Homeઉત્સવઈજિપ્ત: ૨.૫ લાખ ડૉલર ખર્ચો અને નાગરિકત્વ મેળવો

ઈજિપ્ત: ૨.૫ લાખ ડૉલર ખર્ચો અને નાગરિકત્વ મેળવો

આરબ દેશ ઈજિપ્ત: અઢી લાખ ડૉલર વાપરવાની તૈયારી હોય તો દેશ નાગરિકતા આપવા તૈયાર છે!

ફોકસ -મુકેશ ઠક્કર

કોઈપણ દેશના નાગરિકો માટે ઈજિપ્ત સમજદારીની ત્રીજી આંખ ખોલવાની રીત દેખાડે છે. રોકડની તંગીવાળા ઈજિપ્તને તેનું વિદેશી હૂંડિયામણ વધારવાં માટે હાથ ધરવામાં આવેલ આ નવીનતમ પગલું છે. આર્થિક સમતુલા જાળવવા ડૉલરની મૂડી હોય તો વિદેશી નાગરિકને અપનાવવા, દેશના નાગરિક સુધ્ધાં બનાવવાં તૈયાર છે.
સરળ ભાષામાં ઈજિપ્ત નાગરિકતા વેચી રહ્યું છે! કેવી આર્થિક ઊથલપાથલે આરબ રાષ્ટ્રને ભયાવહ અવસ્થામાં લાવી છોડી મૂક્યું છે! વિદેશી ચલણની અછતને પહોંચી વળવા માટે, ઈજિપ્ત અમુક શરતો પર વિદેશી રોકાણકારોને નાગરિકતા ઓફર કરે છે. આરબ દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે જેણે જાન્યુઆરીમાં તેનો વાર્ષિક ફુગાવો ૨૬.૫ ટકા પર ધકેલી દીધો હતો. ફુગાવો અટકે તેવાં કોઈ સંકેત દેખાતાં નથી,બલ્કે ફુગાવો વધવાનાં અણસાર છે!
આર્થિક ઊથલપાથલથી પીડાતા, ઈજિપ્તએ એવા વિદેશી રોકાણકારોને નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે જેઓ આરબ દેશમાં ઓછામાં ઓછાં અઢી લાખ ડૉલર ખર્ચ કરે!
સત્તાવાર ગેઝેટમાં દર્શાવેલ નિયમો કહે છે કે વડા પ્રધાન મુસ્તફા મદબૌલી અરજદારોને “ઈજિપ્તની રાષ્ટ્રીયતા ઓફર કરશે જો તેઓ જાહેર ચાર માપદંડોમાંથી કોઈપણને પૂર્ણ કરશે.
વિદેશીઓ નાગરિકતા મેળવી શકે છે જો તેઓ ઈજિપ્તમાં જેની કિંમત ત્રણ લાખ ડૉલર કરતાં ઓછી ન હોય તેવી રિયલ એસ્ટેટ ખરીદે અથવા ઈજિપ્તની બેંકનાં ખાતામાં પાંચ લાખ ડૉલર જમાં કરાવે! આ ઉપરાંત પણ બે શરતો મૂકવામાં આવી છે. અન્ય બે શરતોમાં પ્રોજેક્ટમાં ઓછાંમાં ઓછાં સાડા ત્રણ લાખ ડૉલરનું રોકાણ કરવું જરૂરી ગણાશે. બીજી શરત એ છે કે દેશની જાહેર તિજોરીમાં વિદેશી ચલણમાં સીધી આવકમાં બિન-રિફંડેબલ અઢી લાખ ડૉલરની ડિપોઝિટ જમા કરાવે. રકમ પરત મળવાની નથી તે મુખ્ય શરતનો સમાવેશ થાય છે.
જેઓ પોતાનાં દેશની અર્થવ્યવસ્થા બરાબર સમજતાં નથી અથવા સમજવાં ચાહતા જ નથી તેમણે ઈજિપ્તની નાણાકીય મુશ્કેલીઓ અને કટોકટીને ઉત્તેજિત કરનારા પરિબળો પર એક નજર નાખવી જોઈએ! ઈજિપ્તની અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાંક સમયથી આંતરિક અને બાહ્ય પરિબળોને કારણે આકરો સંઘર્ષ કરી રહી છે.
ઈજિપ્તમાં એક અહેવાલ મુજબ દેશમાં વાર્ષિક ફુગાવો પાંચ વર્ષમાં સૌથી વધું છે. સંઘર્ષ પૂરો થતો નથી પણ ફેબ્રુઆરીમાં ફુગાવો વધીને ૨૬.૭ ટકાનો આંક સ્પર્શી શકે છે. આંકડા આવ્યા નથી પણ આંકલન ચિંતાજનક છે તેમાં સંદેહ નથી.
ખાદ્યપદાર્થો અને ઇંધણના ભાવમાં વધારો થયો છે, જે ઈજિપ્તવાસીઓનાં ખિસ્સા ખર્ચમાં છિદ્ર બની ગયાં છે!
૩ માર્ચના સરકારે ચોક્કસ પ્રકારનાં ગેસોલિનના દરોમાં વધારો કર્યો હતો, જેનાથી દેશભરમાં અન્ય ચીજવસ્તુઓ અને સેવાઓના દરોમાં વધારો થવાની સ્વાભાવિક ધારણા છે.
જો કે, ડીઝલની કિંમત ઈજિપ્તમાં લોકો અને માલસામાનનાં પરિવહન માટે સૌથી વધુ વપરાતું ઇંધણ તેને અડતું નથી.
દેશનાં શહેરી વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનાં ભાવ જાન્યુઆરીમાં વધીને ૪૮ ટકા થઈ ગયા હતા, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે!
કૈરોનાં સુપરમાર્કેટ્સમાં ચોખા, રસોઈ માટે તેલ, બ્રેડ અને ઇંડા જેવી મૂળભૂત ખાદ્ય ચીજોની કિંમત બમણી થઈ ગઈ છે. આંખમાં પાણી આવી જાય તેવાં ભાવોને કારણે ઘણાં લોકોને ખર્ચમાં ઘટાડો કરવો પડ્યો છે. કુટુંબ નિર્વાહ માટે જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ સમાધાન કરવું પડે છે. લોકોની વ્યથા પણ સમજવા જેવી છે તેઓ ખરીદી કરવા નીકળે ત્યારે ત્રણ કિલોગ્રામ ચોખા ખરીદવાને બદલે ફક્ત એક કિલો કે સાવ અડધા કિલો ખરીદી ઘરે આવે છે! આ પીડા એક એકાઉન્ટન્ટ અને કૈરોનાં પાડોશ શૌબ્રાનાં ત્રણ બાળકોનાં પિતા ૪૦ વર્ષીય અહેમદ હસનની છે!
નાગરિકો કહે છે “અમે અમારા ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ પણ કમનસીબે દરેક વસ્તુ પર કાપ મૂકી શકતાં નથી કારણ કે બાળકોને અમુક વસ્તુઓની જરૂર હોય છે તે પૂરી પાડવી પડે છે!
મધ્ય કૈરોનાં ઓછી આવક ધરાવતાં શાઈમા અલ-આબેદે આંસુ માંડ રોકી શક્યા કારણ કે સૌથી સસ્તો ખોરાકનો ભાવ બમણો અને ત્રણ ગણો થઈ ગયો છે. લોકો શું ખાવાનું અને કેમ મેળવવું તે મોટો સવાલ બની ગયો છે.
ઈજિપ્તની અર્થવ્યવસ્થા ભાંગી, ચલણમાં યુએસ ડૉલર સામે શ્રેણીબદ્ધ ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં ઈજિપ્તીયન પાઉન્ડ ડૉલર સામે લગભગ ૨૪ ટકા નબળો પડ્યો હતો,! જે ગયાં વર્ષનાં માર્ચ કરતાં લગભગ ૫૦ ટકાનો ઘટાડો હતો! ફેબ્રુઆરી ૨૦૨૩નાં છેવટ સુધીમાં ઈજિપ્તનું વિદેશી અનામત ૩૪.૩૫ અબજ ડૉલર હતું, જે ફેબ્રુઆરી ૨૦૨૨માં ૪૧ અબજ ડૉલર હતું.
વાત આટલે અટકતી નથી. આરબ દેશનું દેવું નાગરિકો માટે સંકટનું ધીમે ધીમે વધતું કારણ છે. આ આરબ દેશનું વિદેશી દેવું છેલ્લાં એક દાયકામાં ત્રણ ગણાથી વધુ વધીને ૧૫૭ અબજ ડૉલર થઈ ગયું છે!
આ આર્થિક સંઘર્ષો વચ્ચે યુરોપિયન બેંક ફોર રિક્ધસ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટે ફેબ્રુઆરીમાં ઈજિપ્તની આર્થિક વૃદ્ધિ આ વર્ષે ૪.૩ ટકા રહેવાની આગાહી કરી છે.
કોઈ દેશ જ્યારે નાગરિકતા વેચવાં તૈયાર થાય તે પાછળ કેટલાં ગંભીર સંદર્ભ હોય છે જે મૂળ નાગરિકોનાં માથે ભાર બની તેમની કમર બેવડી કરી નાખે છે. ભ્રષ્ટાચાર, સરકારી ગેરવહીવટ અને રાજકીય અશાંતિ જેવા અનેક આંતરિક પરિબળોએ ઈજિપ્તની આર્થિક ચિંતાઓમાં મોટી ભાગ ભજવ્યો છે.
રાષ્ટ્રપતિ અબ્દેલ-ફતાહ અલ-સીસીની સરકાર વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રીય “મેગા-પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપી રહી છે, જેમાં સુએઝ કેનાલનું વિસ્તરણ અને કૈરો નજીક ૫૦ અબજ ડૉલરનાં ખર્ચે એક સંપૂર્ણ નવું શહેર, નવી વહીવટી રાજધાની બનાવવાનો સમાવેશ થાય છે. સૈન્ય દ્વારા સંચાલિત આમાંના ઘણાં પ્રોજેક્ટ્સ પર ટીકાકારોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કારણ કે આવાં સમયે પરિકલ્પના કરવામાં આવી છે જ્યારે દેશ તેનાં ઋણનાં ભારને ઉચકવાં અને તેની વિસ્તરી રહેલી વસ્તીને અન્ન જેવી જાહેર સેવાઓ પ્રદાન કરવા માટે ઝઝૂમી રહ્યો છે!
નોંધનીય રીતે ઈજિપ્તની ૧૦૪ મિલિયન વસ્તીમાંથી લગભગ ૬૦ ટકા ગરીબી રેખાની નીચે અથવા તેની નજીક હોવાની ધારણા છે! ઈજિપ્તમાં દબંગ રાજ્ય અને લશ્કરી માલિકીનાં સાહસોએ વિદેશી રોકાણોને અટકાવ્યા છે, ખાનગી ક્ષેત્રને હતાશ કર્યું છે અને સૌથી વધુ વસ્તી ધરાવતાં આરબ રાષ્ટ્રને વિદેશી ધિરાણ પર ભારે નિર્ભર બનાવ્યું છે!
ડૉલરમાં ખરીદવામાં આવતી ઈંધણ અને ઘઉં જેવી ચીજવસ્તુઓની ઊંચી વૈશ્વિક કિંમતોને કારણે દેશનું આયાત બિલ પ્રથમ આસમાનને આંબી ગયું હતું અને તેના કારણે વિદેશી ચલણની અછત સર્જાઈ હતી.જેને લીધે ઈજિપ્તની સેન્ટ્રલ બેંકને દેશનાં વિદેશી અનામતને બચાવવા માટે નીતિઓનો આશરો લેવાં તરફ ધકેલી, આયાતને મર્યાદિત કરાવી જેણે ફુગાવાને વધુ વેગ આપ્યો.
વિશાળ પ્રોજેક્ટ્સ પર જંગી ખર્ચ,તદ્દન બિનજરૂરી અને નબળું આયોજન જેણે અર્થતંત્રને વાસ્તવિક લાભો આપ્યા નહીં. ઈજિપ્તની નાણાકીય બાબતો ખૂબ જ સંવેદનશીલ બની ગઈ. અર્થશાસ્ત્રીઓએ ભાખ્યું હતું કે આ તમામ પરિબળો એકસાથે મળીને ઈજિપ્તને નાણાકીય અને આર્થિક પાતાળમાં લઈ આવ્યાં છે.
ઈજિપ્તની મુશ્કેલીઓની તુલના મધ્ય પૂર્વીય દેશ લેબનાન સાથે થાય છે, જે તેની પોતાની આર્થિક કટોકટીથી દબાયેલો છે.જો કે સરખામણી વિવાદાસ્પદ છે પણ હાલ ઈજિપ્તમાં જે વિદેશી નાણાંનાં લોભે નાગરિકતા આપવાની પહેલ કરી છે તે અર્થવ્યસ્થાનો સટિક માર્ગ નથી. રોગચાળો પછી યુદ્ધનો માર, તંગદિલી અને ભૂલભરેલાં નિર્ણયો પર એક વધું ભૂલ ઈજિપ્તના નાગરિકો માટે બેવડી માર સાબિત થાય તો નવાઈ નહીં!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular