોતરણીકામ જોવા મળે છે.

એકંદરે રાખોડી રંગ, પીળાશ પડતા ભૂખરા રંગના પીછાં, આંખોની ફરતે ઘેરા રંગના ધાબા, ગુલાબી પગ આ પક્ષીના મુખ્ય લક્ષણો છે. સામાન્ય રીત આ પક્ષીઓ જોડીમાં અથવા ઝુંડમાં જૂથોમાં જોવા મળે છે. આ પક્ષી પ્રજાતિના નર અને માદા દેખાવમાં એક જેવા જ દેખાય છે પરંતુ નરનું કદ થોડું મોટું હોય છે.
વન વિભાગના અધિકારીઓના જણવ્યા પ્રમાણે આ પક્ષી સામાન્ય રીતે ઉત્તર તરફ લાંબા સમય સુધી સ્થળાંતર કરે છે. આ પક્ષી સ્થાનાંતર કરી બ્રિટન, ડેનમાર્ક, નેધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીમાં જોવા મળે છે. આ પક્ષી સામાન્ય રીતે દાણા, પાંદડા, ઘાસ ઉપરાંત તીડ અથવા અન્ય નાની જીવતો ખાય છે.